- પાર્ટી પર પ્રતિબંધ છતાં ગોવાની ફ્લાઈટનું ભાડું દોઢગણું થયું, આબુમાં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ પહોંચશે, હોટેલના ભાડાં ચાર ગણાં થયાં
- રાજ્યમાં કેવડિયા, ધોરડોના રણોત્સવમાં બુકિંગ હાઉસફુલ, ગીરમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા
કોરોનાને કારણે આ વર્ષે 31 ડિસેમ્બરે રાત્રે શહેરની કોઈપણ હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આથી અમદાવાદીઓએ થર્ટી ફર્સ્ટની ઉજવણીની જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી દીધો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો રણોત્સવમાં હોટેલો લગભગ ફુલ થઈ ગઈ છે. ગીર, દીવ, દમણમાં પણ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે. બીજી તરફ રાજ્ય બહાર માઉન્ટ આબુ, ઉદયપુર, જેસલમેર, જોધપુર જેવી જગ્યાઓ માટે અમદાવાદીઓએ બુકિંગ કરાવ્યાં છે. જ્યારે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન માટે સૌથી લોકપ્રિય ગણાતા ગોવામાં પાર્ટી પર પ્રતિબંધ હોવા છતાં ફ્લાઈટનું રિટર્ન ભાડું 10 હજારથી વધીને 15 હજારે પહોંચી ગયું છે.
શહેરમાં ઉજવણી: નાઈટ કર્ફ્યૂ હોવાથી SG-CG રોડ 31મીની રાત્રે સૂમસામ રહેશે
- એસજી હાઈવે-સીજી રોડ: દર વર્ષે એસ.જી.હાઈવે અને સી.જી.રોડ પર મોટી સંખ્યામાં નવા વર્ષની ઉજવણી માટે લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે નાગરિકો પર પ્રતિબંધ મૂકાયો છે. નવાવર્ષની પૂર્વ સંધ્યાથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે.
- ઘરમાં ઉજવણી કરી શકાશે: શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઘરમાં નવા વર્ષની ઉજવણી કરવા પર કોઈ પ્રતિબંધ નથી. સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક સહિતના નિયમોનંુ પાલન થાય અને મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે.
- હોટેલો: હાલ કર્ફ્યૂના કારણે રાતના 9 સુધી ખુલ્લી રહે છે.નવાવર્ષની ઉજવણીમાં હોટેલો મોડી સુધી ખુલ્લી રાખવાની માંગણી યથાવત છે. પરંતુ તંત્રએ હાલ કોઈ સૂચના આપી ન હોઈ 9 પછી ચાલુ રાખી શકાશે નહીં.
- ક્લબ: નવા વર્ષની ઉજવણી માટે પોલીસે શહેરની એકપણ ક્લબને મંજૂરી આપી નથી. થર્ટી ફર્સ્ટની રાત્રે ક્લબમાં પાર્ટી યોજાય નહીં તે માટે પોલીસે સંચાલકોને સૂચના આપી છે. જો કોઈ પાર્ટી યોજાશે તો કાયદેસરના પગલાં લેવાશે તેવી સૂચના પણ આપી છે.
- ફાર્મહાઉસ: શહેરની હદ બહાર આવેલા ફાર્મહાઉસમાં નવાવર્ષની ઉજવણી કરવાની ગ્રામ્ય પોલીસે કોઈપણ ફાર્મહાઉસને મંજૂરી આપી નથી. જો કે લોકો અંતરિયાળ વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસમાં પાર્ટી કરે તેવી સંભાવના હોવાથી પોલીસ રણનીતિ ઘડવા બેઠક યોજશે.
રાજ્યમાં ઉજવણી: દમણમાં 200 વ્યક્તિની મર્યાદા સાથે પાર્ટી થઈ શકશે
- કેવડિયા: મોટાભાગના લોકો ફરવા માટે જતા હોવાથી ધસારો વધ્યો છે. સરકારી ગાઈડલાઈન મુજબ લોકો એકત્ર થઈ ઉજવણી કરી શકશે.
- કચ્છ રણોત્સવ: 100 લોકો ભેગા થઈ શકશે, ટેન્ટ સિટીમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
- સાસણ ગીર-માધવપુર ઘેડ: સાસણમાં દર વર્ષની જેમ આ વખતે નવા વર્ષની રજામાં પ્રવાસીઓ વધુ આવી રહ્યા છે પણ ત્યાં 31 ડિસેમ્બરની ઉજવણી કરાતી નથી. માધવપુરમાં રજાના કારણે લોકો ફરવા આવે છે.
- દીવ: દીવમાં રાષ્ટ્રપતિ પ્રવાસે આવ્યા છે, તેથી હાલ કોઈ જાહેરનામું બહાર પડાશે નહીં. પણ જાહેરમાં કોઈપણ પ્રકારની ઉજવણીને મંજૂરી અપાશે નહીં તેવું સત્તાવાળા કહે છે.
- દમણ: જાહેરમાં કોઈપણ પ્રકારની ઉજવણી કે ટોળા ભેગા થવા પર પ્રતિબંધ છે. માત્ર કેટલીક હોટેલના હોલમાં 200ની મર્યાદામાં સરકારી ગાઈડલાઈન પ્રમાણે પાર્ટી થઈ શકશે. હોટેલોમાં બુકિંગ ફૂલ છે. લોકો હોટેલના રૂમમાં પાર્ટી કરી શકે છે.
- સાપુતારા: અહીં કોઈપણ પ્રકારની ઉજવણી કરવા દેવામાં નહીં આવે. પણ પ્રવાસીઓના ધસારાને કારણે હોટેલો ફૂલ થઈ ગઈ છે.
પોળો: કોરોનાને કારણે 30-31 ડિસેમ્બરે પ્રવેશ પર પ્રતિબંધ છે.
દેશમાં ઉજવણી: ઉદયપુરમાં હોટેલો ફુલ થતાં પ્રવાસીઓ જેસલમેર તરફ વળ્યાં
- ગોવા: જાહેર કાર્યક્રમ નહીં થાય, સરકારી ગાઈડલાઈન મુજબ હોટેલોની અંદર નવા વર્ષની ઉજવણી થશે. જો કે, શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ગોવા જઈ રહ્યા હોવાથી અમદાવાદથી ગોવાનું ફ્લાઈટનું રિટર્ન ભાડું 10 હજારથી વધીને 15 હજાર સુધી પહોંચી ગયું છે. ગોવાની હોટેલોના રેટ પણ 20થી 30 ટકા વધી ગયા છે.
- મુંબઈ: નાઈટ કર્ફ્યૂ હોવાથી જાહેરમાં કોઈ ઉજવણી નહીં થાય. હોટેલો કે ઘરોમાં જ ઉજવણી કરી શકાશે. ફ્લાઈટના ભાડામાં કોઈ વધારો નહીં.
- ઉદયપુર: ગુજરાતની નજીકનું સેન્ટર હોવાથી સૌથી વધુ ડિમાન્ડ, ખાનગી વાહનોથી લોકો જતા હોવાના કારણે હોટેલો પેક થતાં ભાડાં વધ્યાં. આ સાથે કુંભલગઢ માટે પણ બુકિંગ નોંધાયું છે.
- જેસલમેર-જોધપુર: ઉદયપુરમાં હોટેલો ફુલ થઈ જતાં લોકો હવે જેસલમેર અને જોધપુર તરફ વળ્યાં છે. જો કે, અહીં પણ હોટેલોની અંદર જ ઉજવણી કરી શકાશે.
- માઉન્ટ આબુ: કોરોના કારણે ધાર્મિક, સામાજિક કાર્યક્રમો રદ કરી દેવાયા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે યોજાતો શરદ મહોત્સવ 40 વર્ષમાં પહેલીવાર નહીં યોજાય. જો કે, નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકોનો ધસારો થતાં 200થી વધુ હોટેલોમાં નો-રૂમના પાટિયા લાગ્યા છે. હોટેલોના ભાડાં ચાર ગણા વધી ગયા છે. આ વર્ષે વાહનોની સંખ્યા વિક્રમી 15 હજાર થવાની શક્યતા સ્થાનિકોએ વ્યક્ત કરી છે.
કચ્છ રણોત્સવ-કેવડિયાની સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી છે
સ્થાનીય કક્ષાએ પર્યટકોમાં કચ્છ રણોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિમાંડ સૌથી વધુ છે, જેના કારણે આ બન્ને સ્થળો લગભગ હાઉસફુલ થઈ ગયા છે. આ ઉપરાંત દીવ, દમણ, દ્વારકા, સોમનાથ, સાસણગીર અને જુનાગઢ જેવા સ્થળો માટે પણ મોટી સંખ્યામાં લોકો બુકિંગ કરાવી રહ્યા છે. આ ઉપરાંત ગોવા, રાજસ્થાન માટે પણ ઘણી ઈન્કવાયરી આવી રહી છે. – મનીષ શર્મા, ટૂર ઓપરેટર
ગોવા-ઉદયપુરનું બુકિંગ વધ્યું, પૂર્વના રાજ્યની ડિમાન્ડ નહિવત્
ગુજરાતના સ્થાનિક સ્થળો સાસણ ગીર, માધવપુરઘેડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ રણછોત્સવની સાથે મોટી સંખ્યામાં લોકો નજીકના સ્થળો માઉન્ટ આબુ, ઉદયપુર, કુંભલગઢ, જેસલમેર, જોધપુર માટે વધુ બુકિંગ કરાવી રહ્યા છે. રાજસ્થાનની સાથે ગોવા માટે પણ લોકોની ડિમાન્ડ વધુ છે. જ્યારે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ફરવા જવા માટે ટુરિસ્ટોની ડિમાન્ડ આ વખતે નહીંવત જોવા મળી રહી છે. – શૈલેષ અગ્રવાલ, ટુર ઓપરેટર