તો શું દાઉદનો ફોટો લગાવીએ? ભાજપ્નો ટોણો
બેંગ્લોર: કર્ણાટક વિધાનસભામાં વીર સાવરકરની તસ્વીર લગાવવામાં આવતા હંગામો સર્જાયો હતો અને શાસક-વિપક્ષો સામસામા આવી ગયા હતા. કોંગ્રેસના વિરોધ બાદ શાસક પક્ષે એવો ટોણો માર્યો કે સાવરકરના ફોટો ન મુકીએ તો શું દાઉદનો મુકશું? કર્ણાટક વિધાનસભાના હોલમાં વીર સાવરકરનો ફોટો લગાવાતા વિવાદ થયો હતો.
વિપક્ષી નેતા સિદ્ધારમૈયા તથા કોંગ્રેસ ધારાસભ્યોએ દેખાવો-વિરોધ પ્રદર્શન કર્યા હતા. વાલ્મીકી, કનકદાસ, બાબાસાહેબ આંબેડકર, સરદાર પટેલ સાથે સાવરકરની તસ્વીર સામે વાંધો લીધો હતો અને લેખિત વાંધો પણ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ ડી.કે.શિવકુમારે એવો આરોપ મુકયો હતો કે વિવાદ સર્જવા અને કાર્યવાહી ખોરવવા જ સતાધારી પક્ષ આ ફોટો લગાવ્યો છે.
કોંગ્રેસ ભ્રષ્ટાચારનો મુદો ઉપસ્થિત કરનાર હોવાથી તે રોકવાનો ઈરાદો છે.બીજી તરફ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સાવરકરના ફોટો સામે વાંધો લેતો કોંગ્રેસ શું તેઓ દાઉદનો ફોટો મુકવા માંગે છે? કોંગ્રેસે અગાઉ જેવી નથી, વર્તમાન કોંગ્રેસ ડુપ્લીકેટ છે. વીર સાવરકર સ્વતંત્રતા સેનાની છે અને એટલે તસ્વીર લગાવવામાં આવી છે.