- ગુરુવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ
મહેસાણા: અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. તેને પગલે ગુરુવારે રાજ્યનાં કચ્છ અને ઉત્તર ગુજરાત કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદની સંભાવના છે. વરસાદ બાદ ઠંડીનો પારો ગગડ્યો હતો અને વહેલી સવારથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ધુમ્મસની ચાદરથી છવાઈ ગઈ હતી. અમદાવાદમાં પણ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના પગલે ડીસા અને હિંમતનગર પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે તેમજ ઉત્તર ગુજરાતના અન્ય સ્ટેટ હાઈવે પર વાહન ચલાવવા મુશ્કેલીઓ પડી હતી અને વાહનોની લાઈટ ચાલુ રાખવા ફરજ પડી હતી. શિયાળામાં વરસાદને પગલે ઠંડીનો પારો ગગડ્યો છે.
દિયોદરમાં બે, બહુચરાજીમાં એક ઇંચ કમોસમી વરસાદ
રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતાં ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં કરા અને વાવાઝોડા સાથે કમોસમી માવઠું પડતાં ખેડૂતોના બ્લડ પ્રેશર હાઇ થઇ ગયા છે. દિયોદરમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના અંબાજી, અમીરગઢ, પાલનપુર, થરા, ધાનેરા, થરાદ, દાંતીવાડા, ડીસા, ભીલડીમાં પણ વરસાદ ખાબક્યો હતો. પાટણ જિલ્લામાં સિદ્ધપુર, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુરમાં પણ માવઠું પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. મહેસાણા જિલ્લામાં બહુચરાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જોટાણા, કડી અને મહેસાણામાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, સાપાવાડા, પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં પણ છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદથી જીરું, દિવેલા, એરંડા, રાયડામાં ઇયળના ઉપદ્રવની દહેશત છે. હવામાન વિભાગની આગાહી
કચ્છમાં પણ અડધો ઈંચ વરસાદ
કચ્છમાં બુધવારના મોડી રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં માવઠું થયા બાદ ગુરુવારે માંડવી અને ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું. રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યૂલેશનને પગલે પડેલા કમોસમી વરસાદથી કિસાનો ચિંતિત બન્યા હતા તો લોકોએ બીમારી વકરવાની ભીતિ દર્શાવી હતી. બુધવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં પશ્ચિમના લખપત તાલુકાના વર્માનગર, ઘડુલી, દયાપર, મેઘપર, રવાપર, નાગવીરી, ઘડાણી, આમારા, વિગોડી સહિતના ગામોમાં ઝાપટું વરસ્યું હતું. તો અબડાસા પંથકમાં પણ છૂટાછવાયાં વિસ્તારોમાં હળવા છાંટા વરસ્યાં હતા.
ખેડૂતો માટે આફત
બરફના કરાની વર્ષાથી જગતના તાત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાલ શાકભાજી,અને કાંદા મરચાનો પાક તૈયાર હોઈ, અને કમોસમી વરસાદથી માઠી અસર થઈ રહી છે. આ ખેડૂતો માટે કમોસમી વરસાદ અને કરા આફતરૂપ બની ગયો છે. સતત વાતાવરણમાં થઈ રહેલું પરિવર્તન ચિંતાનો વિષય બન્યો.