હાલ કોરોનાની મહામારીના માહોલમાં લોકો સંક્રમણ લાગી જવાના ડરે એકબીજાને મદદ કરતા ખચકાય છે; ત્યારે વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો.

ગ્રાહકનો જીવ બચાવ્યાનો સંતોષઃ માલિક
બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે વેપારીએ ટેસ્ટ કરાવતાં તેમને પણ સંક્રમણ લાગી ગયું હતું. જોકે વેપારીએ કહ્યું હતું કે સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.

માલિક અને કર્મચારી જીવ બચાવવા દોડી આવ્યા
શહેરના કારેલીબાગ વિસ્તારમાં જન ઔષધિ કેન્દ્ર ચલાવતા બાલકૃષ્ણ ગજ્જરને ત્યાં આ ઘટના બની હતી, ત્યારે લાઇનમાં ઊભેલા અન્ય ગ્રાહકો આઘાપાછા થઇ ગયા હતા. જોકે દુકાનના માલિક અને કર્મચારી કોરોનાનો ડર રાખ્યા વગર તાત્કાલિક તેની મદદે પહોંચી ગયા હતા.