હરિયાણાના ગુડગાંવમાં 84 વર્ષના વૃદ્ધ મોહબ્બત સિંહની સારવાર મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી કરવામાં આવી છે. તેમને કોરોના સહિત અનેક બીમારીઓ હતી. મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે. આ અગાઉ ગત વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.
મોહબ્બત સિંહની છેલ્લા 5 દિવસથી ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મંગળવારે તેમને આ દવાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નરેશ ત્રેહાને કહ્યું હતું કે મોહબ્બત સિંહને એન્ટિબોડી કોકટેલ દવા લીધાના એક દિવસ પછી બુધવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.
કોરોના દર્દીને ડોઝ આપ્યા પછી હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી
ડો. નરેશ ત્રેહાને કહ્યું હતું કે જો કોરોના સંક્રમિત વ્યક્તિને 7 દિવસની અંદર આ દવાનો ડોઝ આપવામાં આવે તો એમાં 70-80% લોકો કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. તેમણે હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી. તેમણે કહ્યું હતું કે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી ઈલાજ કરવાનું ચલણ સૌથી વધુ અમેરિકા અને યુરોપમાં છે.
ભારતમાં આ દવાની બીજી બેચ 15 જૂને આવશે
એન્ટિબોડી કોકટેલ બે દવાઓ Casirivimab અને mdevimabના મિશ્રણથી બની છે, જે કોઈપણ વાયરસ પર એક જેવી અસર કરે છે. આ કોકટેલ એન્ટિબોડી દવામાં કોરોના પર સમાન અસર કરનાર એન્ટિબોડીઝનું મિશ્રણ છે. આ દવા સ્વિસ કંપની રોશે ઈન્ડિયાએ બનાવી છે. આ દવાની પ્રથમ બેચ સોમવારે જ ભારતમાં લોન્ચ થઈ હતી. આગામી બેચ 15 જૂન સુધીમાં આવી જશે.
જૂન સુધીમાં તેના એક લાખ પેકેટ ભારતમાં હશે અને એનાથી લગભગ 2 લાખ લોકોને ફાયદો મળશે. આ દવા મોટી હોસ્પિટલો અને કોવિડ સેન્ટર્સને અપાશે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ થોડા દિવસ અગાઉ જ એન્ટિબોડી કોકટેલના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
એન્ટિબોડીના મલ્ટીડોઝની કિંમત 1.19 લાખ રૂપિયા
રોશે ઈન્ડિયાએ કહ્યું – 1200 એમજીના દરેક ડોઝમાં 600 એમજી Casirivimab અને 600 એમજી Imdevimab છે. દરેક ડોઝની કિંમત 59750 રૂપિયા હશે. એના મલ્ટીડોઝના પેકેટની મહત્તમ કિંમત 1.19 લાખ રૂપિયા હશે. એક પેકથી બે કોરોના સંક્રમિતોની ટ્રીટમેન્ટ કરી શકાય છે. ભારતમાં આ એન્ટિબોડીનું માર્કેટિંગ સિપલા કરી રહી છે.
બાળકોને પણ આપી શકાય છે આ એન્ટિબોડી કોકટેલઃ ડો. ત્રેહાન
હાલમાં જ ડો. ત્રેહાને કહ્યું હતું કે એન્ટિબોડી કોકટેલ કેટલાક કેસોમાં બાળકોને પણ આપી શકાય છે. ખાસ વાત એ છે કે એના ઉપયોગથી 70% દર્દીને હોસ્પિટલમાં દાખલ રહેવાની જરૂર નથી. તેમણે કહ્યું કે આ દવાની એફિકસી એટલે કે પ્રભાવ 70 % સુધી છે અને ેનાથી મૃત્યુદરને પણ 80% સુધી ઘટાડી શકાય છે. જોકે ડો. ત્રેહાને કહ્યું હતું કે કંપનીઓએ આની કિંમત ઘટાડવી જોઈએ.