કેસ ઝડપી ચલાવવા એક જ અરજદારે બે જુદા જુદા નામે હાઈકોર્ટની બે અલગ કોર્ટમાં રિટ કરતાં વિવાદ

Business & Law Gujarat More

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં અસલી અને નકલી અરજદાર કોણ તે અંગે ગંભીર કિસ્સો નોંધાયો છે. ગુજરાત હાઇકોર્ટ સહિત 4 વકીલો તેમના અસીલ કોણ તે અંગે ગોથે ચડયા છે. સંજય પંડિત અને કાંતિલાલ સોલંકી નામના અરજદાર એક જ છે કે જુદા તે અંગે અજીબ સસ્પેન્સ ઉભંુ થયું છે. હાઇકોર્ટે બે કોર્ટમાં એક જ સરખી અરજી કરનારાના વકીલને કેસમાંથી ખસી જવા મનાઈ ફરમાવી છે. કોર્ટમાં અરજી કરીને ખંડણી ઉઘરાવનાર વ્યક્તિ કોણ છે તે અંગે તપાસ કરવામાં આવશે.
સંજય પંડિત નામના અરજદારે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. તેમાં આજીવન કેદની સજા પામેલા લોકોને રાહત આપવા માટે દાદ માગી છે. આ કેસની સુનાવણી હાઇકોર્ટમાં ઘણા સમયથી ચાલી નથી. દરમ્યાનમાં બીજી કોર્ટમાં અરજદારે કાંતિ સોલંકીના નામે બીજી સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરી હતી. આ અરજીમાં પણ બિલકુલ જાહેરહિતની અરજી મુજબ દાદ માંગવામાં આવી છે. બન્ને કેસમાં સંજય પંડિતના વકીલ એક જ વ્યક્તિ છે. પરતું બન્ને અરજીમાં અરજદારના નામ અલગ રાખ્યા છે. જયારે સ્પેશિયલ ક્રીમીનલ એપ્લિકેશનની સુનાવણી થતી ત્યારે કોર્ટે અરજદાર કાંતિલાલ સોલંકીને રૂબરૂ હાજર રહેવા 3 વખત હુકમ કર્યા હતા છતાં અરજદાર હાજર થયો નહી. તેથી કાંતિલાલના વકીલને કોર્ટે નોટિસ પાઠવવા આદેશ કર્યો. વકીલે મોકલેલી નોટિસ પણ પરત આવતા અને આ જગ્યા પર તેવી કોઇ વ્યકિત રહેતી નથી તેવી જાણકારી મળી હતી.
કોર્ટે વકીલને કેસમાંથી ખસવા મંજૂરી ન આપી
જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં મદદનીશ પબ્લિક પ્રોસીકયુટરે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, કાંતિલાલ સોલંકી નામનો અરજદાર જ નથી. સંજય પંડિત નામનો અરજદાર છે જેણે બન્ને કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે કાંતિલાલને હાજર થવા કરેલા હુકમ બાદ પણ કાંતિલાલ કોણ છે અને કેમ હાજર થતા નથી? તે અંગે તેમના વકીલને પૂછતાં તેમના વકીલે કેસમાંથી ખસી જવા માગણી કરી હતી. પરતું કોર્ટે જ્યાં સુધી કાંતિલાલ કોર્ટ સમક્ષ હાજર ન થાય ત્યાં સુધી કેસમાંથી ખસી જવા ઇન્કાર કર્યો છે.
અરજદાર કોર્ટને ગેરમાર્ગે દોરતો હોવાનો આક્ષેપ
હત્યાના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા તરફથી એડવોકેટે કોર્ટ સમક્ષ એક સીડી રજૂ કરી હતી જેમા સંજય પંડિત કોર્ટને ગેરમાર્ગે દોરીને લોકો પાસેથી ખંડણી ઉઘરાવતા હોવાની રજૂઆત કરી હતી. બન્ને તરફે દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પણ અસલી અરજદાર કોણ તે અંગે તપાસ કરવા અને ગંભીર કિસ્સો હોવાનું જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *