હત્યારી માતાને ફાંસી:પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી દીકરીની ઠંડા કલેજે હત્યા નિપજાવનાર માતા અને માતાના પ્રેમીને ફાંસીની સજા

Gujarat
  • સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા કોર્ટે ફાંસીની સજા ફટકારી
  • વર્ષ 2018માં પાટડીના ધામા ગામમાં બન્યો હતો બનાવ

જે માતાએ નવ નવ મહિના સુધી દીકરીને કૂખમાં ઉછેરી અને બાદમાં 17 વર્ષ સુધી લાલનપાલન કરી મોટી કરી અને તે જ દીકરીની માત્ર તેમના લગ્નેતર સંબંધ માટે હત્યા નિપજાવનાર માતા અને માતાના પ્રેમીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામમાં વર્ષ 2018માં માતાએ તેના પ્રેમી સાથે મળી કરેલી દીકરીની હત્યા મામલે ધ્રાંગધ્રા કોર્ટે માતા અને તેના પ્રેમીને ફાંસીની સજા ફટકારી છે.

ધ્રાંગધ્રા કોર્ટ.
ધ્રાંગધ્રા કોર્ટ.

શું હતો સમગ્ર મામલો?
પાટડી તાલુકાના ધામા ગામમાં રહેતાં કંકુબેન પાનવેચા અને ઉમંગ ઠક્કર નામના યુવકને પ્રેમસંબંધ હોઈ બંનેએ ગામમાંથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો, જેની જાણ કંકુબેનની દીકરી સોનલ ઉર્ફે કિંજલ જાણી જતાં તેણે પોતાની મમ્મી કંકુબેનને આ વાત પપ્પાને કહી દેવાનું જણાવતાં કંકુબેને પોતાના પ્રેમી ઉમંગ ઠક્કર સાથે મળી તેમના પ્રેમમાં ભંગ પડાવતી દીકરી સોનલનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી પ્લાન બનાવ્યો હતો.

હત્યારો ઉમંગ ઠક્કર.
હત્યારો ઉમંગ ઠક્કર.

આ પ્લાન અંતર્ગત 11 જુલાઇ 2018ની સવારે કંકુબેન પોતાની દીકરી સોનલને લઇને ઉમંગ ઠક્કરના ઘેર આવી હતી અને ઘરના અંદરના રૂમમાં હેવાન બનેલી માતાએ પોતાની દીકરી સોનલને પકડી રાખી હતી અને નિર્દયી બનેલા ઉમંગ ઠક્કરે પોતાની પાસે રાખેલી છરી વડે સોનલના પેટમાં છરીના પાંચ ઘા ઝીંકી આંતરડાં બહાર કાઢવાની સાથે આટલેથી ના અટકતાં આવેશમાં આવેલા ઉમંગ ઠક્કરે છરી વડે સોનલના ગળ‍ા પર છરી ફેરવી પાંચથી છ ઇંચનો ઊંડો ચેકો મારી ફરાર થઇ ગયો હતો અને કંકુબેન દીકરી સોનલની લાશ મૂકીને કાંઇ જ ના બન્યું હોય એમ પોતાના ઘેર જઇ રસોઇકામમાં લાગી ગઇ હતી.

હત્યારી માતા કંકુબેન ઠાકોર.
હત્યારી માતા કંકુબેન ઠાકોર.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા આરોપી ઉમંગ ઠક્કરને ગણતરીના કલાકોમાં જ માળિયાથી ઝબ્બે કરી છરી કબજે કરવાની સાથે દીકરીની માતા કંકુબેનની પણ અટક કરી હત્યા અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બાદમાં આ કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતાં ધ્રાંગધ્રા કોર્ટે તમામ દલીલો સાંભળી પ્રેમી અને માતાને દીકરીની હત્યાકેસમાં કસૂરવાર ઠેરવી ફાંસીની સજા સંભળાવી છે.

ભાંડાફોડ ના થાય એ માટે દીકરીની હત્યા કરી
પાટડીના ધામાના ઉમંગ ઠક્કરના ગળાડૂબ પ્રેમમાં પાગલ કંકુબેન અને ઉમંગ ઠક્કરે ઘેરથી ભાગી જઇ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, જે અંગે ફોન પર કરાયેલી વાત કંકુબેનની દીકરી સોનલ સાંભળી જતાં અને આ વાત પપ્પાને કરી દેવાનું જણાવતાં કંકુબેન અને ઉમંગ ઠક્કરે આ વાત માત્ર સોનલ જ જાણતી હોવાથી તેનો કાંટો કાયમ માટે દૂર કરવાનું જણ‍ાવી પછી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

પ્રેમસંબંધનો ભાંડાફોડ ના થાય એ માટે દીકરીની હત્યા કરી હતી.
પ્રેમસંબંધનો ભાંડાફોડ ના થાય એ માટે દીકરીની હત્યા કરી હતી.

હત્યારા ઉમંગની માતાએ જ હત્યાનો ભેદ ખોલ્યો હતો
આ અંગે ઉમંગ ઠક્કરની અપંગ માતાએ જ પોલીસને જણ‌ાવ્યું હતું કે એ દિવસે સવારે સાડાદસ વાગ્યે હું વાસણ ધોઇ રહી હતી એ સમયે મારો દીકરો ઉમંગ ઘરમાં એકલો હતો ને કંકુબેન ઠાકોર પોતાની દીકરી સોનલને લઇને મારા ઘરે અંદરના રૂમમાં લઇ ગયા બાદ થોડીવારમાં જ કંકુબેન અને મારો દીકરો ઉમંગ બહાર આવીને જતાં રહ્યાં હતાં અને ઘરના અંદરના રૂમમાં સોનલની લાશ લોહીલુહાણ હાલતમાં જોતાં મેં મારા પતિ લલિતભાઇને જાણ કરતાં ગ્રામજનો પણ દોડી આવ્યાં હતાં.

ધ્રાંગધ્રા કોર્ટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *