- 30 કરોડની ‘ગુલાબો સિતાબો’ ડિજિટલ પર 60 કરોડમાં વેચાઇ, ટીવીના 20 કરોડ જુદા
- ‘ઉરી’એ બોક્સ ઓફિસ પર 250 કરોડની કમાણી કરી હતી
મુંબઇ. ‘ગુલાબો સિતાબો’ સિનેમાઘરના બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી પહેલી હિન્દી ફિલ્મ છે. આવનારા મહિનાઓમાં 6થી વધુ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે, જેમાં વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ અને જ્હાન્વી કપૂરની ‘ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ’ સામેલ છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું કહેવું છે કે ‘ગુલાબો સિતાબો’નું બજેટ 30 કરોડ રૂ. છે. તેને અેમેઝોને 60 કરોડ રૂ.માં ખરીદી છે જ્યારે સેટેલાઇટ રાઇટ્સ સોનીએ 20 કરોડ રૂ.માં ખરીદયા છે. ફિલ્મનું શૂટિંગ યુપીમાં થયું હોવાથી 5 કરોડ રૂ. સુધીની સબસિડી પણ મળી હશે. આમ, આ ફિલ્મે સિનેમાઘરમાં રિલીઝ થયા વિના 50-55 કરોડ રૂ.નો નફો કર્યો છે. વ્યાપની વાત કરીએ તો, ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઇ હોત તો 65 દેશમાં પહોંચી હોત પણ ડિજિટલ દ્વારા 200 દેશમાં પહોંચી.
ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલ કહે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ ડૂબવાના ચાન્સ ભલે ન હોય પણ નફો ફિક્સ હોય છે. 30 કરોડમાં બનેલી ‘ઉરી’એ 250 કરોડની કમાણી કરી તેના પરથી બોક્સ ઓફિસની તાકાત જાણી શકાય છે. તે જ રીતે 60 કરોડમાં બનેલી ‘કબીરસિંહ’એ 270 કરોડ અને 25 કરોડમાં બનેલી ‘સ્ત્રી’એ 150 કરોડ રૂ.નો બિઝનેસ કર્યો. ડિજિટલ પ્લેટફોર્મની કમાણી સબસ્ક્રિપ્શન પર આધારિત હોય છે, જે અંતર્ગત એમેઝોન, નેટફ્લિક્સ કે અન્ય પ્લેટફોર્મ્સ પર જેટલું પણ કન્ટેન્ટ અવેલેબલ હોય તે દર્શક જુએ છે. હવે તેમણે ‘ગુલાબો સિતાબો’ જોઇ હોય કે ન જોઇ હોય પણ પૈસા તો આપી જ દીધા. તેથી રિલીઝ બાદ ફિલ્મે કેટલી કમાણી કરી તેનો આંકડો ડિજિટલ પ્લેટફોર્મવાળા નથી આપતા.
‘ગુલાબો સિતાબો’ના નિર્માતા રોની લાહિડી કહે છે કે સિનેમાઘરની તુલનાએ ડિજિટલ પ્લેટફોર્મ પર દોઢ ગણા વધુ પૈસા મળે છે. તેનું કેલ્ક્યુલેશન ફિલ્મના બજેટથી નહીં પણ સ્ટાર વેલ્યૂથી થાય છે. અમિતાભ અને આયુષ્માનની જે ફેસ અને બ્રાન્ડ વેલ્યૂ છે તેનાથી દોઢ ગણી વધુ રકમ અમને મળી છે.
ઓટીટી પ્લેટફોર્મ પર ‘ગુંજન સક્સેના’ને 60 કરોડ રૂ. મળ્યા
શકુંતલા દેવી | 48 કરોડ |
સડક | 250 કરોડ |
લક્ષ્મી બોમ્બ | 80 કરોડ |
ભુજ | 65 કરોડ |
મિમી | 30 કરોડ |
શિદ્દત | 16 કરોડ |