- વર્ષ 2000માં સરેન્ડર કરનારા નક્સલી કમાન્ડર બદરનાએ માડવી હિડમાને સંગઠનમાં ભરતી કર્યો હતો
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો પર થયેલા નક્સલી હુમલાનો માસ્ટરમાઈન્ડ માડવી હિડમા અત્યારે ચર્ચામાં છે. બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પર સ્થિત તર્રેમના ટેકલાગુડા ગામમાં 3 એપ્રિલે સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે થયેલા સંઘર્ષમાં માડવી હિડમા જ માઓવાદીઓને લીડ કરી રહ્યો હતો. આ વિસ્તાર નક્સલીઓનો ગઢ છે અને અહીં માઓવાદીઓની બટાલિયન નંબર વનનો દબદબો છે. આ બટાલિયનનું ટેકનીકલ કૌશલ્ય તેને બીજી નક્સલ બટાલિયનોથી અલગ કરે છે.
બસ્તરના સાઉથ ઝોન (સુકમા, બીજાપુર અને દંતેવાજા)માં સક્રિય આ જ બટાલિયનનો કમાન્ડર છે હિડમા. હિડમાના મોતના સમાચાર ગમે ત્યારે આવતા રહે છે પરંતુ દર વખતે કોઈ નવી મોટી ઘટનામાં તેનું નામ આવી જાય છે. હિડમા વિશે પોલીસ અને સુરક્ષાદળ પાસે વધુ જાણકારી નથી. ભાસ્કરે તેના વિશે જાણવા માટે પૂર્વ નક્સલી કમાન્ડર બદરના સાથે વાત કરી. બદરના 2000માં આત્મસમર્પણ કરી ચૂક્યો છે. હાલ તે જગદલપુરમાં રહે છે. વાસ્તવમાં 1996માં બદરનાએ જ હિડમાને માઓવાદી સંગઠનમાં ભરતી કર્યો હતો. બદરના તેના નક્સલી સંગઠનમાં દાખલ થવા અંગે અને પછી સેન્ટ્રલ કમિટી સુધી પહોંચવાની વાત વિસ્તારથી જણાવે છે.
માત્ર 16 વર્ષની વયમાં નક્સલ સંગઠનમાં થયો દાખલ
હિડમા માઓવાદી સંગઠનમાં આવ્યો કઈ રીતે? આ સવાલ અંગે બદરના કહે છે, ‘16 વર્ષની વયમાં તેના ગામ પૂર્વતીમાં માઓવાદીઓની ગ્રામ રાજ્ય કમિટીએ તેની પસંદગી કરી. ભરતીની પ્રક્રિયામાં મેં જ પૂરી કરી હતી. તેની સાથે અન્ય અનેક બાળકો પણ હતા. તેમાં જ આજનો મશહૂર નક્સલી પાપારાવ પણ હતો. બાળકો માટે માઓવાદીઓમાં ‘બાલલ સંગમ’ નામનું એક સંગઠન હોય છે. હિડમાની શરૂઆત તેનાથી જ થઈ.’
બદરના કહે છે, ‘દુબળા પાતળા પણ ચુસ્ત કદકાઠીવાળો હિડમા ખૂબ તેજ હતો અને ચીજોને ખૂબ જલદી શીખતો હતો.’
‘તેની આ જ કાબેલિયતના કારણે તેને બાળકોની વિંગ ‘બાલલ સંગમ’નો અધ્યક્ષ બનાવાયો. ગોંડ સમાજમાંથી આવતા હિડમાના લગ્ન માઓવાદી સંગઠનમાં આવ્યા પહેલા થઈ ચૂક્યા હતા. તેનું સાચું નામ મને બરાબર યાદ નથી પણ હિડમા નામ તેને સંગઠને આપ્યું હતું.’ બસ્તરમાં માડવી હિડમા અનેક નામથી ઓળખાય છે. હિડમા ઉર્ફે સંતોષ ઉર્ફે ઈંદમૂલ ઉર્ફે પોડિયામ ભીમા ઉર્ફે મનીષ. તો આખરે તેનું સાચું નામ શું છે? જેના અંગે બદરના કહે છે કે રણનીતિ પ્રમાણે તેનું અસલી નામ છૂપાવવામાં આવે છે.
માઓવાદીઓની પોતાની એજ્યુકેશન સિસ્ટમ અને કલ્ચરલ કમિટી હોય છે. અહીં હિડમાએ અભ્યાસ કરવાની સાથે ગાવાનું શીખ્યું. ક્રાંતિ ગીત અને કેટલાક ખાસ પ્રકારના વાદ્યયંત્રો વગાડવાનું શીખવું માઓવાદીઓની તાલીમનો ભાગ હોય છે. બદરના કહે છે, ‘હિડમા જેટલો સારી રીતે ઘાત લગાવવાનું શીખી રહ્યો હતો, એટલો જ તે સારો વાદ્યયંત્રો વગાડવામાં પણ હતો. તેના અવાજમાં પણ દમ છે. તેની હોંશિયારીનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તે પ્રાથમિક ઉપચારની તાલીમ લેવામાં પણ સૌથી આગળ હતો.’

હિડમા વિશે ખૂબ કન્ફ્યુઝન છે. તે જીવિત છે કે મરી ગયો? માડવી માત્ર પદનામ તો નથીને? આવા સવાલો અનેકવાર થતા રહે છે.
ટ્રેનીંગ પછી હિડમાનું પ્રથમ પોસ્ટિંગ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં કરાયું. બદરના કહે છે, ‘2010માં તાડમેટલામાં 76 જવાનોની હત્યા પછી તેને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી. તેના પછી ઝીરમ ખીણના હુમલાની રણનીતિ પણ હિડમાએ જ તૈયાર કરી. 2017માં સુકમાના બુર્કાપાલમાં સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ એ જ હતો.’ બદરના કહે છે, ‘પોતાની વયના કોઈપણ માઓવાદીથી તે ખૂબ આગળ હતો. જો કે જ્યારે હુમલાની રણનીતિ બનતી તો અન્ય મોટા મોટા કમાન્ડર પણ તેમાં જોડાય છે પણ હા, હિડમા જે હુમલાને લીડ કરે છે, તેની રણનીતિ બનાવવામાં એ જ આગળ રહે છે.’
હિડમા જીવિત છે કે મરી ગયો? એ કોઈ માણસ છે કે માત્ર પદનામ
હિડમા વિશે ખૂબ કન્ફ્યુઝન છે. તે જીવિત છે કે મરી ગયો? માડવી માત્ર પદનામ તો નથીને? આવા સવાલો અનેકવાર થતા રહે છે. માઓવાદીઓમાં અનેકવાર કોઈ મોટા લડાકુનું મોત થવા પર તેના નામ પર પદનામ નક્કી કરવામાં આવે છે. માઓવાદી કમાન્ડર, રમન્ના અને ભૂપતિ એ જ શ્રેણીમાં છે. તેના મર્યા પછી પણ તેના પદનામ ચાલ્યા કરે છે.
બદરના આ અંગે કહે છે, ‘હાલમાં તો હું હિડમાને મળ્યો નથી પણ તે જીવિત છે, એ જાણું છું. મેં તેને લગભગ 10 વર્ષ પહેલા જોયો હતો. ત્યારે તે એવો જ હતો જેવો અમે તેને દાખલ કર્યો હતો. એ સમયે 30-31 વર્ષનો હશે. હવે તો તે 40-41 વર્ષનો હશે. સંગઠનની કોઈ વ્યક્તિની ચોક્કસ વય કોઈને ખબર હોતી નથી, કેમકે એ બધા ગરીબ આદિવાસી ઘરોમાંથી આવતા હોય છે, તેમનું જન્મ પ્રમાણપત્ર હોતું નથી.’

આ દંતેવાડાનું કિસ્તરામ બજાર છે. કહેવાય છે કે હિડમા અહીં આવતોજતો રહે છે, પરંતુ પોલીસ તેને ક્યારેય પકડી શકી નથી.
પોલીસને થાપ આપવામાં માહેર
બદરના કહે છે, ‘પોલીસને હિડમાએ અનેકવાર થાપ આપી છે. દંતેવાડાનું સ્થાનિક બજાર છે, કિસ્તરામ. ત્યાં અનેકવાર પોલીસને જાણકારી મળી કે હિડમા આવી રહ્યો છે. પોલીસ તહેનાત થઈ. હિડમા ત્યાં અનેકવાર આવ્યો, પણ તેને કોઈ ઓળખી શક્યું નહીં. પોલીસની પાસે તેની જે તસવીર છે તે 25 વર્ષ જૂની છે. આ ઉપરાંત માઓવાદીઓમાં તમે કમાન્ડર બનો કે સિપાહી, સૌની રહેણીકરણી એક જેવી હોય છે. તેથી પણ તેને ઓળખવો આસાન નથી.’
ટેકનીકનો જાણકાર હિડમા દરેક હુમલાનો વીડિયો બનાવે છે
બસ્તરના સાઉથ ઝોનમાં તહેનાત કોઈ સીઆરપીએફના જવાનને પૂછો તો તે કહેશે. હિડમા લડાઈની રણનીતિ બનાવવામાં એટલા માટે જબરદસ્ત છે કેમકે તેને આધુનિક ટેકનીકનું ઘણું જ્ઞાન છે. બદરના કહે છે, ‘એ વાત બિલકુલ સાચી છે. તેને ટેકનીક સાથે બાળપણથી જ લગાવ હતો. તે પોતાના દરેક હુમલાનો વીડિયો બનાવે છે જેથી એ હુમલાના નબળા પોઈન્ટ અને મજબૂત પોઈન્ટ પર પછી માઓવાદી સેના સાથે ચર્ચા કરી શકે.’
દરેક હુમલા પછી સંગઠનના અન્ય લોકો અને હુમલામાં સામેલ કમાન્ડરથી લઈને સિપાહી સુધી બધા લોકો આ વીડિયો જૂએ છે અને તેની સમીક્ષા કરે છે જેથી જાણી શકાય કે આખરે ક્યાં ભૂલ થઈ અને ક્યાં અગાઉ કરતાં સારૂં કર્યુ. બદરના કહે છે કે અગાઉ માઓવાદી હુમલામાં માત્ર સામેલ લોકોની વાતચીતના આધારે સમીક્ષા થતી હતી પણ હવે મોટાભાગના નક્સલી હુમલાઓનો વીડિયો બને છે. બદરના હસીને કહે છે, ‘સુરક્ષાદળો એવું કરતા નથી. ત્યાં રણનીતિ એસીમાં બેસીને એ અધિકારીઓ બનાવે છે, જેમને ફિલ્ડમાં લડાઈ માટે જવાનું હોતું નથી. અને ફિલ્ડમાં જનારા સિપાહીને માત્ર નિર્દેશ આપવામાં આવે છે. સંઘર્ષ પછી સફળતા કે નિષ્ફળતાની સમીક્ષા માટે પણ માત્ર અધિકારીઓ બેસે છે.’
બદરના કહે છે, ‘મેં મીડિયામાં વાંચ્યું કે હિડમાને તેલુગુ, તમિલ, મરાઠી, હિન્દી અને ફાંકડું અંગ્રેજી આવડે છે. મોટાભાગના નક્સલી તેલુગુ, તમિલ થોડીઘણી જાણે છે. હિડમા આમેય બાળપણથી હોંશિયાર હતો તો તેને આ બંને ભાષાઓ બીજા કરતાં વધુ સારી આવડે છે. તેનું પ્રથમ પોસ્ટિંગ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયું હતું, તેથી તેને મરાઠી પણ આવડે છે. હિન્દી અને સ્થાનિક બોલી હલ્બી દરેક નક્સલીને આવડે છે. ગોંડ સમુદાયમાંથી હોવાથી તેને ગોંડવી પણ આવડે છે. બાકી તેની સાથેના અન્ય માઓવાદીઓ કરતાં તેનું અંગ્રેજી સારૂં છે પણ ફાંકડું બિલકુલ પણ નથી.’