- આગ બુઝાવવાની કામગીરી કરનારા ફાયરબ્રિગેડના 40 જવાનો પણ હાલમાં સેલ્ફ હોમ ક્વોરન્ટીન છે
અમદાવાદ. નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના બનાવમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના કોરોના પોઝિટિવ દર્દીઓને નવરંગપુરા પોલીસે બચાવી અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દર્દીઓને બચાવવાની કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ પૈકી બે પોલીસ કર્મચારીઓને ખાંસી તથા તાવના લક્ષણો જણાયા છે. જેથી અન્ય 8 પોલીસ અધિકારી/કર્મચારીઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આગ બુઝાવવાની કામગીરી કરનારા ફાયરબ્રિગેડના 40 જવાનો પણ હાલમાં સેલ્ફ હોમ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.
દર્દીના સંપર્કમાં આવેલા 40 ફાયરના જવાનોને સેલ્ફ ક્વોરંટીન કરાયા
દુર્ઘટનાની જાણ થતા જ ફાયરના એડિશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ સહિત 40 જેટલા ફાયરના જવાનો અને 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ તમામ જવાનો હાલમાં સેલ્ફ ક્વોરંટીન થઈ ગયા છે. ફાયર વિભાગનું કહેવું છે કે, અમે દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હતા. જ્યારે હોસ્પિટલમાંથી જે 41 દર્દીઓને અત્યાર એસવીપી હોસ્પિટલને ખસેડવામાં આવ્યા છે. હાલમાં આખી શ્રેય હોસ્પિટલને ખાલી કરી દેવામાં આવી છે.
અગ્નિકાંડમાં 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ ચાર માળની શ્રેય હોસ્પિટલના ટોપ ફ્લોર પર ICUમાં બુધવારે મોડી રાતે લાગેલી આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા હતા. અન્ય 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે દુર્ઘટનાનો ભોગ બનેલા 8 મૃતકોને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જ્યાં તમામનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. જેમાં તમામ મૃતકો 40થી 60 ટકા દાઝ્યાં હતા અને તેમના શ્વાસમાં કાર્બન મોનોક્સાઈડ જવાથી તેમના મોત થયાં હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ફાયર વિભાગ દ્વારા આપેલી મૃતકોના નામ અને ઉંમરની યાદી
નામ | ઉંમર |
આરિફ મંસૂરી | 42 |
નવનીત શાહ | 80 |
લીલાબેન શાહ | 72 |
નરેન્દ્ર શાહ | 61 |
અરવિંદ ભાવસાર | 78 |
જ્યોતિ સિંધી | 55 |
મનુભાઈ રામી | 82 |
આયેશાબેન તિરમીઝી | 51 |