ઓકિસજન નથી કહી 7 દર્દીઓને પારેખ હોસ્પિટલે તગેડી મૂકયા

Ahmedabad Gujarat
  • ખાનગી હોસ્પિટલે સાત જિંદગી હોડમાં મુકી
  • શ્યામલ પાસેની હોસ્પિટલના સંચાલકોએ મ્યુનિ. બેડ પર દાખલ દર્દીઓને કહ્યુ,: ‘મ્યુનિ. ઓકિસજન આપતી નથી’

અમદાવાદ: શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી પારેખ હોસ્પિટલના સંચાલકોએ માનવતા નેવે મુકી મ્યુનિ.બેડ પર કોરોનાની સારવાર લઈ રહેલા સાત દર્દીઓને હોસ્પિટલ પાસે ઓકિસજન નથી અને મ્યુનિ.ઓકિસજન આપતી નથી કહી અન્ય હોસ્પિટલમાં સારવાર લેવા તગેડી મુકતા મ્યુનિ.તંત્ર ફરી એક વખત ખાનગી હોસ્પિટલોની દાદાગીરી સામે વામણું પુરવાર થયું છે.

મ્યુનિ.દ્વારા આ મામલે મોડેથી નિવેદન જાહેર કરાયુ છે એમાં પણ આ સાત પેશન્ટો કઈ હોસ્પિટલમાં ગયા,હોસ્પિટલ સાથે એમઓયુ કરાયુ છે તો કાર્યવાહી કરાશે કે કેમ જેવી ગંભીર બાબતોની કોઈ સ્પષ્ટતા કરી નથી.

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી પારેખ નામની ખાનગી હોસ્પિટલ સાથે મ્યુનિ.એ એપેડેમિક એકટ હેઠળ એમઓયુ કર્યા છે.ગુરૂવારે આ હોસ્પિટલમાં મ્યુનિ.ના બેડ પર કોરોનાની સારવાર લઈ રહેલા સાત દર્દીઓના સ્વજનોને હોસ્પિટલ સંચાલકો દ્વારા કહેવામાં આવ્યુ કે,હોસ્પિટલમાં ઓકિસજન નથી.મ્યુનિ.ઓકિસજન આપતી નથી.

તમારા પેશન્ટને અન્ય હોસ્પિટલમાં તાત્કાલિક  ખસેડવા પડશે. આ પેશન્ટોના બેબાકળા બનેલા સ્વજનો માટે આ એક કપરી ધડી હતી.સુત્રોમાંથી મળતી માહીતી મુજબ,હોસ્પિટલ સંચાલકોએ તો એમ્બ્યુલન્સ સુધ્ધાની વ્યવસ્થા કરી રાખી હતી આ પેશન્ટોને અન્ય શિફટ કરવા.

આ તરફ મ્યુનિ.દ્વારા મોડેથી જારી કરેલા નિવેદનમાં એમ કહેવાયુ છે કે,હોસ્પિટલકોસ્મિક એજન્સી પાસેથી ઓકિસજન મેળવે છે.એજન્સી ઓકિસજન પુરો પાડવા સક્ષમ ન હોવાથી હોસ્પિટલ દ્વારા પેશન્ટોને સિવિલ હોસ્પિટલમાં શિફટ થવા કહેવાયું છે.મ્યુનિ. સતત હોસ્પિટલ અને સપ્લાયરના સંપર્કમાં છે.આ સિવાયની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.એનો સીધો અર્થ એ નીકળી શકે કે,મ્યુનિ.તંત્રમાં બેઠેલા જ આ પ્રકારની હોસ્પિટલોની દાદાગીરી ચલાવી લે છે.

હોસ્પિટલમાં ખાનગી બેડના પેશન્ટોની સારવાર રાબેતા મુજબ

આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ,મ્યુનિ.બેડ પર સારવાર લઈ રહેલા સાત પેશન્ટોને ઓકિસજન નથી કહી અન્ય હોસ્પિટલોમાં સારવાર લેવા તગેડી મુકનાર પારેખ હોસ્પિટલના હોસ્પિટલમાં પોતાના ખાનગી બેડ પર વીસ દર્દીઓ કોરોનાની સારવાર રાબેતા મુજબ લઈ રહ્યા છે.ત્યારે મ્યુનિ.બેડના જ સાત પેશન્ટોને ઓકિસજન નથી કહી અન્ય હોસ્પિટલમાં તગેડી મુકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *