- ગેહલોતના ઘરે ધારાસભ્યોની બેઠક થઈ, 107માંથી પાયલટ સમર્થક 18 ધારાસભ્યો હાજર રહ્યાં ન હતા
- ગેહલોત ગ્રુપે દાવો કર્યો કે 102 ધારાસભ્યો પહોંચ્યા, બહુમતી સાબિત કરવા માટે હાલ 101ની જરૂર
જયપુર. રાજસ્થાનમાં ગેહલોત સરકારના સંકટનો આજે પાંચમો દિવસ છે. સોમવારે સમગ્ર દિવસ દરમિયાન રાજકીય ડ્રામા ચાલ્યો હતો. કોંગ્રેસે આ મામલાના નિવારણ માટે આજે સવારે 10.30 વાગ્યે ફરીથી ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવી છે. તેમાં બળવાખોર નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. જોકે સચિનના ગ્રુપમાંથી તેમા હાજર રહેવાની અત્યાર સુધીમાં કોઈ માહિતી પ્રકાશમાં આવી નથી. પ્રિયંકા ગાંધી આ બેઠકમાં હાજર રહે તેવી શકયતા છે.
તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસને 109 ધારાસભ્યોનું સમર્થન છે. તેમના નજીકના ગણતા ધારાસભ્યોએ એ વાત સ્પષ્ટ કરી છે કે પાયલટનું ગ્રુપ સમાધાન કરવાના મૂડમાં નથી. સાથે જ તેમણે એ પણ તર્ક લગાવ્યો છે કે અશોક ગેહલોત સરકારની પાસે બહુમતી છે તો તેઓ વિધાનસભામાં તેને સાબિત કરે, તેઓ પોતાના ધારાસભ્યોને શાં માટે હોટલમાં મોકલી રહ્યાં છે.
ઘરના લોકો ઘરમાં જ શોભા આપે છે- સુરજેવાલા
સુરજેવાલે કહ્યું કે ઘરના સભ્યો ઘરની અંદર જ શોભા આપે છે. કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના એક-એક સભ્યનું કર્તવ્ય છે કે રાજસ્થાનના 8 કરોડ લોકોની સેવામાં સહયોગ આપે.
સચિન પાયલટ સહિત તમામ સાથીઓ જે નારાજ છે, તેમના માટે કોંગ્રેસના તમામ દરવાજા ખુલ્લા છે. મતભેદ હોય તો ચર્ચા કરો. સમસ્યાનો ઉકેલ આવશે. કાલે સવારે 10 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને પણ બેઠકમાં આવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
પાયલટ સમર્થકોનો વીડિયો પ્રકાશમાં આવ્યો
સોમવારે સાંજે હરિયાણા માનેસરની હોટલમાં રોકાયેલા પાયલટ સમર્થક ધારાસભ્યોનો વીડિયો પ્રકાશમાં આવ્યો હતો. જોકે આ વીડિયોમાં પાયલટ દેખાઈ રહ્યાં નથી. બીજી તરફ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે પાયલટ પાર્ટીના કાબેલ નેતાઓ પૈકીના એક છે. જો તેમણે તેમની મુશ્કેલીઓ રજૂ કરવી હોય તો તેઓ રજૂ કરી શકે છે. જોકે કોઈ કોંગ્રેસને નુકસાન પહોંચડવા કે સરકારને પાડવાની કોશિશ કરશે તો હું તેને રોકીશ.
સીએમ ગેહલોતના નિવાસસ્થાને સોમવારે બેઠક થઈ હતી
સીએમ ગેહલોતના નિવાસસ્થાને સોમવારે સવારે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. ત્યારપછી ગેહલોતે તેમની સરકાર સુરક્ષિત હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. બેઠક પછી ત્યાં હાજર તમામ ચાર ધારાસભ્યોને ચાર બસોથી સીધા માઉન્ટ ફેયર હોટલ મોકલી દેવાયા છે. આ પહેલા બેઠકમાં સામેલ થનારા ધારાસભ્યોને પોલીસ એસ્કોર્ટ વચ્ચે સુરક્ષામાં લાવવામાં આવ્યા હતા. ગેહલોત સાથે 96 થી 98 ધારાસભ્યોના આવવાના સમાચાર છે. જો કે, દાવો 107નો કરવામાં આવી રહ્યો છે.
બેઠક પછી કોંગ્રેસ ધારાસભ્ય પક્ષે રેઝોલ્યુશન પાસ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, સરકાર વિરુદ્ધ કામ કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રેઝોલ્યુશનમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા લોકતંત્ર ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, આ રાજ્યની 8 કરોડ જનતાનું અપમાન છે. ધારાસભ્ય પક્ષે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અશોક ગેહલોત માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે ધારાસભ્ય બેઠકમાં હાજર નહોતા તેમાં રાકેશ પારીક,મુરારી લાલ મીણા, જીઆર ખટાના, ઈન્દ્રાજ ગુર્જર, ગજેન્દ્ર સિંહ શક્તાવત, હરીશ મીણા, દીપેન્દ્ર સિંહ શેખાવત, ભંવર લાલ શર્મા, ઈન્દિરા મીણા, વિજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, પીઆર મીણા, રમેશ મીણા, વિશ્વેન્દ્ર સિંહ, રામનિવાસ ગાવડિયા, મુકેશ ભાકર અને સુરેશ મોદી છે.
SOGની નોટિસ પછી પાયલટ નારાજ
પાયલટ ધારાસભ્યોના ખરીદ વેચાણ અંગે તપાસ કરી રહેલી SOGની નોટિસ મળવાથી નારાજ છે. તેમને કોંગ્રેસના અન્ય અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જ CM ગેહલોતે રવિવારે રાતે 9 વાગ્યે ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ગેહલોત સમર્થક ધારાસભ્યોએ દાવો કર્યો કે આપણા જેટલા ધારાસભ્ય જશે, એનાથી વધુ ધારાસભ્ય આપણે ભાજપ પાસેથી લઈને આવીશું.
SOG તપાસમાં સામે આવી ધારાસભ્યોને 25 કરોડ આપવાની વાત
SOGના જણાવ્યા પ્રમાણે, તેને ગેરકાયદે હથિયાર અને વિસ્ફોટક સામગ્રીની ચોરી સાથે જોડાયેલા મામલામાં મોબાઈલ નંબર 9929229909 અને 8949065678ને સર્વેલન્સ પર લીધા હતા.
સર્વેલન્સ પર લેવાયેલા મોબાઈલની વાતચીતમાં સામે આવ્યું છે કે રાજ્યસભા ચૂંટણી પહેલા સરકાર પાડવાનું કાવતરું કરાયું હતું. ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયા આપવાની માહિતી પણ સામે આવી છે.
શું કહે છે સમીકરણ
પાયલટનો દાવો છે કે તેમના સંપર્કમાં 30થી વધુ ધારાસભ્ય છે. તેને સાચું માનીએ તો ગેહલોત સરકાર લઘુમતીમાં આવી જશે. કોંગ્રેસના 107માંથી 30 ધારાસભ્ય રાજીનામું આપે તો ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 170 થઈ જશે. એવામાં બહુમતી માટે 86 ધારાસભ્યોની જરૂર પડશે. 30ના રાજીનામા પછી કોંગ્રેસ પાસે 77 ધારાસભ્ય બચશે. એક RLD ધારાસભ્ય પહેલાથી તેમની સાથે છે એટલે કોંગ્રેસની કુલ સંખ્યા 78 થશે. એટલે કે બહુમત કરતા 8 ઓછી. તો આ તરફ RLPના 3 ધારાસભ્ય મળીને ભાજપ પાસે 75 ધારાસભ્ય છે. સરકાર બનાવવા માટે ભાજપને અપક્ષ તોડવા પડશે. રાજ્યના 13 ધારાસભ્યોમાં હાલ 10 કોંગ્રેસ સમર્થક છે. જો આમાથી ભાજપ 8 ધારાસભ્યોને પોતાની તરફ કરી લેશે તો ભાજપની સરકાર બની શકે છે.
રાજસ્થાન વિધાનસભાની વર્તમાન સ્થિતિ: કુલ સીટ: 200
પાર્ટી | ધારાસભ્યોની સંખ્યા |
કોંગ્રેસ | 107 |
ભાજપ | 72 |
અપક્ષ | 13 |
RLP | 3 |
BTP | 2 |
ડાબેરી | 2 |
RLD | 1 |