માસ્ક તો નહીં જ પહેરીએ:અમદાવાદીઓએ એક જ દિવસમાં 55 લાખ દંડ પેટે ભર્યાં, રાજ્યમાં પાંચ દિવસમાં 5.89 કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો

Ahmedabad Gujarat
  • ગુજરાતમાં દરરોજ 12 હજાર લોકો રોકડો દંડ ભરપાઈ કરે છે

કોરોના સામેની લડાઈ લાંબી છે અને કાયમી માસ્ક ધારણ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે છતાં માસ્ક પહેરવાના મુદ્દે અમદાવાદી ઉણાં ઉતરે છે તેવું દંડ વસૂલાત પરથી જણાઈ રહ્યું છે. ગુજરાતમાં વિતેલા પાંચ દિવસમાં માસ્ક દંડપેટે 5.89 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 12 હજાર લોકો પાસેથી સવા કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવે છે. તેમાંથી અડધો એટલે કે 55 લાખ રૂપિયા જેટલો દંડ અમદાવાદીઓ ભરે છે. માસ્ક દંડ વસૂલાતની કામગીરી પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર માટે આવકનું કેન્દ્ર બની ગઈ હોવાનું લોકો માનતાં થયાં છે.

નિયમો તોડનાર વ્યક્તિ સામે પોલીસ તંત્ર દંડ વસુલાતની કામગીરી કરે છે
23થી 27 ડીસેમ્બર દરમિયાન ગુજરાતમાં જાહેરનામાના ભંગ બદલ કુલ 2415 ગુના નોંધવામાં આવ્યાં છે. જ્યારે, 59188 વ્યક્તિઓ પાસેથી કુલ 5.89 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. આ પાંચ દિવસ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ હેઠળ કુલ 4386 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે અને 4986 વાહનચાલકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકારે કોરોના અટકાવવા જાહેર કરેલાં નિયમોના પાલન માટે ગુજરાત પોલીસ સક્રિય છે. સોશિયલ ડીસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિ સામે પોલીસ તંત્ર દંડ વસુલાતની કામગીરી કરે છે.

અમદાવાદીઓએ 28મી ડિસેમ્બરે 55 લાખ રૂપિયા દંડ ભર્યો
ગુજરાતમાં પોલીસ દ્વારા દરરોજ સરેરાશ સવા કરોડ રૂપિયા જેટલી રકમ માસ્ક દંડપેટે વસુલ કરવામાં આવે છે. આમાંથી અડધી રકમ તો અમદાવાદ શહેરમાંથી જ વસુલ કરવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસે તા. 28ના રોજ કુલ 55 લાખ રૂપિયાની દંડ વસૂલાત કરી છે. જેમાં 3979 વ્યક્તિઓ પાસેથી માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થુંકવા બદલ કુલ 39.79 લાખ રૂપિયા તેમજ લોકડાઉન અને જાહેરનામા ભંગ બદલ 148 વાહનો કબજે કરવા ઉપરાંત 15.41 લાખ રૂપિયાનો દંડ વસુલાયો છે.

કોરોના મુદ્દે સાવચેતીપૂર્વક રહેવા માટે સ્વયંજાગૃતિ આવશ્યક
કોરોનાની અસર ઓસરી રહી છે અને દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તે પાછળ લોકોને જાગૃત કરવા માટે પોલીસની કડક કાર્યવાહી કારણભૂત છે. કોરોના મુદ્દે સાવચેતીપૂર્વક રહેવા માટે સ્વયંજાગૃતિ આવશ્યક છે. આમ છતાં, સ્વયંભૂ લોકજાગૃતિ ન જણાતાં પોલીસે આકરાં દંડાત્મક પગલાં ભરવાનો વખત આવે છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા માટે છેલ્લા આઠ મહિનાથી સરકાર અને સરકારી તંત્ર તરફથી સતત જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *