ઇકોનોમીક રાઉન્ડ અપ : ભારતમાં દવાના ભાવમાં વધારો થવાનો ભય : ફાર્મા કંપનીઓની ચિંતા વધી
ચીનમાં જે રીતે કોરોનાની નવી અને ઘાતકી લહેર આગળ વધી રહી છે તેનાથી ભારતમાં ફરી એક વખત ઉત્પાદકો અને વેપારીઓ માટે ચિંતાની સ્થિતિ છે. ખાસ કરીને ફાર્મા, ઇલેક્ટ્રોનીક, પ્લાસ્ટીક અને કેમીકલ આ ચાર ક્ષેત્ર તેમના કાચા માલ અને સ્પેરપાર્ટસ માટે ચીન પર આધારિત છે. તે વચ્ચે ચીનમાં ભારતની નિકાસ પણ ઘટી રહી છે. એન્જીનીયરીંગ ગુડઝ જે ચીનમાં નિકાસ થાય છે
તેમાં નવેમ્બર માસમાં 40 ટકા ઘટાડો થયો છે. આ ઉપરાંત સાંઘાઈ આસપાસની અનેક કેમીકલ ફેકટરીઓ તેની કેપીસીટીના 30 થી 40 ટકાના હિસાબે કામ કરે છે અને તેમાં લેબર શોર્ટેજ છે. ચીનનું અર્થતંત્ર મંદીમાં જતા ભારતીય નિકાસ હજુ વધુ ઘટશે પરંતુ ખાસ કરીને આયાતમાં ફાર્મા કંપનીઓ જે તેના મૂળભૂત કાચા માલ માટે ચીન પર આધાર રાખે છે તેની ચિંતા વધી છે અને તેથી ભારતમાં દવાના ભાવ પણ વધશે તેવી દહેશત છે.