- થાણે મહાનગરપાલિકાએ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને મૃતકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે
મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં બુધવારે સવારે 3 વાગ્યે પ્રાઈવેટ હોસ્પિટલ પ્રાઈમ ક્રિટીકેરમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 દર્દીનાં મૃત્યુ થયાં છે અને લગભગ 20 દર્દીને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આગ પછી ICUમાં દાખલ થયેલા 6 લોકોના સ્ફટિંગ દરમિયાન 4નાં મોત થયાં છે.
સ્થાનિક ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. શરૂઆતની તપાસ મુજબ આગ શોર્ટસર્કિટને કારણે લાગી છે. હાલ થાણે મહાનગરપાલિકાએ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે અને મૃતકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે.
થાણે નગર નિગમ તરફથી કહેવામાં આવ્યું છે કે દર્દીઓના ત્યારે મૃત્યુ થયાં હતા, જ્યારે તેમને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
મહારાષ્ટ્રમાં 4 મહિનામાં થયેલી 5 દુર્ઘટનામાં 62 લોકોના જીવ ગયા
આ કોઈ પ્રથમ મામલો નથી, જ્યારે મહારાષ્ટ્રમાં હોસ્પિટલની બેદરકારીથી લોકોના જીવ ગયા છે. માત્ર આ વર્ષે એટલે કે જાન્યુઆરી 2021થી અત્યારસુધીમાં 62 લોકોના જીવ હોસ્પિટલની બેદરકારીથી ગયા છે, તેમાં આજના ચાર દર્દીઓ પણ સામેલ છે.
- 9 જાન્યુઆરીએ ભંડારા જિલ્લા હોસ્પિટલની NICUમાં શોર્ટસર્કિટ પછી 10 બાળકોનાં મૃત્યુ થયાં હતાં.
- 26 માર્ચે ભાંડુપની સનરાઈઝ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 10 દર્દીનાં મૃત્યુ થયાં હતાં.
- 21 એપ્રિલે નાસિકની ઝાકીર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાને કારણે 24 દર્દીનાં મૃત્યુ થયાં હતાં.
- 23 એપ્રિલે વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ લાગવાથી 14 દર્દીનાં મૃત્યુ થયાં હતાં.
- 28 એપ્રિલે મુંબ્રા વિસ્તારની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલના ICUમાં આગ લાગવાથી 4 દર્દીનાં મૃત્યુ થયાં છે.