- વ્હાઈટ હાઉસે પ્રવેશને લગતા નિયમો કડક બનાવ્યા, વિશ્વમાં કુલ 2,75,997 કેસ નોંધાયા
- ન્યુ યોર્કમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 હજારથી વધારે, અમેરિકામાં કુલ સંક્રમિતનો લગભગ ત્રીજો ભાગ
વોશિંગ્ટન/રોમ/બેઈજીંગઃ વિશ્વભરમાં કોરોના વાઈરસના સંક્રમણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. સંક્રમણ અત્યાર સુધીમાં કુલ 185 દેશમાં ફેલાઈ ચુક્યું છે. શનિવાર સવાર સુધીમાં કુલ કેસનો આંક 2,75,997 થયો છે અને 11,402 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 91,952 લોકો સાજા થયા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સનો એક સ્ટાફર પણ સંક્રમિત થયો છે. યુરોપનું વુહાન બની ચુકેલા ઈટાલીમાં અત્યાર સુધીમાં કુલ 4032 લોકોએ જીવ ગુમાવ્યા છે.
અમેરિકા
અમેરિકાના ઉપરાષ્ટપતિ પેન્સના સ્ટાફર કોરોનાથી સંક્રમિત થનાર વ્હાઈટ હાઉસનો પ્રથમ અધિકારી છે. તેમના પ્રેસ સેક્રેટરી કેટી મિલરે સંક્રમિત થયા હોવા અંગે માહિતી આપી છે. મિલરે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પેન્સ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી સંપર્ક થયો નથી. વ્હાઈટ હાઉસે કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર કડક નિયંત્રણ લાદ્યા છે. દરમિયાન ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં મૃત્યું પામનારની સંખ્યા વધીને 284 થઈ ગઈ છે.
દેશ | મોત | કેસ |
ઈટાલી | 4032 | 47021 |
ચીન | 3255 | 81008 |
ઈરાન | 1433 | 19644 |
સ્પેન | 1093 | 21571 |
ફ્રાન્સ | 450 | 12612 |
ભારત | 4 | 258 |
ફ્રાન્સમાં 24 કલાકમાં કોરોનાના 1600 કેસ નોંઘાયા
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1600 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા અહીં 12612 પહોંચી ગઈ છે. મૃત્યુઆંક 450 પહોંચી ગયો છે.
ઈરાકમાં 15 નવા કેસ નોંધાયા
ઈરાકમાં 15 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસની સંખ્યા 208 પહોંચી ગઈ છે. ત્રણ લોકોના અહીં મોત થયા છે.
ન્યુ યોર્ક બન્યું અમેરિકાનું એપિસેન્ટર
ન્યુ યોર્કમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 હજારથી ઉપર પહોંચી ગઈ છે. અહીં અમેરિકાના કુલ કેસ પૈકી ત્રીજા ભાગના કેસ નોંધાયા છે. મેયર બિલ ડી બ્લાસિયોના જણાવ્યા પ્રમાણે શહેર અમેરિકાનું એપીસેન્ટર તરીકે સામે આવ્યું છે. મને આ માહિતી આપતા બિલકુલ ખુશી થતી નથી, પણ આ હકીકત છે. અહીં 29 લોકોના મોત થયા છે. આ સંખ્યા ઝડપથી વધી રહી છે.

લશ્કરનું ભરતી કેન્દ્ર બંધ
અમેરિકાના લશ્કરનું ભરતી કેન્દ્ર અત્યારે બંધ કરવામાં આવ્યુ છે. આર્મી ચીફ ઓફ ધ સ્ટાફ જેમ્સ મેક્કોન્વિલે કહ્યું છે કે કોરોના વાઈરસને પગલે થોડા સમય માટે ભરતી કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. હાલમાં વર્ચ્યુઅલ રિક્રુટમેન્ટ થશે, જે સોશિયલ મીડિયા પર કરવામાં આવશે. તેનો ઉદ્દેશ વર્તમાન સૈનિકો અને નવી ભરતીઓને સુરક્ષિત રાખવાનો છે. સંરક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે અમેરિકી લશ્કરમાં 45 નવા કેસ સામે આવ્યા છે. સેનામાં સંક્રમણના 128 કેસની પુષ્ટી થઈ છે.

WHOએ કહ્યું- વુહાનમાં થઈ રહેલા સુધારાથી આશા વધી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ ગ્રેબેસસના જણાવ્યા પ્રમાણે વુહાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ સામે ન આવવો તે એ બાબતની આશાનું સર્જન કરે છે કે વિશ્વના દેશોમાં મહામારી સામે લડવાના પ્રયાસ સફળ થશે. આપણે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. એ પણ હકીકત છે કે કોરોના વાઈરસ વૃદ્ધોને વધારે સંક્રમિત કરે છે, પણ યુવાનોમાં આ પ્રમાણ વધારે ફેલાયુ નથી. જોકે ગ્રેબેસસે યુવાઓને એવી ચેતવણી પણ આપી છે કે તેઓ એવું ન સમજે કે તેમને કોરોનાનું સંક્રમણ ન થાય.
ન્યૂઝીલેન્ડ
ન્યુઝીલેન્ડ સરકારે કોરોના વાઈરસની જાણકારી આપવા માટે એક એલર્ટ સિસ્ટમ લાગુ કરી છે. પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ને શનિવારે એક સત્તાવાર સંદેશમાં આ અંગેની જાહેરાત કરી છે. આ એલર્ટ સિસ્ટમ એક આતંકવાદી હુમલાની માફક કામ કરશે. તેમા એલર્ટના 4 લેવલ નક્કી કરવામાં આવ્યા છે. એલર્ટ વન સૌથી ઓછુ અને એલર્ટ 4 સૌથી વધારે રહેશે. અત્યારે ન્યુઝીલેન્ડ એલર્ટ વન પર છે. જોકે અહી પણ નવા કેસ ઝડપથી સામે આવ્યા છે. જોકે ઓર્ડર્ને એમ પણ કહ્યું છે કે એલર્ટ લેવલ વધવાના સંજોગોમાં દવાઓ અને ભોજન સામગ્રીઓ જેવી આવશ્યક સેવા બંધ નહીં થાય. ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં 53 કેસની પુષ્ટી થઈ ગઈ છે.