એકપણ બોલ પડ્યા વગર કોઈ મેચ હેડલાઈન્સ બને એનો મતલબ કે ગેમ રિઝલ્ટ વગર ઐતિહાસિક થઈ ગઈ છે. આજે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા ખાતે ટકરાશે, ત્યારે ઘટના ટોસના સમયથી જ ઇતિહાસનાં પાનાંમાં અમર થઈ જશે. 1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા ધરાવતા વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં દાવ પર છે- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા. ટેસ્ટ જીતવા પર જો રૂટ બની શકે છે ઇંગ્લેન્ડનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન, જ્યારે વિરાટ કોહલી બની શકે છે ઘરઆંગણે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા ભારતે અહીંથી શ્રેણી જીતવી જરૂરી છે. સિરીઝ 1-1ની બરાબરી પર હોવાથી ભારત પાસે હારવાનો ઓપ્શન નથી. બીજી તરફ, ઇંગ્લેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવવા બંને મેચ જીતવી જરૂરી છે. રૂટ 46 ટેસ્ટ જીત સાથે માઈકલ વોન સાથે સંયુક્તપણે સૌથી સફળ કેપ્ટન છે, જ્યારે કોહલી અને મહેન્દ્રસિંહ ધોની બંને ઘરઆંગણે ભારત માટે સૌથી વધુ 21-21 ટેસ્ટ જીત્યા છે.
પિન્ક બોલ ટેસ્ટ
પિન્ક ટેસ્ટમાં ભારત છેલ્લે રમ્યું તો ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે 36 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જ્યારે ઇંગ્લિશ ટીમ પોતાની અંતિમ ટેસ્ટમાં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોહલીએ મેચ પહેલાંની પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે બંને ક્વોલિટી ટીમ છે. બંને માટે એ અનુભવ અલગ હતો. જ્યારે બધું તમારી વિરુદ્ધમાં થઈ રહ્યું હોય તો તમે કઈ કરી શકતા નથી. એડિલેડમાં 36 રનમાં ઓલઆઉટ થયા ત્યારે અમે માત્ર 45 મિનિટ ખરાબ રમ્યા હતા, એ સિવાય મેચમાં અમારો દેખાવ સારો હતો. એક ટીમ તરીકે અમને અઘરી પરિસ્થિતિમાંથી બહાર આવતા આવડે છે.
રેડ સોઇલ વિકેટ
મોટેરામાં 6 વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાશે. એવામાં પિચ કેવી રીતે બીહેવ કરશે એ કોઈ જાણતું નથી. કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે ‘પિન્ક બોલ સ્વિંગ તો થશે, પણ બહુ નહિ.’ જ્યારે ઓપનર રોહિત શર્માએ કહ્યું હતું કે ‘આ પિચ ચેન્નઈની જેમ જ સ્પિનર્સને મદદ કરશે.’ ઉલ્લેખનીય છે કે પિચ બનાવવામાં રેડ સોઇલનો ઉપયોગ કરાયો છે. રેડ સોઇલથી બનેલી વિકેટ પર સ્પિન અને બાઉન્સ જોવા મળે છે.
બીજી તરફ, ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે કહ્યું હતું કે જેમ્સ એન્ડરસન અને કંપની લાઇટ્સ હેઠળ પિન્કનો લાભ ઉઠાવવા ઉત્સુક છે. એવામાં જોવાનું રહેશે કે આ પિન્ક બોલ ટેસ્ટમાં હંમેશાં માફક સ્પિનર્સનું પ્રભુત્વ જોવા મળે છે કે પેસર્સ હંમેશાં માફક તરખાટ મચાવે છે.
ભારતીય ટીમમાં બુમરાહની વાપસી નક્કી

ઇન્ડિયાની પ્લેઇંગ-11માં જસપ્રીત બુમરાહની વાપસી નક્કી છે. તે મોહમ્મદ સિરાજની જગ્યાએ રમી શકે છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન-અક્ષર પટેલ સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટ સંભાળશે. તો ઇશાંત શર્મા કપિલ દેવ પછી 100 ટેસ્ટ રમનાર બીજો ફાસ્ટર બનશે. પાંચમા બોલર તરીકે ઉમેશ યાદવ, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યામાંથી કોઈ એકને તક મળશે. બુમરાહ અને અક્ષર ઘરઆંગણે પહેલીવાર રમશે.
ભારતની સંભવિત પ્લેઇંગ-11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.
એન્ડરસન અને બેરસ્ટો ઇંગ્લેન્ડને મજબૂત કરશે
ત્રીજી ટેસ્ટમાં જિમી એન્ડરસન, જોફરા આર્ચર અને જોની બેરસ્ટો ઇંગ્લિશ ટીમને મજબૂત કરશે. બેરસ્ટો ડેન લોરેન્સની જગ્યાએ રમશે, જ્યારે ઓપનર રોરી બર્ન્સની જગ્યાએ ઝેક ક્રોલે રમી શકે છે. એન્ડરસન અને આર્ચર સ્ટુઅર્ટ બ્રોડ તથા ઓલી સ્ટોનને રિપ્લેસ કરશે.
ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ-11: ઝેક ક્રોલે, ડોમ સિબલે, જોની બેરસ્ટો, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોકસ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, જોફરા આર્ચર, જેક લિચ, જેમ્સ એન્ડરસન
શું તમે જાણો છો:
1) ભારતીય ઓપનર્સે છેલ્લી 9 ઇનિંગ્સથી 50 રનની ભાગીદારી કરી નથી.
2) ઇંગ્લેન્ડ કુકાબુરા, ડ્યુક્સ અને SG એમ ત્રણેય બોલથી પિન્ક ટેસ્ટ રમનાર પ્રથમ દેશ બનશે.
3) વિરાટ કોહલીએ છેલ્લી 34 ઇનિંગ્સથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારી નથી.
4) 15 પિન્ક બોલ ટેસ્ટમાં ફાસ્ટ બોલર્સે 354, જ્યારે સ્પિનર્સે 115 વિકેટ લીધી છે.
5) મોટેરા ખાતે છેલ્લી ટેસ્ટ 2012માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ચેતેશ્વર પૂજારાએ 206 અને 41* રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાએ 9 વિકેટે જીત મેળવી હતી.
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં 4 રેકોર્ડ પર રહેશે તમામની નજર
વિરાટ કોહલી ટેસ્ટ જીતનો રેકોર્ડ બનાવી શકે
કોહલી એક ટેસ્ટ જીતતાની સાથે જ ઘરઆંગણે ટેસ્ટ જીતવાના કેસમાં ધોનીને પછાડી સફળ ભારતીય સુકાની બની જશે. તો કોહલી ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારે છે તો પિંક બોલ ટેસ્ટમાં 2 સદી ફટકારનાર વિશ્વનો બીજો અને ભારતનો પહેલો બેટ્સમેન બની જશે.
ઇશાંત 100મી ટેસ્ટ મેચ રમશેે
ઇશાંતને જો ત્રીજી ટેસ્ટમાં રમવાની તક મળશે તો 100મી ટેસ્ટ મેચ રમનાર બીજો ભારતીય ફાસ્ટ બોલર બનશે. આ પહેલાં માત્ર કપિલ દેવે આ સિદ્ધિ મેળવી છે.
અશ્વિન 400 વિકેટની નજીક
અશ્વિને અત્યારસુધીમાં ટેસ્ટમાં 394 વિકેટ ઝડપી લીધી છે. જો તે ઇંગ્લેન્ડ સામે ડે-નાઇટ ટેસ્ટમાં 6 વિકેટ લે તો તે 400 વિકેટનો જાદુઈ આંકડો પાર કરશે.
દર્શક ગાઇડ
- મોટેરા સ્ટેડિયમમાં મેચ જોવા જનારા પ્રેક્ષકોએ 1થી 1.30 કલાક પહેલાં ઘરેથી નીકળવું પડશે.
- સ્ટેડિયમની આસપાસના પાર્કિંગ સુધી પહોંચતાં કોઈપણ વ્યકિતને 30થી 45 મિનિટ થશે.
- વાહન પાર્ક કરીને 30 મિનિટ સુધી સ્ટેડિયમના મેન ગેટ સુધી પહોંચવું પડશે. ત્યાંથી ચેકિંગમાંથી પસાર થઇને સીટ સુધી પહોંચતાં 15 મિનિટ લાગશે.
- ઘરેથી બધું લઈ જઈ શકાશે, પરંતુ વાહનમાં મૂકી દેવું પડશે
- પ્રેક્ષકો ઘરેથી ખાવા – પીવાની કે કોઇપણ વસ્તુ સાથે લઈ જઈ શકશે, પરંતુ એ ચીજવસ્તુ તેમણે વાહનમાં મૂકી દેવી પડશે.
- સ્ટેડિયમમાં મોબાઈલ ફોન અને પાકીટ લઈ જઈ શકાશે, એ સિવાય કોઈપણ વસ્તુ હશે તો ગેટ પર મૂકી દેવી પડશે.
- પ્રેક્ષકો ગેટ નંબર -2 પરથી સ્ટેડિયમમાં જઈ શકશે
- સ્ટેડિયમમાં પ્રવેશવા માટે મુખ્ય 2 ગેટ છે, જેમાંથી 1 વીવીઆઈપી ગેટ છે. પ્રેક્ષકો ગેટ નંબર – 2 પરથી સ્ટેડિયમમાં જઈ શકશે.
- રિએન્ટ્રી નથી
- સ્ટેડિયમમાં એક વખત એન્ટ્રી મેળવ્યા બાદ એ ટિકિટ પર ફરી વખત સ્ટેડિયમમાં જઈ શકાશે નહીં.