અમરેલી ,રાજકોટ અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ, સુત્રાપાડામાં 3 ઈંચ, પ્રાચી માધવરાય મંદિર 15 ફૂટ પાણીમાં ગરકાવ

Gujarat
  • તાલાલાની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું
  • મેઘરાજા ઓળઘોળ બનતા અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો
  • માળીયા તાલુકામાં 24 કલાકમાં 7 ઈંચ વરસાદ

રાજકોટ. સૌરાષ્ટ્રભરમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદ પડતા નાના તળાવો, નદીઓ અને ચેકડેમોમાં નવાનીરની આવક થઈ છે. સુત્રાપાડામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે સરસ્તવતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો પ્રાચી માધવરાય મંદિર 15 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગીર ઉપરવાસમાં વરસાદને લઇ ગીરગઢડા અને કોડીનારમાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અમરેલી પંથકમાં પણ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

રાજકોટમાં પોપટપરા નાળુ અને લક્ષ્મીનગર અંડરબ્રિજમાં પાણી ભરાયા
રાજકોટમાં આખી રાત પડેલા વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજમાં પાણી ભરાય જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પોપટપરા નાળુ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

ગોંડલ તાલુકામાં ધીમીધારે વરસાદ,ચેકડેમો ઓવરફ્લો
ગોંડલ અને આસપાસના ગામોમાં આધી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગોંડલમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે વાસાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું.વાસાવડ ગામના ઉપરવાસમાં અમરેલી જિલ્લાના ગામોમાં રાત્રીના પડેલા ભારે વરસાદને કારણે વાસાવડી નદીમાં ભારે પુર આવ્યા હતાં.જેમને કારણે વાસાવડ ગામે નદી પરના તમામ ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા છે. આ સાથે જ ગામમાં પ્રવેશતાં મુખ્યમાર્ગ પરના બેઠાપૂલ પર પાણી ફરી વળતાં માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.આ ઉપરાંત વાસાવડી નદી પર મેતાખંભાળીયા ગામ પાસે પણ છેલ્લા ઘણાં સમયથી ચાલતી પૂલની ગોકળગાયની ગતિએ કામગીરીને લઈને કાઢવામાં આવેલ ડાયવર્ઝન ઉપર વાસાવડી નદીના પાણી ફરી વળતાં ગોંડલ દેરડી(કુંભાજી) મોટી કુંકાવાવ જતો માર્ગ બંધ થઈ જતા વાહનવ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો.

સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની આવક
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતા 17 ડેમમાં 4 ફુટ સુધીની આવક થઇ છે. દ્વારકા જિલ્લાના સોઢાભારથરી ડેમમાં સૌથી વધુ 4.27 ફુટ પાણીની આવક, વેરાડી-1માં 2.62 ફુટ, વેરાડી-2માં 1.31 ફુટ, મીણસાર (વાનાવડ)માં 0.98, મોરબી જિલ્લાનાં મચ્છુ-3માં 0.07 ફુટ, જામનગરના ઉંડ-3માં 1.15 ફુટ, ભાદર ડેમમાં 0.10 ફુટ, ફોફળ ડેમમાં 0.92 ફુટ, વેણુ-2માં 0.16 આજી-1માં 0.20 ફુટ, આજી-2માં 0.20, આજી-3 માં 0.59 ફુટ, ન્યારી-2માં 0.49 ફુટ, છાપરવાડી-2માં 0.33 અને ભાદર-2માં પણ 0.33 ફુટ પોરબંદરનાં સોરઠીમાં 0.43 અને સાકરોલીમાં 0.20 ફુટ પાણીની આવક થઈ છે. ગીર ગઢડાના રાવલડેમ 95 ટકા ભરાતા 6 પૈકી 4 દરવાજા 2-2 ફુટ ખોલવામાં આવ્યાં છે.

માધવરાયની પ્રતિમા ઉપરથી 15 ફૂટ ઉંચુ પાણી વહી રહ્યું છે
ગીર પથંકમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ પડી રહેલા વરસાદના પગલે તાલાલાની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે જ પ્રાચી માધવરાય મંદિર 10 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. માધવરાય ભગવાનની પ્રતિમા ઉપરથી 15 ફૂટ ઉંચુ પાણી વહી રહ્યું છે. 

મેઘરાજા ઓળઘોળ બનતા અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો
ગીર સોમનાથ પંથકમાં મેઘરાજા ઓળઘોળ બનતા અરબી સમુદ્રમાં પણ અસર જોવા મળી હતી. અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો અને સમુદ્ર તોફાની બનતા માછીમારોને દરિય ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રૂદરેશ્વર મંદિર પાસે આવેલ ચેક ડેમ છલકાયો
બીજી તરફ સીંગોડા નદી પર ઘાટવડ રૂદરેશ્વર મહાદેવ મંદિર પાસે બનાવવામાં આવેલો ચેરડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના પગલે ચેકડેમોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

માળીયા તાલુકામાં ધોધમાર વરસાદ
માળીયા તાલુકાના ગડુ આસપાસના વિસ્તારના ગામોમાં 24 કલાક 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વરસાદને લઇ ગીર વિસ્તાર અને ઘરની આસપાસના વિસ્તારોના ગામોની જીવાદોરી સમાન મેઘલ નદીમાં પુર આવ્યું હતું.

અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ
ગઈકાલે સાંજથી પડી રહેલા ધોધમાર વરસાદના પગલે અમરેલી પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આખી રાત વરસાદ પડતા અમરેલીમાં 32 મીમી, લીલીયામાં 28 મીમી, બાબરામાં 18 મીમી, સાવરકુંડલામાં 12 મીમી, ખાંભામાં 17 મીમી, ધારીમાં 14 મીમી, બગસરામં 5 મમી, વડીયામાં 19 મીમી અને લાઠીમાં 22મીમી વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ઉનામાં 3 ઈંચ, કોડીનારમાં 3 ઈંચ, ગીર ગઢડામાં 3.5 ઈંચ, તાલાલામાં 4 ઈંચ, વેરાવળમાં 3.5 મીમીને સુત્રાપાડામાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં 5થી 8 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 5 ઈંચ, કેશોદમાં 7 ઈંચ, વિસાવદરમાં 8 ઈંચ, મેંદરડામાં 8 ઈંચ, ભેંસાણમાં 5 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ, માણાવદરમાં 7 ઈંચ, વંથલીમાં 5 ઈંચ અને માળીયાહાટીનામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. 

પોરબંદરમાં ધોધમાર વરસાદ
પોરબંદરમાં છેલ્લા કલાકમાં  11 ઈંચ, કુતિયાણામાં 8 ઈંચ અને રાણાવાવમાં 11 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે પોરબંદરના સ્ટેશન રોડ, સુદામા ચોક સહિતના મુખ્ય રસ્તાઓમાં પાણી ભરાય ગયા હતા. આ સાથે જ ખીજડી પ્લોટથી લઈ છાયા ચોકી તરફ જતા સહિતના રસ્તાઓમાં ગોઠણ સુધી પાણી ભરાય ગયા હતાં.

આટકોટમાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ
આટકોટમાં 24 કલાક મા બે ઈચ વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું છે. આ સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *