- કોરોના વાઈરસના એપી સેન્ટર ચીનના વુહાનમાં બસ સેવા ચાલુ કરાઈ
- વિશ્વભરમાં કોરોના વાઈરસના 4 લાખ 23 હજાર કેસ નોંધાયા
- આ વાઈરસથી વિશ્વભરમાં 18 હજાર 900 લોકોએ જીવ ગુમાવ્યા
- ફ્રાન્સમાં દર ત્રીજા દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂર પડી રહી છે
ઈન્ટરનેશનલ ડેસ્ક: કોરોના વાઈરસે વિશ્વના મોટાભાગના દેશોને પોતાના ભરડામાં લઈ લીધા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસના 4 લાખ 23 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 18 હજાર 900 લોકોએ જીવ ગુમાવ્યો છે. વાઈરસ સંક્રમિત એક લાખ નવ હજાર લોકો સારવાર બાદ સારા થઈ ગયા છે. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં 6820 લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે ચીનમાં 3281 લોકોએ જીવ ગુમાવ્યા છે.
દેશ | મોત | કેસ |
ઈટાલી | 6820 | 69176 |
ચીન | 3281 | 81218 |
સ્પેન | 2991 | 42058 |
ઈરાન | 1934 | 24811 |
ફ્રાન્સ | 1100 | 22304 |
અમેરિકા | 782 | 54867 |
બ્રિટન | 422 | 8077 |
નેધરલેન્ડ | 276 | 5560 |
જર્મની | 159 | 32991 |
દ. કોરિયા | 126 | 9137 |
સ્વિત્ઝરલેન્ડ | 122 | 9877 |
ભારત | 11 | 562 |
ઈટાલીમાં સ્થિતિ વિકેટ: 24 કલાકમાં 743 લોકોના મોત
ઈટાલીના નાગરિક સુરક્ષા પ્રમુખ એંજલો બોરેલીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં 24 કલાકમાં 743 લોકોના મોત થયા છે. સાથે 5249 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા દેશમાં 69176 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક સાત હજારની નજીક 6820 થઈ ગયો છે. બીજી તરફ કોરોના વાઈરસથી મૃત્યુઆંકની દ્રષ્ટિએ સ્પેન ત્રીજા નંબરે આવી ગયો છે. અહીં આ વાઈરસથી કુલ 2991 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વના પાંચ દેશમાં મૃત્યુઆંક એક હજારથી વધારે નોંધ્યો છે જેમાં ઈટાલી, ચીન, સ્પેન, ઈરાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.
કોરોના વાઈરસના એપી સેન્ટર વુહાનમાં બસ સેવા ચાલુ કરાઈ
કોરોના વાઈરસ જ્યાંથી શરૂ થયો એવા ચીનના વુહાન શહેરને નવ સપ્તાહ લોકડાઉન રાખ્યા પછી બસ સેવા બુધવારે ચાલું કરવામાં આવી છે. કોરોનાથી સંક્રમીત 47 દર્દીને ચીન વિવિધ દેશમાંથી પરત લાવ્યું છે. સાડા પાંચ કરોડની વસ્તી ધરાવતા હુબેઈ વિસ્તાર પરથી ચીને મંગળવારે ત્રણ મહિના પછી લોકડાઉનને હટાવી દીધું હતું. હુબેઈ અને વુહાનમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. ચીનમાં મૃત્યુઆંક 3281 થયો છે. ચીનમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 4287 છે. 72650 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હોંગકોંગમાં કોરોનાના 386 કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત થયા છે. તાઈવાનમાં 216 કેસ અને મકાઉમાં 26 કેસ નોંધાયા છે.
દેશમા મૃત્યુઆંક 1100 ઉપર જતાં ફ્રાન્સ સરકાર ચિંતિત
કોરોના મહામારીથી ફ્રાન્સમાં એક દિવસમાં 240ના મોત સાથે અત્યાર સુધીમાં 1100 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેને લઈને ફ્રાન્સ સરકાર ચિંતિત છે. સમગ્ર દેશમાં લોકડાઉનને અહીં બીજું સપ્તાહ છે. 2444 નવા પોઝિટિવ કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા 22304 થઈ ગઈ છે. ચોકાવનારી વાત તો એ છે કે અહીં 60 વર્ષથી નીચેની વયના દર ત્રીજા દર્દીએ લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે. 70 વર્ષની ઉપરની 85 ટકા વ્યક્તિ જીવ ગુમાવે છે.