અનલૉકમાં બોલિવૂડ ધીમે ધીમે પાટા પર પરત ફરી રહ્યું છે, આ સમયે હવે બોલિવૂડમાં કોરોનાના ચેપનો પ્રસાર વધતો જાય છે. ‘જુગ જુગ જિયો’ની સ્ટાર-કાસ્ટ બાદ હવે ક્રિતિ સેનન પણ કોરોના પોઝિટિવ આવી છે. આ પહેલાં વરુણ ધવન, નીતુ સિંહ, મનીષ પોલ તથા ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા કોરોના પોઝિટિવ હતા. તે ચંદીગઢમાં રાજકુમાર રાવની સાથે શૂટિંગ કરતી હતી. શૂટિંગ પૂર્ણ થયા બાદ તે મુંબઈ પરત ફરી હતી. વેબ પોર્ટલ ફિલ્મફેરના અહેવાલ અનુસાર આ વાત સામે આવી છે કે ક્રિતિ સેનન કોરોના પોઝિટિવ છે. જોકે, એક્ટ્રેસ તથા તેની બહેન નુપૂર કે પછી તેની ટીમ તરફથી અત્યાર સુધી આ અંગેની પુષ્ટિ કરી નથી.
હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી
ક્રિતિ સેનન છ ડિસેમ્બર, રવિવારના રોજ ચંદીગઢથી મુંબઈ પરત ફરી હતી. એરપોર્ટ પર ક્રિતિ સેનન બ્લેક માસ્કમાં જોવા મળી હતી. ફોટોગ્રાફર્સે ક્રિતિને માસ્ક કાઢવાનો કહ્યો હતો પરંતુ ક્રિતિએ ચોખ્ખી ના પાડી દીધી હતી.
ક્રિતિના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘મિમિ’ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી સાથે જોવા મળશે. આ ઉપરાંત તે દિનેશ વિજનની ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મનું ટાઈટલ હજી નક્કી નથી. ફિલ્મમાં અપારશક્તિ ખુરાના, પરેશ રાવલ તથા રત્ના પાઠક છે. આ ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં થતું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સિંગર કનિકા કપૂર, કિરણ કુમાર, અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય-આરાધ્યા બચ્ચન, તમન્ના ભાટિયા, અનુપમ ખેરના ભાઈ-ભાભી-માતા તથા ભત્રીજી, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, જેનેલિયા ડિસોઝા, પૂરબ કોહલી તથા તેનો પરિવાર, પ્રોડ્યૂસર કરીમ મોરાની તથા તેમની બે દીકરીઓ (ઝોયા મોરાની તથા શાઝા મોરાની), રાજેશ્વરી સચદેવ, આફતાબ શિવદાસાની, સિંગર કુમાર સાનુ, એક્ટર હર્ષવર્ધન રાણે, સની દેઓલ, રેપર રફ્તાર સહિતના સેલેબ્સ કોરોનાને માત આપી ચૂક્યા છે. જોકે, બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જીનું કોરોનાને કારણે નિધન થયું હતું.