- ઓક્ટો., 2018થી ડિસે., 2019 સુધીમાં લેવાયેલી મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આજે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. ખાસ કરી ઓક્ટોબર, 2018થી ડિસેમ્બર, 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક(બે વાર પરીક્ષા લીધા બાદ રદ)સહિતની ચાર વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ થઈ છે. જેમાં બિન સચિવાલય, એલઆરડી અને TAT પેપરલીક થવાને કારણે રદ કરવી પડી છે. આમ હાલ રાજ્યમાં બેરોજગારો સાથે મજાક થઈ રહી છે. જેને કારણે બેરોજગારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વન સંરક્ષક મુખ્ય સેવિકા, ટેટ(TET), નાયબ ચિટનીશ અને હાઈકોર્ટ પટાવાળા સહિતની અનેક પરીક્ષાઓ પણ રદ્દ થઈ ચૂકી છે.
પહેલા EWS મુદ્દે અને બાદમાં ગેરરીતિ મામલે બિનસચિવાલયની પરીક્ષા રદ
આ પહેલા લોકસભાની ચૂંટણીને કારણે આ ભરતી અટકી પડી. જો કે લોકસભા ચૂંટણી બાદ 1 જૂન, 2019ના રોજ આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને જગ્યાઓ પણ 2221થી વધારીને 3053 કરવામાં આવી. સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર, 2019ના રોજ એક જાહેરાત કરી કહેવામાં આવ્યું હતું કે 20 ઓક્ટોબર, 2019ના રોજ યોજાનારી પરીક્ષાની તારીખમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 ઑક્ટોબરથી વિદ્યાર્થીઓને કોલલેટર ડાઉનલોડ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું.જો કે, માત્ર 10 જ દિવસમાં એટલે કે 11 ઓક્ટોબરે 6 લાખથી વધારે યુવાનો જે પરીક્ષા આપવાના હતા તે રદ કરી દેવામાં આવી હતી.
રાજ્ય સરકારે આ પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરવા રદ કરી હતી.રાજ્ય સરકારના આદેશને પગલે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસને બદલે ગ્રેજ્યુએટ કરી હતી. જો કે બાદમાં આ નિર્ણય એક પરીક્ષા પુરતો પરત ખેંચી ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હતા. પરંતુ આજે ફરી આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પેપર લીક થતા TATની પરીક્ષા રદ, 1.47 લાખ ઉમેદવારોની મહેનત પાણીમાં
29 જૂલાઈ 2018 રોજ રાજ્યના 1.47 લાખ વિદ્યાર્થીઓએ ટિચર એલિજિબિલિટી ટેસ્ટ (TAT)ની પરીક્ષા આપી હતી અને ૩૦ જુલાઈએ પેપર લીક થવા મુદ્દે પરીક્ષા બોર્ડમાં ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ અરવલ્લી જિલ્લામાં પરીક્ષા પૂર્ણ થયાના 9 દિવસ બાદ 7 ઓગસ્ટે વધુ એક ફરિયાદ મળી હતી. જેથી શિક્ષણ વિભાગે ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના શિક્ષણાધિકારીઓને તપાસ સોંપાઈ હતી. જેમની પ્રાથમિક તપાસ બાદ અરવલ્લી જિલ્લાના પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી હતી. જો કે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યુ છે કે, પરીક્ષા શરૂ થાય તે પહેલા વોટ્સએપ માધ્યમથી હિન્દી વિષયનુ સેટ-5નું પેપર લીક કરવામાં આવ્યું હતું. જે તપાસ રિપોર્ટના આધારે શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 10 ઓક્ટોબર 2018ના રોજ ગુજરાતી માધ્યમની આખી પરીક્ષા રદ કરી હતી. આ પરીક્ષા 27 જાન્યુઆરી 2019ના રોજ ફરીથી લેવામાં આવી હતી.
પેપર લીક થતા LRD પરીક્ષા રદ, 9 લાખ ઉમેદવારો રઝળી પડ્યા હતા
9713 જગ્યા માટે ભરતી કરવા માટે 2 ડિસેમ્બરના રોજ એલઆરડીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા કુલ 9 લાખ ઉમેદવારોએ આપી હતી. પરંતુ પેપરના દિવસે જ સવારના 10:30 વાગ્યે બિન સત્તાવાર રીતે પેપર લીક થયું હોવાની ચર્ચા ચાલી હતી. ત્યાર બાદ બપોરના 12:00 વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે 12:45 વાગ્યે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પેપર લીક થયું હોવાની વાત સ્વીકારી પરીક્ષા રદ કરી દીધી હતી. આ જાહેરાત બાદ 1:20 વાગ્યે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા રદ થઇ હોવાના સ્ટીકર્સ લાગ્યા હતા. જેને પગલે 1:25 વાગ્યે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોએ હોબાળો કર્યો અને રાજ્યમાં અનેક સ્થળોએ ચક્કાજામ થયા હતા.જેથી 2:40 વાગ્યે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ 6 જાન્યુઆરી 2019ના રોજ પુનઃ પરીક્ષા યોજાઈ હતી.