બલબીર સિંહ સીનિયર- લંડન (1948), હેલસિન્કી (1952) અને મેલબોર્ન (1956) ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમના સદસ્ય હતા.

પૂર્વ હોકી ખેલાડી બલબીર સિંહનું 96 વર્ષની ઉંમરે નિધન, ઓલિમ્પિક ફાઇનલમાં સૌથી વધુ 5 ગોલ કરવાનો રેકોર્ડ આજે પણ તેમના નામે છે

india Sports
  • બલબીર સિંહ સીનિયર છેલ્લા બે અઠવાડિયાથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા
  • સારવાર દરમિયાન તેમને ત્રણવાર હાર્ટ એટેક આવ્યો હતો, 18 મેથી કોમામાં હતા
  • તેમને 1957માં પદ્મશ્રી મળ્યો હતો, આ સન્માન મેળવનાર દેશના પ્રથમ ખેલાડી હતા

નેશનલ સ્પોર્ટ્સ: હોકીના મહાન ખેલાડીઓમાંથી એક બલબીર સિંહ સીનિયરનું આજે સવારે 96 વર્ષની વયે મોહાલીમાં અવસાન થયું છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમને અહીં ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સવારે સાડા છ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

ન્યુમોનિયા અને તાવની ફરિયાદ બાદ તેમને 8 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને ત્રણ વખત હાર્ટ એટેક પણ આવ્યો હતો. તેઓ 18 મેથી કોમામાં હતા.

હેલસિન્કી ઓલિમ્પિકની ફાઇનલમાં 5 ગોલ કર્યા હતા
બલબીર સિંહે 1952 હેલસિન્કી ઓલિમ્પિકની ફાઇનલમાં નેધરલેન્ડસ્ સામે 5 ગોલ કર્યા હતા. કોઈપણ ઓલિમ્પિકની ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ આજે પણ તેમના નામે છે. ભારતે આ મેચ 6-1થી જીતી હતી.

ત્રણ વાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે
તેઓ લંડન (1948), હેલસિન્કી (1952) અને મેલબોર્ન (1956) ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમના સદસ્ય હતા. તેમને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ઓલિમ્પિક ઇતિહાસના 16 મહાન ખેલાડીઓની સૂચિમાં સ્થાન આપ્યું હતું. તે આ લિસ્ટમાં સ્થાન મેળવનાર દેશના એકમાત્ર ખેલાડી હતા.

તે પદ્મશ્રી મેળવનાર દેશના પ્રથમ ખેલાડી હતા
બલબીરને 1957માં પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. ત્યારે પહેલીવાર કોઈ ખેલાડીને આ સન્માન મળ્યું હતું. તે 1975માં એકમાત્ર વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના મેનેજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *