વડોદરા આવી પહોંચેલા મજૂરો: આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ શું કરીએ, વતનમાં કુટુંબ છે

Gujarat Vadodara
  • ગોલ્ડન ચોકડી પાસે ચોધાર આંસુએ રડતા પરપ્રાંતીય મજૂરે કહ્યું,
  • અમદાવાદથી વડોદરા આવી પહોંચેલા મજૂરો ત્રણ દિવસથી જમ્યા નથી !

વડોદરા. લોકડાઉનમાં ગરીબ-મધ્યમ વર્ગની સ્થિતિ દયનિય બની છે. બીજા રાજ્યોમાંથી મજૂરી કામ કરવા આવેલા સરકારી સહાયના અભાવે નર્ક જેવું જીવન વિતાવી રહ્યા છે. અમદાવાદથી ઉત્તરપ્રદેશ જવા  19 લોકો શહેરની ગોલ્ડન ચોકડીએ આવી પહોચ્યા હતા.  તેઓને સરકારી સહાય તો ઠીક ત્રણ દિવસથી જમવાનું પણ નહી મળતા હાલત કફોડી બની હતી.આ લોકડાઉન દેશ માટે કપરો સમય લઈને આવ્યો છે. તેમાંય બીજા રાજ્યમાં રહેતા લોકો સરકારી સહાયના દાવા વચ્ચે પોતાના વતન પગપાળા જવા નીકળ્યા છે. જમવાનું અને પાણી ક્યાંકથી મળી રહેશે તેવી આશા સાથે મે મહિનાના ધોમધખતા તાપમાં તેઓએ કોઈપણ ભોગે વતન જવાની વાટ પકડી છે. શહેરની ગોલ્ડન ચોકડી પર ત્રણ દિવસથી આવેલા 19 પરપ્રાંતિયો પોતાના વતન જવા ભટકી રહ્યા છે.

બધા જ લોકો પાસે થોડા જ નાણા છે અને હવે અમદાવાદ જવા નીકળ્યા
અમદાવાદમાં સિલાઈ કામ કરતા વિજય કુમાર રાવે જણાવ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશના સંતકબીર જિલ્લામાં જવા નીકળ્યા છે. તેઓએ ટ્રેન મારફતે જવા નોંધણી કરાવી હતી. પણ ત્યાંથી કોઈનો ફોન આવ્યો નથી. અમદાવાદથી દાહોદ થઈ ઉત્તરપ્રદેશ જવાનું કહી એક ટેમ્પા ચાલકે તેઓ અને તેમની સાથેના 18 લોકોને વડોદરા ઉતર્યા હતા. આગળ દાહોદ બોર્ડર બંધ હોવાથી તેઓને અહીંયા ઉતારી ટેમ્પા ચાલક ચાલ્યો ગયો હતો.  છેલ્લા ત્રણ દિવસથી તેઓ મદદ માટે ભટકી રહ્યા છે. તેઓએ નમ આંખો સાથે જણાવ્યું હતું કે એટલા પરેશાન થઈ ગયા છે કે આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ એ નથી કરી શકતા કારણ કે ગામમાં પરિવાર છે. અત્યાર સુધી કોઈ સરકારી મદદ તો ઠીક પણ જમવાનું અને પાણી પણ નથી મળ્યું. બધા જ લોકો પાસે થોડા જ નાણા છે અને હવે અમદાવાદ જવા નીકળ્યા છે.  

ત્રણ દિવસથી નર્મદાભવન આવીએ છીએ, ભોજન તો ઠીક પાણી મળતું નથી
મુળ બિહારના પૂર્ણિયા જિલ્લાના શ્રીપાદ બોશાકે જણાવ્યું હતું કે તેઓ સોમતલાવ નજીક આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર રહી સળિયા સેટિંગ કરવાનું કામ કરતા હતા. કોન્ટ્રાકટર બે દિવસ પહેલા અમને 8 લોકોને 700 રૂ. આપી પોતાના વતન જતો રહ્યો છે. અમારી પાસે માત્ર 700 રૂ. જ છે. એમાંથી 600 રૂ. ટ્રેનનું ભાડું આપવું પડશે. તો 100 રૂપિયામાં કેવી રીતે રહેવાય ? બે દિવસથી નર્મદાભવન આવીએ છીએ. પરંતુ ના તો જમવાની વ્યવસ્થા છે કે ના તો પાણીની વ્યવસ્થા. 
વધુ 1600 શ્રમિકો ઉત્તર પ્રદેશ રવાના
સોમવારે શહેરમાંથી વધુ એક ટ્રેન દ્વારા શ્રમજીવીઓ ઉત્તર પ્રદેશ જવા રવાના થયા હતા.વડોદરા રેલવે સ્ટેશનથી સાંજે 6 વાગે ઉપડેલી ટ્રેન માં શહેર અને આસપાસના ગામડાના  શ્રમજીવીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તંત્ર દ્વારા બિહાર  અને અન્ય રાજ્યો જેવાકે ઝારખંડ ના લોકો માટે કોઇ વ્યવસ્થા કરાઇ નથી.જ્યારે બિહારની એક -બે ટ્રેન રવાના કર્યા બાદ કરજણ અને અન્ય તાલુકામાં રહેલા શ્રમજીવીઓ માટે કઇ નિર્ણય લેવાયો નથી.સોમવારે માત્ર એક ટ્રેન દ્વારા 1600 શ્રમજીવીઓને ઉત્તર પ્રદેશ રવાના કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *