- દેશભરમાંથી 9એ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા
- રાજ્યના 300 વિદ્યાર્થીને પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મળી શકે
આઇઆઇએમ ઇન્દોરે કેટનું રિઝલ્ટ જાહેર કરાયું છે. આ વર્ષે ગુજરાતમાંથી 4500 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તજજ્ઞોના મતે પરિણામમાં રાજ્યના 300 વિદ્યાર્થીને આઇઆઇએમ જેવી દેશની જાણીતી મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ મળવાની શક્યતા છે. અમદાવાદના આર્યવ્રત બઘેલે 99.99 પર્સન્ટાઇલ સાથે ભારતમાં 10મો ક્રમ અને ગુજરાતમાં પહેલો ક્રમ મેળવ્યો છે.
આ વર્ષે પરીક્ષાનું આયોજન આઇઆઇએમ-ઇન્દોર દ્વારા કરાયું હતું. પરિણામમાં ભારતમાં 9 વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. દેશમાંથી 2 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ટાઇમના ડાયરેક્ટર સતીશ કુમારે જણાવ્યું હતું કે કોરોનાને કારણે 2019ની સરખામણીએ 2020માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હતી, જ્યારે 2021માં ફરી વધશે.
રિઝલ્ટના અનુમાન પ્રમાણે, ગુજરાતમાંથી 4500 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓને દેશની પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન મળશે એવો અંદાજ છે.
કોરોનાને લીધે પરીક્ષાનો સમય ઘટ્યો હતો
તજજ્ઞોના મતે, આ પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળ્યો હતો. તેમ છતાં વિદ્યાર્થીઓની સુવિધા માટે ત્રણ કલાકની પરીક્ષાનો સમય ઘટાડીને બે કલાકનો કરાયો હતો, જેથી ગુણભારમાં પણ ફેરફાર કરાયો હતો. તેમ છતાં અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થી પરીક્ષા આપવાથી દૂર રહ્યા હતા. ઘણા વાલીએ ફી ભરી હોવા છતાં પણ બાળકોને પરીક્ષાથી દૂર રાખ્યા હતા, જેને કારણે ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઘટી હતી.