દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હવે ગુજરાતના ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. આજે રાજ્યના 150ની આસપાસ ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા માટે દિલ્હી-રાજસ્થાન બોર્ડર પર ભેગા થયા છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી ભેગા થઈ બસ દ્વારા ખેડૂતો રાજસ્થાન બોર્ડર પર પહોંચ્યા છે.

ગાંધીનગરમાં ખેડૂત સંસદની પરવાનગી ના મળતાં ઝૂમ એપથી મીટિંગ કરી ખેડૂતો રાજસ્થાન-દિલ્હી બોર્ડર પર પહોંચ્યા છે, જેમાં પાલ આંબલિયા, ડાહ્યાભાઈ ગજેરા, જયેશ પટેલ અરુણ મહેતાની આગેવાનીમાં ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 ડિસેમ્બરના રોજ રાજ્યનાં ખેડૂત સંગઠનો એક મંચ પર એકત્રિત થયાં હતાં અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ બનાવી હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ 11 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે “ખેડૂત સંસદ” કરી સામૂહિક રીતે દિલ્હી પહોંચવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
