- ઈન્દોર સહિત મધ્યપ્રદેશના તાપમાનમાં ફરી વધારો
ઉત્તર ભારતના ઘણા ભાગમાં બુધવારે તાપમાન સામાન્ય કરતાં નીચે રહ્યું હતું. બિહાર ધુમ્મસના સકંજામાં આવી ગયું છે. પટનાના સામાન્ય તાપમાનમાં 6.8 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. રાજસ્થાનના કોટામાં ડિસેમ્બરમાં મહત્તમ તાપમાનનો 9 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અહીં મહત્તમ તાપમાન 32.5 રેકોર્ડ નોંધાયું છે. તો આ તરફ ઈન્દોર સહિત મધ્યપ્રદેશના તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. હવામાન વૈજ્ઞાનિક આવું થવા પાછળનું કારણ બંગાળની ખાડીમાંથી આવેલા ભેજને ગણાવી રહ્યા છે.
ધુમ્મસના સકંજામાં બિહાર
બિહારમાં આગામી બે દિવસ સુધી ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે. ખાસ કરીને દિવસના 10 વાગ્યા સુધી ધુમ્મસ વધુ રહેશે. આનાથી દૃશ્યતા પર પણ અસર થશે. ધુમ્મસને કારણે વિમાન તથા ટ્રેનની અવરજવર પર પણ અસર પડી રહી છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, પટનાએ ધુમ્મસ સંબંધિત અલર્ટ પર જાહેર કર્યું છે. તો આ તરફ બે દિવસમાં દિવસના તાપમાનમાં 6.8 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે, જેનાથી રાજધાનીમાં ઠંડી વધી ગઈ છે.
વૈજ્ઞાનિક સુધાંશુ કુમારનું કહેવું છે કે મહત્તમ અને સામાન્ય તાપમાન વચ્ચે અંતર સતત ઘટતું જઈ રહ્યું છે, જેનાથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે પટનાના મહત્તમ અને સામાન્ય તાપમાન વચ્ચે માત્ર 5.4 ડીગ્રી સેલ્સિયસનું અંતર રહી ગયું.
કોટામાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મહત્તમ પારો 32.5 ડીગ્રી
બુધવારે રાજસ્થાનના કોટામાં ડિસેમ્બરમાં મહત્તમ તાપમાનનો 9 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 32.5 અને સામાન્ય 13.3 ડીગ્રી નોંધાયું હતું. આ પહેલાં ડિસેમ્બર 2011માં મહત્તમ પારો 32.8 ડીગ્રી નોંધાયો હતો. વિઝિબલિટી 1500 મીટર હતી. તો આ તરફ સવારે 8.30 વાગ્યે પારો 18.2, સવારે 11.30 વાગ્યે 29.2, બપોરે 2.30 વાગ્યે 31.8 અને સાંજે 5.30 વાગ્યે ઘટીને 28.4 ડીગ્રી રેકોર્ડ થયો હતો.
ઈન્દોરમાં રાતે ઠંડક, પણ લઘુતમ પારો સામાન્ય કરતાં 3 ડીગ્રી વધુ
બંગાળની ખાડીમાંથી ભેજ આવવાને કારણે ઈન્દોર સહિત મધ્યપ્રદેશમાં તાપમાનમાં ફરી વધારો થયો છે, જેની અસર લગભગ છ દિવસ સુધી રહેશે. વાદળને કારણે દિવસના તાપમાનમાં થોડોક ઘટાડો આવી શકે છે, પરંતુ રાતનો પારો સરેરાશથી એકાદ ડીગ્રી વધુ જ રહેશે.
ઠંડીને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, પણ આ મહિને અને સીઝનમાં પારો માત્ર 11.2 ડીગ્રીના જ સામાન્ય સ્તર સુધી ગયો છે. કડકડતી ઠંડી માટે હાલ રાહ જોવી પડશે. 20 ડિસેમ્બર પછી જ વાતાવરણ ઠંડું થાય એવા અણસાર છે. રાજ્યના મુખ્ય શહેર ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરમાં પણ મહત્તમ તાપમાન 30થી 31 ડીગ્રી વચ્ચે જ રેકોર્ડ થયું છે.