- અધૂરા માસે બાળકનો જન્મ થયો હોઈ સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ
કોરોનાકાળ દરમિયાન પરણેલા સુરતના ઉધનાના ચાર ફૂટના દંપતીના ઘરે આઠ માસમાં જ પારણું બંધાતાં પરિવારમાં ખુશીનો માહોલ છે. અધૂરા માસે જન્મ થયો હોય સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ નવજાત પુત્રની ફૂલની જેમ કાળજી લેનારા આ દંપતીને જોઈ અહીંના તબીબો સહિતનો સ્ટાફ અને બીજા બાળદર્દીના સંબંધી પણ નવાઈ પામી રહ્યા છે. આ દંપતી હાલ સિવિલ હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યું છે. જ્યારે આઈસીયુમાં દાખલ પુત્રને સરળતાથી જોઈ શકે તે માટે તેમને ઊભા રહેવા માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગત જૂન મહિનામાં લગ્ન થયા હતા
ઉધના સ્થિત વિનાયકનગરમાં રહેતા ગણેશભાઈ બંસીલાલ સોનવણે (ઉ.વ.31) રેતી-કપચીના વેપારીના ત્યાં નોકરી કરે છે. ફક્ત ચાર ફૂટ જેટલી ઊંચાઈ હોય ગણેશભાઈ પોતાની જેવા હમસફરની તલાશમાં હતા. દરમિયાન ગણેશભાઈ મહારાષ્ટ્ર, જલગાંવમાં વતની સંબંધીની ઓળખીતી ચાર ફૂટની સીમા (ઉ.વ. 25)ના પરિચયમાં આવ્યા હતા. બંનેએ એકબીજાને આગળની જિંદગી હમસફર બનીને જીવવાનો કોલ આપી દીધો હતો. ત્યાર બાદ ગણેશભાઈ અને સીમા જૂન, 2020 લગ્નના તાંતણે બંધાયા હતા.
નવજાત બાળક ગર્ભમાં ઊંધું થઈ ગયું હતું
ગણેશભાઈ કહે છે, પોતે પિતા બન્યાં છે તે ખુશી વ્યક્ત કરવા માટે શબ્દ ખૂટી પડે છે. ગત મહિને મારી પત્ની સીમાને ગર્ભાવસ્થાના આઠમા મહિને પ્રસૂતિની પીડા ઉપડતા સિવિલમાં ખસેડાઈ હતી. અહીંના તબીબોએ સિઝર કરી પુત્રનો જન્મ કરાવ્યો હતો. તબીબોના કહેવા મુજબ નવજાત બાળક ગર્ભમાં ઊંધું થઈ ગયું હતું તેમજ તેણે ગર્ભમાં જ શૌચ થઈ જતાં અને તે ગળી જવાને લીધે સિઝર કરવું જરૂરી હતું. બાળકનું વજન ફક્ત 2 કિલો છે. આ પરિસ્થિતિ વચ્ચે તેની આઈસીયુમાં સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. શરૂમાં આઈસીયુમાં દાખલ બાળકનો હું પિતા છું, એ વાત જાણી અહીંનો સ્ટાફ અને સગાં-સંબંધી ખૂબ નવાઈ પામ્યાં હતા, એમ ગણેશભાઈ ઉમેર્યું હતું.
દીકરાને જેવા ખુરશીની વ્યવસ્થા કરાઈ
ગણેશભાઈ અને તેમની પત્ની સીમા આઈસીયુમાં દાખલ પુત્રની ખૂબ કાળજી લઈ રહ્યા છે. તેમનો પુત્રપ્રેમ જોઈ તબીબ તથા નર્સિગ સ્ટાફ કાચની પેટીમાં રાખેલા પુત્રને તેઓ સરળતાથી જોઈ શકે તે માટે તેમને ઊભા રહેવા માટે ખુરશીની વ્યવસ્થા કરી આપે છે. છેલ્લા 24 દિવસથી દાખલ નવજાત બાળકની તબિયતમાં ધીરે ધીરે સુધારો આવી રહ્યો હોવાનું તબીબોએ કહ્યું હતું.