રાજસ્થાનમાં માતાની હત્યા અંગે ફરિયાદ દાખલ કરાવનાર વકીલની પત્ની અને દીકરી જ હત્યારા નીકળ્યા હતા. નાના દીકરાને રૂપિયા 50 હજાર આપવાથી નારાજ મોટી વહુએ દીકરી સાથે મળી આ કાવતરાને આખરીઓપ આપ્યો હતો. વૃદ્ધ માતાની હત્યાની ફરિયાદ નોંધાવનાર વકીલ દીકરા ટીકમચંદને જ્યારે આ અંગેની હકીકતની જાણ થઈ તો તે કહેવા લાગ્યા ”હવે હું શું કરું.”બુધવારે પોલીસ અધિકારી સુનીલ કુમાર અને નોખાના પોલીસ વડાએ આ ઘટના અંગે ખુલાસો કર્યો હતો.
મૃતક ચંદ્ર કંવરના બે દીકરા છે. મોટો દીકરો ટીકમચંદ અને નાનો કિશોર સિંહ. 13 ફેબ્રુઆરીની સવારે ચંદ્ર કંવરની લાશ તેમની ઢાણીમાં બનેલી ઝૂપડીમાંથી મળી આવી હતી. મોટા દીકરા ટીકમચંદ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી. FIR નોંધાવી તપાસની માંગ કરી હતી. 20 દિવસથી પોલીસ કેસની તપાસ કરી હતી. સાઈબલ સેલની ટીમે પરિવારના મોબાઈલ લોકેશનની તપાસ કરી.
ટીકમચંદની પત્ની સંતોષ કંવર અને તેની સગીર દીકરીના મોબાઈલ લોકેશન ઢાણી ગામના રોડ પર મળ્યા. જ્યાં હત્યા થઈ હતી ત્યાં જ આ લોકેશન મળ્યા. આ સંજોગોમાં પોલીસનો શક વધારે દ્રઢ થયો. પોલીસે કડક પૂછપરછ કરતા માતા અને દીકરીએ ગુનો કબુલી લીધો હતો. સંતોષ કંવરની પોલીસે ધરપકડ કરી લીધી છે અને સગીર દીકરી પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માતા-દીકરીએ આ રીતે કરી હત્યા
વૃદ્ધા ચંદ્ર કંવરની હત્યા ઘાતકી રીતે કરવામાં આવી હતી. જ્યારે ટીકમચંદની પત્નીને વાતની જાણ થઈ કે તેની સાસુએ નાના ભાઈને બે દિવસ અગાઉ રૂપિયા 50 હજાર આપ્યા છે તો તે ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ. પોતાની દિકરીની સાથે 12 ફેબ્રુઆરીની રાત્રે તે ઘરથી આશરે 4 કિલોમીટર અંતર ઢાણી પહોંચ્યા. સાસુને જોતાની સાથે જ તેમના માથા પર પથ્થરથી પ્રહાર કર્યો.
તેણે ત્યાં સુધી પથ્થર વડે પ્રહાર કર્યો કે જ્યાં સુધી વૃદ્ધ સાસુનું મૃત્યુ ન નીપજે. ત્યાર બાદ રાત્રીના સમયે જ માતા અને પુત્રી ઘરે પરત આવતા રહ્યા હતા અને તે પથ્થર પોતાની પાસે રાખી લીધો. આ ઘટના વખતે તેમની પાસે મોબાઈલ હતો. જેની તપાસ કરતા પોલીસને લોકેશન ગામમાં લાગેલા ટાવર પર મળ્યું.
વકીલને જાણ થતાં પગ નીચેથી જમીન ખસી ગઈ
પોલીસ તપાસ દરમિયાન કીટકમચંદને એ વાતનો અંદેશો પણ નહીં લાગ્યો કે તેમની પત્ની અને દીકરી પર પોલીસને આશંકા છે. બુધવારે જ્યારે પોલીસે અધિકારી સુનીલ કુમારે આ અંગે જાણકારી આપી તો ટીકમચંદના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે કહેવા લાગ્યા કે હવે હું શું કરું.
પોલીસે ખુલાસો કર્યો તો મોટી વહુ હોસ્પિટલ પહોંચી ગઈ
હત્યાનો ખુલાસો થતા જ સંતોષ કંવર બિકાનેરની એક ખાનગી હોસ્પિટલ પહોંચી ગઈ હતી. નાગણિચીજી મંદિર પાસે આવેલી આ હોસ્પિટલમાં તેણે પેટની ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે. પોલીસે તેને ત્યાંથી જ અટકાયતમાં લીધી છે. હોસ્પિટલમાં હવે પોલીસ અધિકારીને ગોઠવવામાં આવ્યા છે. તેની સગીર દીકરીને નારી નિકેતનમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.