- ઈરાનમાં ફસાયેલા ભારતીયોનું ત્રીજું ગ્રુપ ભારત આવ્યું, મહાન એરલાઈન્સનું વિમાન તેમને લઈને મુંબઈ પહોંચ્યું
- ઈટલીથી 218 ભારતીયો એર ઈન્ડિયાના વિમાનમાં મિલાનથી દિલ્હી રવાના
નવી દિલ્હીઃ દેશમાં રવિવારે કોરોનાવાઈરસના સંક્રમણના 8 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી કેરળમાં 3 અને મહારાષ્ટ્રના પુનાની નજીક પિંપરી-ચિંચવાડમાં 5 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 107 થઈ છે. બીજી તરફ સંક્રમણથી પ્રભાવિત ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયોને રવિવારે સવારે મહાન એરલાઈન્સના વિમાનથી મુંબઈ લાવવામાં આવ્યા છે. મુંબઈ લાવવામાં આવ્યા બાદ આ તમામ લોકોને રાજસ્થાનના જેસલમેરમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમને સેનાના નવા ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. અહીં 1000 લોકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી વખત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને વિશેષ વિમાનથી ભારતમાં લાવવામાં આવ્યા છે.
અપડેટ્સ
- કર્ણાટકના મૈસૂર પેલેસને 15 માર્ચથી 22 માર્ચ સુધી પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં એક સંક્રમિતનું મોત થયા બાદ સરકારે આવી તમામ જગ્યાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે જ્યાં લોકો વધુ સંખ્યામાં હોય છે.
- આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન પહેલા લાઈનમાં ઉભા રહેવા અલગ-અલગ કમ્પાર્ટમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ ટ્રસ્ટે કહ્યું છે કે હાલ શ્રદ્ધાંળુઓને દર્શન માટે ટાઈમ સ્લોટ મુજબ ટોકન આપવામાં આવશે.
- તેલંગાનામાં રાજ્ય સરકારે 15 માર્ચથી 31 માર્ચ સુધી રાજ્યના કોચિંગ સેન્ટર, તમામ શૈક્ષણિક સંસ્થાન, સિનેમા હોલ, પબ, મેમ્બરશીપ ક્લબ અને બાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં સાર્વજનિક બેઠક, સેમિનાર, વાર્કશોપ, રેલી, પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- ઈરાનથી લાવવામાં આવેલા 234 ભારતીયોને મુંબઈથી જેસલમેર લાવવામાં આવ્યા છે. તેમને અહીં બનાવવામાં આવેલા નવા ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે.
ઈટલીથી રવાના થયેલું વિમાન બપોર સુધીમાં ભારત પહોંચશે
એર ઈન્ડિયાનું એક વિમાન ઈટલીના મિલાનથી 211 ભારતીય સ્ટુડન્ટ્સ અને 7 વિદેશી નાગરિકોને લઈને દિલ્હી માટે રવાના થઈ ચૂક્યું છે. તે રવિવારે બપોરે પહોંચશે.
વડાપ્રધાન મોદી સાર્ક દેશોના રાષ્ટ્રાઅધ્યક્ષો સાથે વાત કરશે
કોરોના સંકટ પર ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજ 5 કલાકે સાર્ક દેશોના નેતાઓની સાથે વીડિયો કોન્ફોરન્સ કરશે. તેમાં પાકિસ્તાન, નેપાળ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, માલદીવ, બાંગ્લાદેશ અને ભૂતાનના નેતાઓ સામેલ હશે. મોદીએ જ સાર્ક દેશો સાથે ચર્ચાની પહેલ કરી હતી.
દેશમાં સૌથી વધુ સંક્રમિત મહારાષ્ટ્રમાં
દેશના 13 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધીમાં સૌથી વધુ 26 સંક્રમિત મળ્યા છે. એ પછીથી મહારાષ્ટ્ર સરકારે સંક્રમણ રોકવા માટે 31 માર્ચ સુધી રાજ્યોના તમામ શોપિંગ મોલને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રવિવારથી રાજ્યમાં તમામ શોપિંગ મોલ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સિનેમા હોલ અને સ્કુલ પહેલા જ બંધ કરવામાં આવ્યા છે.