ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે પણ ક્લાસવન અધિકારી લાંચ લેવાનો મોકો નથી છોડી રહ્યાં. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં શુક્રવારે કોરોનાની વેક્સિન લેવા પહોંચેલા CGSTના ક્લાસવન મહિલા અધિકારીએ લાંચની રકમ આપવા આવેલા વેપારીને ફોન કહ્યું હતું કે, લાંચની રકમ સુપ્રિટેન્ડન્ટને આપી દો હું કોરોનાની વેક્સિન લેવા આવી છું. જો કે વેપારી લાંચની રકમ આપવા એકલા ન્હોતા આવ્યા પણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમને સાથે લઇને આવ્યા હતાં અને આમ મહિલા અધિકારી અને સુપ્રિટેન્ડન્ટ દોઢ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતાં.
પાંચ લાખ માંગ્યાને દોઢ લાખમાં પતાવટ કરી
સૂત્રોએ જણાવ્યું કે, એસીબી સમક્ષ વિદેશથી બાળકોનાં રમકડાં ઇમ્પોર્ટ કરીને ઓનલાઇન રિટેલ ફર્નિશિંગનું કામ કરતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી, જે અનુસાર વેપારીને ઇમ્પોર્ટ કરેલા માલ સામે લેવાની થતી ઈમ્પોર્ટ પરની ટેક્સ ક્રેડિટ (ITC) તેણે ચૂકવવાના થતા જીએસટી સામે મજરે લેવાના હતા. આ પેટે માલના વેચાણ સંદર્ભે 1.55 કરોડની ક્રેડિટ લેવાની હતી, જે પેટે તેણે 1.50 લાખ સેન્ટ્રલ જીએસટીમાં ભરી દીધા હતા. જ્યારે પાંચ લાખ ભરવાના બાકી હતા. દરમિયાન વેપારીએ CGST કચેરીનો સંપર્ક સાધતા તેમની પાસે CGSTના જોઈન્ટ કમિશનર નીતુસિંહ અનિલ ત્રિપાઠી (વર્ગ-1, આઈઆરએસ, 2009 બેચ) અને પ્રકાશભાઈ યશવંતભાઈ રસાણિયા (વર્ગ-2)એ પાંચ લાખની લાંચની માગ હતી. જોકે અંતે 1 લાખ નીતુસિંહના અને 50 હજાર સુપરિન્ટેડન્ટ પ્રકાશ રસાણિયાને આપવાનું નક્કી થયું હતું. પરંતુ વેપારી લાંચ આપવા માંગતા ન હોય તેમણે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક હતો.
અધિકારી વેક્સિન લેવા ગયાને વેપારી રૂપિયા લઇને આવ્યો
ACB દ્વારા શુક્રવારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં વેપારી લાંચની રકમ લઇને સેટેલાઇટ વિસ્તારમાં સીમા હોલની બાજુમાં આવેલ CGST ઓફિસ પહોંચ્યા હતાં. પરંતુ જોઈન્ટ કમિશ્નર નિતુસિંહ હાજર ન હતાં. જેથી વેપારીએ નિતુસિંહને ફોન કર્યો હતો કે તેઓ નક્કી કરેલ રકમ લઇને આવી ગયા છે. નિતુસિંહે ફોન પર વેપારીને કહ્યું કે, હું કોરોનાની વેક્સિન લેવા માટે આવી છું. તમે મારા હિસ્સાના એક લાખ રૂપિયા અને સુપ્રિટેન્ડન્ટના પચાસ હજાર મળી દોઢ લાખની રકમ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઇ રસાણીયાને આપી દો. ફોન પર થયેલ વાત અનુસાર વેપારીએ સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઇ રસાણીયાને દોઢ લાખ રૂપિયાની રકમ આપી હતી અને તેઓને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતાં.
મહિલા અધિકારીએ ફોન કરીને પુછ્યું- રૂપિયા આવી ગયાને?
ACBની રેડ જારી હતી તે દરમિયાન આ સમગ્ર ઘટનાથી અજાણ જોઈન્ટ કમિશ્નર નિતુસિંહ ત્રિપાઠીએ સુપ્રિટેન્ડન્ટ રસાણીયાને ફોન કરીને કન્ફર્મ કર્યું કે તેમના હિસ્સાના એક લાખ રૂપિયા વેપારીએ આપી દીધાને છે ને? આમ ACBની હાજરીમાં જ નિતુસિંહનો ભ્રષ્ટ ચહેરો ઉઘાડો પડી ગયો હતો. ACB દ્વારા લાંચની રકમ રિકવર કરી બંને આરોપીની અટકાત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.