અનુચ્છેદ 370 હટાવ્યાના એક વર્ષ પછી / કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં 36%નો ઘટાડો, 6 મહિનામાં સેનાએ 4 ટોપ આતંકી કમાન્ડર સહિત 138 આતંકી ઠાર માર્યા

india
  • ગત વર્ષે અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા માત્ર 126 આતંકી ઠાર મરાયા હતા, જ્યારે 75 સુરક્ષાકર્મીઓના મોત પણ થયા હતા, આ વર્ષે અત્યાર સુધી 35 સુરક્ષાકર્મી શહીદ થયા છે
  • ગત વર્ષે 51 ગ્રેનેડ અટેક થયા હતા જ્યારે આ વર્ષે માત્ર 21 થયા છે, 2019માં 6 IED અટેક થયા હતા, આ વર્ષે અત્યાર સુધી માત્ર એક IED અટેક થયો છે

નવી દિલ્હી. ભારત સરકારના ગૃહ મંત્રાલયના એક રિપોર્ટ પ્રમાણે, જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા પછી આતંકી પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ડેટા જમ્મુ કાશ્મીર પોલીસ, ઈન્ડિયન આર્મી અને સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સના કંપાઈલ રિપોર્ટમાંથી તૈયાર કરાયો છે. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયો હતો. આ વર્ષે તેને એક વર્ષ પુરુ થઈ જશે.
ગત વર્ષના શરૂઆતના 7 મહિનામાં આતંકી હુમલાની 188 ઘટનાઓ બની હતી. આ વર્ષે આંકડો ઘટીને 120 થઈ ગયો છે. 138થી વધુ આતંકી આ વર્ષે માર્યા ગયા છે. જેમાંથી એક ડઝનથી વધુ તો એવા છે જેમને ઈન્ડિયન આર્મીએ નોર્થ કાશ્મીરના LOC પર ઠાર માર્યા છે. ગત વર્ષે અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા માત્ર 126 આતંકી ઠાર મરાયા હતા. જ્યારે 75 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ વર્ષે અત્યાર સુધી 35 સુરક્ષાકર્મી શહીદ થયા છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં 15 ચિનાર કોપ્સના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને પાકિસ્તાનને ચેતવણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની આર્મી અને ISIS જે કરવા માંગે તે કરી લે. પણ અમને એમને એવા પાઠ ભણાવીશું કે તેમની પેઢીઓ પણ યાદ રાખશે. અમે 1971થી પણ વધારે સારો પાઠ ભણાવીશું. તેમની ચેતવણીના પરિણામ રૂપે કાશ્મીરમાં પાકિસ્તાનના ટોપ આતંકવાદીઓ ઠાર થયા.

ઈન્ટેલિજન્સના રિપોર્ટ પ્રમાણે, 300થી વધુ આતંકવાદી સરહદ પારથી ભારતમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે, પણ ઈન્ડિયન આર્મી અને BSFના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વર્ષે અત્યાર સુધી હિજબુલ મુજાહિદ્દીનના 50, લશ્કરના 20 અને ISJK અને અનસાર ગજવત ઉલ હિન્દના 14 આતંકી ઠાર મરાયા છે.જેમાં હિજબુલ કમાન્ડર રિયાજ નાયકૂ, લશ્કર કમાન્ડર હૈદર, જૈશ કમાન્ડર કારી યાસિર અને અંસરનો બુરહાન કોકા સામેલ છે.
ગૃહ મંત્રાલયનો દાવો છે કે આ વર્ષે સ્થાનિક સ્તરે આતંકી સંગઠનોમાં સામેલ થનારા યુવાનોની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો થયો છે. 2019ના પહેલા 6 મહિનાની તુલનામાં આ વર્ષે 67 યુવાન આતંકી બન્યા છે. જેમાંથી મોટાભાગના અનટ્રેઈન્ડ છે, જેમનું બ્રેઈન વોશ કરાયું છે. એટલા માટે આ લોકો 30 દિવસ કરતા વધુ સમય ટકી નહી શકે.
આ વર્ષે 110 સ્થાનિક આતંકી ઠાર મરાયા છે જે પાકિસ્તાન માટે ચિંતાનું કારણ છે. આ સાથે જ અલગ અલગ આતંકી ઓપરેશનમાં બે ડઝનથી વધુ પાકિસ્તાની આતંકી પણ ઠાર મરાયા છે. છેલ્લા સાત મહિનામાં જમ્મુ કાશ્મીર પોલીસે 22 આતંકી અને તેમના 300 સહયોગીઓની ધરપકડ કરી છે.
આ સાથે જ તેમના 22 ઠેકાણાનો પણ ખુલાસો થયો છે, જ્યાં આ લોકો હથિયાર અને દારૂગોળો રાખે છે. આ વર્ષે 190થી વધુ હથિયાર જપ્ત કરાયા છે.જેમાંથી 120 અલગ અલગ એન્કાઉન્ટર સાઈટ પરથી જપ્ત કરાયા છે.

સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં 36%નો ઘટાડો થયો છે. ગત વર્ષે 51 ગ્રેનેડ અટેક થયા હતા, જ્યારે આ વર્ષે માત્ર 21 થયા છે. 2019માં 6 IED અટેક થયા હતા જેમાં એક પુલવામામાં પણ થયો હતો જ્યાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. આ વર્ષે અત્યાર સુધી માત્ર એક IED અટેક થયો છે.

આ વર્ષે અલગાવવાદીઓમાં પણ ભાગલા જોવા મળ્યા છે, જે વિશે ગત વર્ષે વિચાર્યું પણ નહોતું. સૈયદ અલી શાહ ગિલાનીએ પોતાને હુર્રિયતમાંથી અલગ કરી લીધા છે, જે કાશ્મીરી કટ્ટરપંથી અને અલગાવવાદીઓ માટે સૌથી મોટો ઝાટકો છે. ઈન્ટેલિજેન્સના રિપોર્ટ પ્રમાણે, 300થી વધુ પાકિસ્તાની આતંકવાદી POKમાં સરહદ પારથી ભારતમાં ઘુસણખોરીની તૈયારી કરી રહ્યા છે, પણ ઈન્ડિયન આર્મી અને BSFની તહેનાતીના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે અનુચ્છેદ 370 હટાવ્યા પછી અલગાવવાદીઓ અને આતંકીઓ માટે કાશ્મીરમાં આગળનો રસ્તો મુશ્કેલીભર્યો થઈ ગયો છે.

આ વર્ષે અત્યાર સુધી હિજબુલ મુજાહિદ્દીનના 50, લશ્કરના 20 અને ISJK અને અનસાર ગજવત ઉલ હિન્દના 14 આતંકી ઠાર મરાયા છે.

જમ્મુ કાશ્મીર પોલીસની સિદ્ધી અંગે આદિત્ય રાજ કૌલે જમ્મુ-કાશ્મીર પોલીસના IG વિજય કુમાર સાથે વિશેષ વાતચીત કરી..

1. તમને શું લાગે છે કે ગત વર્ષની સરખામણીમાં કાશ્મીરમાં આતંકી હુમલા ઘણા ઓછા થયા છે?
નાની-મોટી આતંકી ઘટનાઓ સામે આવી છે, પરંતુ મોટી ઘટનાઓ નથી બની. એન્ટી ટેરેરિસ્ટ ઓપરેશન સાથે જ અમે લોકો ઈન્ટેલિજેન્સ પર ફોકસ કરી રહ્યા છીએ. ઈન્ટેલિજેન્સ બ્યૂરો અને રો અમને ગુપ્ત માહિતી આપે છે. મોટી સંખ્યામાં આતંકી સંગઠનોના ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરવામાં આવી રહી છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે કાશ્મીરમાં જંગ-એ-બદરની પૂર્વ સંધ્યા પર કોઈ ઘટના બની નથી.
2. શું આતંકવાદી અને તેમના ગ્રાઉન્ડ વર્કર હાલના સમયમાં નબળા પડી ગયા છે, તેમનું મનોબળ તૂટી ગયું છે?
એવું સાચું થતું હોય તેવું લાગી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે જ્યારે ચાર મુખ્ય આતંકી સંગઠનો-હિજબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈય્યબા, જૈશ-એ-મોહમ્મદ અને અંસર ગજવત-ઉલ-હિન્દના ટોપ કમાંડર ચાર મહિનાની અંદર ઠાર મરાયા છે. આ આતંકી સંગઠોનનું નેતૃત્વ નબળું પડી ગયું છે.
હિજબુલ મુજાહિદ્દીનના પોસ્ટ-બોય જુનૈદ સેહરાઈ અને જૈશ-એ-મોહમ્મદના IED એક્સપર્ટ ફોજી ભાઈના મોત બાદ તેમણે ઘણું નુકસાન થયું છે. ઘણા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ અને અશરફ સેહરાઈ જેવા ટોપ અલગાવવાદી નેતાઓની ધરપકડ કરાઈ છે.

J&K પોલીસના IG વિજય કુમારે કહ્યું કે, એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન સાથે જ અમે લોકો ઈન્ટેલિજન્સ પર ફોકસ કરી રહ્યા છીએ, જેથી આતંકી પ્રવૃત્તિ પર કંટ્રોલ કરી શકાય.

3. પથ્થરમારાની ઘટનાઓ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી પડકારરૂપ રહી છે, એક વર્ષથી પણ ઓછા સમયમાં તમે આ ઘટના પર અંકુશ કેવી રીતે લગાવ્યો?
અમે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ અને પથ્થરમારો કરનારાઓની ધરપકડ કરી. તમામ એન્કાઉન્ટર સાઈટ્સ પર પહેલાથી લો એન્ડ ઓર્ડરને સંભાળવાનું કામ કર્યું. જેમ કે કોઈ એન્કાઉન્ટર શરૂ થતું હતું, અમે તેના એક્સેસ પોઈન્ટને બ્લોક કરી દેતા હતા જેથી બાજુના ગામોમાંથી પથ્થરબાજો પહોંચી ન શકે.
અમે જિયો ફેન્સીંગ અને ડ્રોન કેમરાની મદદથી ઓળક કરી અને પછી ધરપકડ કરી. અમારું લક્ષ્ય કોલેટરલ ડેમેજને ઓછું કરવાનું હતું, આ જ કારણ છે કે અત્યાર સુધી કોઈ પણ સિવિલયનનું એન્કાઉન્ટર સાઈટ પર મોત થયું નથી.
અમારો પ્રયાસ રહ્યો છે કે ટેરેરિસ્ટ ઓપરેશન દરમિયાન ધાર્મિક સ્થળોને નુકસાન ન પહોંચે. આતંકી પુલવામામાં મસ્જિદમાં સંતાયા હતા, પણ અમે મસ્જિદને નુકસાન નથી પહોંચાડ્યું. સાથે જ અમે એન્કાઉન્ટર સાઈટ પર આતંકીઓના માતા પિતા પાસે સરેન્ડર કરી દે તેવી અપીલ પણ કરાવી. સાથે જ આમા કોઈ રાજકીય દખલગીરી ન થાય એનું પણ ધ્યાન રાખ્યું.
4. આગામી છ મહિનામાં કાશ્મીરમાં તમે કેવા પડકારને જુઓ છો?
સુરક્ષાદળો અને સરકાર વિરુદ્ધ ઓનલાઈન પ્રોપગેન્ડા અમારા માટે પહેલો પડકાર છે. બીજો પડકાર આતંકીઓની નવી ભરતી અને ત્રીજો પાકિસ્તાની આતંકીઓ ઓછા માર્યા ગયા હોવાનો છે. અમે આ પડકાર સામે લડવા માટે એડવાન્સ પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ. અમને સારા પરિણામ પણ મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *