- લિંબાયતમાં પાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતી 15 વર્ષિય તરૂણી પર મહોલ્લાના યુવકે બળાત્કાર ગુજાર્યો હતો
લિંબાયતમાં પાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતી 15 વર્ષિય તરૂણી પર મહોલ્લાના યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. અઠવાડિયા પહેલા આ જ તરૂણી પર ગણેશ નામના યુવકે પણ રેપ કર્યો હતો.10 દિવસમાં તરૂણી પર રેપ કરનાર બંને યુવકની પોલીસે ધરપકડ કરી છે.
ગર્ભવતી થતા મામલો સામે આવ્યો
મીઠીખાડી વિસ્તારમાં રહેતી 15 વર્ષિય નંદિતા( નામ બદલ્યું છે)ના પિતાનું પાંચ માસ પહેલા અવસાન થતા સુરતમાં માતા સાથે રહેતી હતી. અહીં પાલિકાના સફાઈ કોન્ટ્રક્ટમાં કામ કરતી હતી. નંદિતાની તબિયત બગડતા તેને ડોક્ટર પાસે લઈ જવાતા ખબર પડી કે,ગર્ભવતી છે. તેથી ગણેશની રેપના ગુનામાં ધરપકડ થઈ હતી. ત્યાર બાદ નંદિતાએ તેની માતાને કહ્યું કે, મહોલ્લામાં રહેતા એઝાઝ શેખે પણ બળાત્કાર ગુજાર્યો છે. જેથી એઝાઝની પણ ધરપકડ કરી છે.
ગર્ભ કોનો : ગણેશ કે એઝાઝનો, DNA ટેસ્ટ થશે
ભોગ બનનાર નંદિતા પર ગણેશ અને એઝાઝ શેખ બંનેએ અલગ-અલગ સમયે અને અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો છે. હાલ નંદિતાને બે મહિનાનો ગર્ભ છે. તેથી આ ગર્ભ ગણેશનો છે કે એઝાઝનો છે તે ખબર નથી તેથી આ ગર્ભ કોનો છે તે જાણવા માટે પોલીસ ડીએનએ ટેસ્ટ કરનાર છે.
શહેરના મોલ અને કોમ્પ્લેક્સમાં કપલ બોક્સ નવું ન્યુસન્સ
શહેરમાં કોમ્પ્લેક્સ અને મોલમાં આવેલા કપલ બોક્સ ન્યુસન્સ ઉભું કરી કર્યા છે. કપલ બોક્સમાં બે રોકટોક અનૈતિક પ્રવૃત્તિ થાય છે. કતારગામમાં 16 વર્ષની કિશોરી સાથે સિંગણપોરમાં કલપ બોક્સમાં બળાત્કાર ગુજારાયો હતો. નંદિતા સાથે એઝાઝ શેખે પણ કપલ બોક્સમાં બળાત્કાર ગુજાર્યો હતો. હવે પોલીસ આવા કપલ બોક્સ પર કાર્યવાહી કરે તે સમયની માંગ છે.
ગર્ભપાત માટે અરજી થશે
નંદિતા હાલ માત્ર 15 વર્ષની છે. હાલ તેને બે મહિનાનો ગર્ભ છે. તેને સારા નરસાનું હજી પુરૂ ભાન નથી. તેથી તેનો પરિવાર સંબંધીઓ અને વકિલોની સલાહ પછી કોર્ટમાં તેના ગર્ભપાત માટે અરજી કરનાર છે. સામાન્ય રીતે ચાર મહિના સુધીના ગર્ભનું કાયદેસરની પ્રોસિજર પછી ગર્ભપાત કરી શકાય છે.