કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા 8માંથી 4 કે 5ને ફરીથી MLA બનવા નહીં મળે

Ahmedabad Gujarat
  • કાકડિયાને સ્થાન ન મળે તો સંઘાણીને મંત્રી બનવાની તક
  • કેસરિયો ખેસ ધારણ કરનારા સોમા ગાંડા, જીતુ ચૌધરી, મેરજા, મારુ કપાશે

અમદાવાદ. રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા આઠ ધારાસભ્યો શનિવારે બપોરે બાર વાગ્યે કમલમ પર વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરશે. પરંતુ આ આઠમાંથી ચારથી પાંચ પૂર્વ ધારાસભ્યો કાયમ માટે ભૂતપૂર્વ ધારાસભ્યો જ રહી જાય તેવું છે. ગુજરાત ભાજપના ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ આઠમાંથી માત્ર ત્રણ કે ચારને જ ટિકીટ આપી પેટાચૂંટણી લડાવાશે. 

દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં ભાજપના એક શિર્ષસ્થ નેતાએ જણાવ્યું કે આઠમાંથી મોટાભાગના ધારાસભ્યો હવે ચૂંટાય તેવાં સમીકરણો નથી અથવા તેમનાથી સ્થાનિક મતદારો અને ભાજપના હોદ્દેદારો જ નારાજ છે. આવાં સમીકરણોને કારણે ત્યાં તેઓને ટીકિટ આપવા કરતાં તેમને ઘરે બેસાડવા વધુ સારા રહેશે. આ લિસ્ટમાં નામ જોઇએ તો લીંબડી ધારાસભ્ય સોમાભાઇ કોળી પટેલને કે તેમના પરિવારના કોઇપણ સભ્યને ટીકિટ આપવાને બદલે ભાજપ પોતાના જૂના જોગી કિરીટસિંહ રાણાને જ ટિકીટ આપશે. આ ઉપરાંત ગઢડા બેઠક પર અનુસૂચિતજાતિ અનામત હોઇ ત્યાં પ્રવીણ મારૂને ટિકીટ આપવાને બદલે ભૂતપૂર્વ મંત્રી અને ગઇ ચૂંટણીના પરાજિત ઉમેદવાર આત્મારામ પરમારને ટિકીટ અપાશે. ગત વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછી સરસાઇ સાથે વિજેતા થયેલા કપરાડાના જીતુ ચૌધરીને ટીકિટ નહીં અપાય.

મોરબી બેઠક પર ભાજપના સ્થાનિક સંગઠન, ભૂતપૂર્વ ધારાસભ્ય અને મતદારો નારાજ હોઇ બ્રિજેશ મેરજાને ટીકિટ આપવાને બદલે ભાજપના પરાજિત કાંતિ અમૃતિયાને જ ટીકિટ અપાશે. આ સાથે ધારી બેઠક પર જો જે વી કાકડિયાને ટીકિટ ન અપાય તો તેમના સ્થાને તેમના પત્ની કોકીલાને ટીકિટ અપાઇ શકે છે. જો કે કાનાફૂસીમાં એવી પણ વાતો ચાલે છે કે ભાજપ પોતાના જૂના જોગી અને ગઇ ચૂંટણીમાં જે વી સામે હારેલા દીલિપ સંઘાણીને પણ મેદાને ઉતારી શકે છે. આ સાથે અમરેલી જિલ્લામાં હાલ માત્ર કોંગ્રેસ પાસે જ તમામ બેઠક હોવાથી અહીં ભાજપ ખાતું ખોલાવી શકે છે. અમરેલી જિલ્લાને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવા ધરખમ વ્યક્તિની જરૂર હોઇ અહીં કાકડિયાના સ્થાને સંઘાણીને ઉજળી તકો છે. આ તરફ ભાજપ અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાને, કરજણ બેઠક પરથી અક્ષય પટેલને તથા ડાંગ બેઠક પરથી મંગળ ગાવિતને ચૂંટણી લડાવી શકે છે. 

મંત્રીમંડળ વિસ્તરણ પર અસર થશે
આ પેટાચૂંટણીમાંથી વિજેતા બનીને આવતાં ઉમેદવારોમાંથી મંત્રીમંડળમાં સમાવાય તેવાં બેથી ત્રણ ચહેરાને પસંદ કરાશે. જે પૈકી ગઢડા બેઠક પર આત્મારામ પરમાર જીતે તો તેમને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી બનાવાઇ શકે છે. તે પછી દિલીપ સંઘાણીને ટિકીટ અપાય અને જીતે તો તેમને કૃષિમંત્રી પણ બનાવાઇ શકે છે. જો કે મંત્રીમંડળનું વિસ્તરણ પણ વિધાનસભા પેટાચૂંટણી ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જ કરવામાં આવશે. તેથી આ શક્યતા ડિસેમ્બરના અંત કે આવતા વર્ષના જાન્યુઆરી પહેલાં દેખાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *