- ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસ ના 500થી વધારે કેસ સામે આવ્યા છે
- વુહાન શહરમાં ઘરેથી બહાર નીકળતા પહેલાં લોકો માટે માસ્ક લગાવવો જરૂરી
- સાર્સ વાયરસથી 2002-2003માં ચીન-હોંગકોંગમાં 650 લોકોના મોત થયા હતા
વુહાન: ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 500થી વધારે કેસ સામે આવ્યા છે. 17 લોકોના મોત થયા છે. ગુરુવારે વુહાન શહેરથી બહાર આવતી દરેક ઉડાન અને ટ્રેન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) પ્રમુખ ટેડ્રોસ એડહેનમે ગેબ્રેયીસુસે બુધવારે કહ્યું કે, ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરવી કે નહીં તે વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે.
ટ્રાન્સપોર્ટ બંધ કરવા મુદ્દે WHO પ્રમુખે કહ્યું કે, આ પગલાંથી ચીનમાં આંતરિક લેવલે તો વાયરસ ફેલાતો રોકાશે જ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ વાયરસ ફેલાવાની આશંકા ઓછી થઈ જશે. ચીનમાં હજારો લોકોને આ વાયરસનું ઈન્ફેક્શન થઈ રહ્યું છે. કોરોના વાયરસનો પહેલો કેસ વુહાન શહેરમાંથી 31 ડિસેમ્બરે મળ્યો હતો. કોરોના વાયરસ SRS (સીવિયર એક્યૂટ રેસિપિરેટરી સિન્ડ્રોમ-સાર્સ) જેવો હોવાના કારણે જોખમ વધારે છે.
સાર્સ વાયરસથી 2002-2003માં ચીન અને હોંગકોંગમાં અંદાજે 650 લોકોના મોત થયા હતા. કોરોનાને પણ સાર્સ વાયરસની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તેનાથી બચવાના ઉપાય પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી વાયરસના સોર્સની જાણ થઈ નથી.
એરપોર્ટ્સ, બસ સ્ટોપ અને ટ્રેનમાં પણ લોકોની તપાસ થઈ રહી છે
ચીનમાં ન્યૂ યરની ઉજવણી કરવા માટે આ સપ્તાહે લાખો લોકો આવતા-જતા રહેશે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે એરપોર્ટ્સ, બસ સ્ટોપ, ટ્રેનોમાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે. બેઈજિંગ, શાંગાઈ અને ચોંગકિંગની સાથે જ ઉત્તર પૂર્વ, મધ્ય અને દક્ષિણ ચીનથી પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જાપાન, મકાઉ, દક્ષિણ કોરિયા, તાઈવાન, થાઈલેન્ડ અને અમેરિકામાં પણ તેના કેસ જોવા મળ્યા છે.
માનવામાં આવે છે કે વાયરસ જાનવરથી ફેલાયો છે
અમેરિકાના 5 એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. લંડનમાં મોસ્કો સુધી એરપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે. WHOએ ખુલાસો કર્યો છે કે, પ્રભાવિત લોકો સંપર્કમાં આવતા ઈન્ફેક્શન ફેલાવાની શક્યતા છે. માનવામાં આવે છે કે, આ વાયરસ જાનવરથી ફેલાયો છે. ચીનના સ્વાસ્થય વિભાગના સીનિયર અધિકારી ગાઓ ફૂએ કહ્યું કે, અમે પહેલેથી જ જાણીએ છીએ કે આ બીમારી એક એવી જગ્યાથી વીકસી છે જ્યાં ગેરકાયદે રીતે જંગલી જાનવરોનું ખરીદ-વેચાણ થાય છે.
વુહાનમાં 1300થી 1700 લોકોને ઈન્ફેક્શન
હોંગકોંગ અને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે, વુહાનમાં 1300થી 1700 લોકોને ઈન્ફેક્શન છે. સ્વાસ્થય અધિકારીઓએ લોકોને આગ્રહ કર્યો છે કે, તેઓ નિયમિત તેમના હાથ ધોવે, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળે, તાજી હવામાં રહે અને ખાંસી આવે તો માસ્ક જરૂર પહેરે. ખાંસી અથવા તાવ આવે તો હોસ્પિટલ ચોક્કસથી જાય. સ્થાનિક સરકારે તેમના દરેક જાહેર કાર્યક્રમો રદ કરી દીધા છે. 3-9 ફેબ્રુઆરીએ થનારી મહિલા ઓલિમ્પિક ફૂટબોલ ક્વાલિફાઈંગ મેચને પૂર્વ શહેર નાનજિંગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.