- ઇડરની ઓળખને ભૂંસી નાખવા તંત્રના આશીર્વાદથી ગ્રેનાઈટની લાલચમાં ઈડર ગઢને ચારે બાજુથી કોતરી નાખવામાં આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષની સાથે ગઢ બચાવવાની અસીમ લાગણી છે.
- ગુજરાતના ધરોહર સમાન ઈડરનો ગઢ બચાવવા કોંગ્રેસ મેદાને
- ખનન પ્રક્રિયા કાયમી ધોરણે બંધ કરવામાં ન આવે તો ગુજરાત કોંગ્રેસ પક્ષ અને ઇડર ગઢ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી છે.
મહાભારત કાળથી જેનો ઉલ્લેખ ‘ઇલ્વદુર્ગ’ તરીકે જોવા મળે છે, તેવું ગુજરાતનું પૌરાણિક અને ઐતિહાસિક નગર ઈડર કુદરતી ધરોહરથી સમૃદ્ધ છે.ગુજરાતની અસ્મિતાની ધરોહર સમાન ઈડરિયો ગઢ કેટલીય ઐતિહાસિક ઉઠલપાથલો ઝીલીને ઇતિહાસનો સાક્ષી બન્યો છે.
ઈડરિયો ગઢ પથ્થરોના સૌંદર્યનું તાદૃશ્ય ઉદાહરણ છે. જોતા જ દંગ રહી જવાય એવા કલાકૃતિ જેવા મહાકાય અને બહુમૂલ્ય પથ્થરો ઉપરાંત આ ગઢ દોલત મહેલ, રૂઠી રાણીનો ઝરૂખો, રણમલ ચોકી, રાણી તળાવ, સદીઓ જૂના મંદિરો, દેરાસરો અને સાથે જ ભરપૂર કુદરતી સૌંદર્ય, લીલાછમ વૃક્ષો, અલભ્ય વન્યજીવો પ્રવાસીઓના મનને આકર્ષે છે.
અનેક ઐતિહાસિક આક્રમણો અને કાળની થપાટો સામે અડીખમ રહેલો આ ઈડરિયો ગઢ હાલ ભૂમાફિયા અને ભ્રષ્ટ વહીવટી તંત્રના કારણે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યો છે.આશરે ૩ વર્ષ પહેલા સરકાર દ્વારા ખનન પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવતા ખનનનું કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રજાનો પ્રેમ અને પ્રચંડ આક્રોશ જોઈ સરકારે ખનન પ્રક્રિયા અટકાવી દીધી હતી પરંતુ સમય જતાં ફરી ખનન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેથી સ્થાનિકોમાં ઉગ્ર વિરોધની જ્વાળા ભડકી છે.અત્રે ઉલ્લેખનિય છે કે ખનન પ્રક્રિયાના કારણે ઈડર ગઢની પ્રતિષ્ઠા ખોરવાશે સાથે જ પર્યાવરણ અને વન્યજીવોનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાશે.ખનન પ્રક્રિયાના કારણે થતા બ્લાસ્ટના અવાજથી વન્યજીવોમાં ભય ફેલાતા અનેક હિંસક પ્રાણીઓ ગઢ પરથી નીચે આવી જવાના બનાવ પણ અવારનવાર બનતા રહે છે સાથે જ અનેક વૃક્ષોનું નિકંદન થતા પર્યાવરણ સાથે પણ ચેડાં થઈ રહ્યા છે.
વિશ્વ વિખ્યાત ઈડરિયા ગઢની ખનીજ સંપત્તિ પર ભૂમાફિયા અને ખનીજ વેપારીઓની કુદ્રષ્ટિ ઘણાં લાંબા સમયથી છે. ઈડરિયો ગઢ બચાવવામાં તંત્રની નિરસતા, હેરિટેજ સાઇટની યાદીમાં હોવા છતાં ખનન સામે પગલાં લેવાની નિષ્ક્રિયતા તેમજ ઈડર ગઢની જાળવણી માટે રાજ્ય સરકારે વાર્ષિક ૪ કરોડની ફાળવણી કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા ખનન માફીયાઓ સામે આંખ આડા કાન કરવાની નીતિ સ્પષ્ટ સંકેત આપે છે કે ‘ગ્રેનાઈટની ભૂખ’ માં જે ઐતિહાસિક ધરોહર, વન્યજીવ અને પર્યાવરણની આહુતિ આપવામાં આવી રહી છે તે નામાંકિત રાજકારણીઓ અને ખનન માફિયાઓની સાંઠગાંઠ છે.
સ્થાનિક રાજકીય આગેવાનોના ઇશારે ખનન પ્રક્રિયા ફરી વખત શરૂ કરવામાં આવતા ઐતિહાસિક ધરોહર અને પર્યાવરણ બચાવવા સ્થાનિક લોકો રસ્તે ઉતરી આવ્યા છે સાથે જ ઈડર ગઢ બચાવો સમિતિને ટેકો આપીને ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેમજ ઈડર ગઢને કાયમી ધોરણે ખનન મુક્ત કરવામાં આવે અને વારસાને જાળવી રાખવામાં આવે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
“ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મિડીયા કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલએ જણાવ્યું હતું કે,ગુજરાતની અસ્મિતાની સાપેક્ષમાં રૂપિયો ચઢિયાતો સાબિત થઈ રહ્યો છે. ગ્રેનાઈટનો વેપાર કરવા માટે ઐતિહાસિક ઈડર ગઢને તેમજ પર્યાવરણને મોટાપાયે નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે જેમાં નામાંકિત રાજકારણીઓની સાંઠગાંઠ છે.જો આ ખનનપ્રક્રિયા બંધ કરવામાં નહિ આવે તો ઈડર ગઢ સમિતિ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.”