SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતર્યો, પગારમાં કાપ મુકાતા કર્મચારીઓએ કેમ્પસમાં ધરણાં કર્યા

Ahmedabad Gujarat
  • વિરોધ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને નર્સિંગ સ્ટાફ વચ્ચે બબાલ થઈ
  • કર્મચારીઓને ઈમેલ આવતા ખબર પડી હતી કે તેમના પગારમાં કાપ મુકવામાં આવ્યો છે
  • પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે કેમ્પસમાં જ ઘરણાં કર્યા છે

અમદાવાદ. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ આજે સવારથી જ હડતાળ પર ઉતર્યો છે. સ્ટાફના પગારમાં 20% થી વધુનો કાપ કરતા કોરોના વોરિયર્સ એવા નર્સિંગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે અને કામથી અળગો રહ્યો છે. પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે કેમ્પસમાં જ ઘરણાં કર્યા છે. કર્મચારીઓને ઈમેલ આવતા ખબર પડી હતી કે તેમના પગારમાં કાપ મુકવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા કોરોનામાં ફરજ બજાવતા આવા વોરિયર્સને વધારાનું મહેનતાણું ચૂકવવાનો આદેશ કર્યો છે પરંતુ આ મહેનતાણું પણ ચૂકવવામાં નહીં આવે ઉલ્ટાનો તેઓનો પગાર કાપી લેવામાં આવ્યો છે.વિરોધ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને નર્સિંગ સ્ટાફ વચ્ચે બબાલ થઈ છે.

કર્મચારીઓએ વિરોધ કરતા નોકરી કરવી હોય તો કરો તેમ કહેવામાં આવ્યું
પગાર કાપી લેવાતા નર્સિંગના 75 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં એકઠા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી UDS કંપની દ્વારા જાણ કરાઈ હતી. કર્મચારીઓએ વિરોધ કરતા નોકરી કરવી હોય તો કરો કહીને કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા કહેવામાં આવ્યું છે. PPE કિટ, માસ્ક સહિતનો ખર્ચ થયો હોવાથી પગાર કાપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *