- અગાઉ 17 કિમી માટે 1.25 કરોડ ખર્ચ, હવે 178 કિમી માટે 5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે
- વિશ્વામિત્રી અંગે સાત વર્ષ પહેલાં જ પાલિકાને સર્વે રિપોર્ટ મળ્યો હતો
- અગાઉ 1200 કરોડ રૂ.ના ખર્ચે વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટનું આયોજન પણ હવે ફ્લડ મિટિગેશન પર ભાર
- ડિજિટલ મેપિંગના નામે નદીને પુનઃજીવિત કરવાનું ભૂત ફરી ધૂણ્યું
છેલ્લા 12 વર્ષમાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી રાખવાના નામે પાલિકાએ 20 થી 25 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાંખ્યો છે અને સાત વર્ષ અગાઉ 17 કિલોમીટર ના સર્વે માટે પાલિકાએ સવા કરોડ રૂપિયા જેવી તગડી રકમ પણ એજન્સીને ચૂકવી હતી ત્યારે 178 કિલોમીટરના સર્વે માટે 5 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાની શકયતા છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ બાદ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો સેટેલાઈટ ડિજિટલ સર્વે કરવામાં આવનાર છે ત્યારે ફરી એક વખત પાલિકામાં વિશ્વામિત્રી પુનર્જીવિત કરવાનું ભૂત ધૂણ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સુંદરતા વધે અને તેના શુદ્ધિકરણ માટે અગાઉ પૂર્વ મેયર અને સાંસદ બાળુ શુક્લ દ્વારા પ્રોજેક્ટ તૈયાર થયો હતો. જેના ભાગરૂપે વિશ્વામિત્રી નદીમાં બંને બાજુ માટીના પાળા બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરાયો હતો પણ ત્યારબાદ ચોમાસા સમયે તેનું ધોવાણ થઇ ગયું હતું.
કલ્યાણ નગર ઝુપડપટ્ટીનો વિવાદ પણ સર્જાયો હતો અને તેઓને ત્યાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને આવાસ ફાળવવાની શરૂઆત કરાશે. નદી પાછળ પાલિકા દ્વારા દસ વર્ષમાં અંદાજે રૂપિયા 20 થી 25 કરોડનો ખર્ચો કરી નાખ્યો છે છતાં પણ વિશ્વામિત્રીની પરિસ્થિતિ જૈસે થે રહી છે.એટલું જ નહીં, 1200 કરોડ રૂ.ના પ્રોજેકટની બ્લ્યુ પ્રિન્ટ બનાવાઈ હતી.
વિશ્વામિત્રી નદી અંગે અનેકવાર સર્વે કરવામાં આવ્યા હતા પરંતુ તે સર્વે એક પછી એક અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યા છે ત્યારે છેલ્લે રાજ્ય સરકારે પાવાગઢથી લઈને પીન્ગલવાડા સુધીનો સર્વે કરી વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા નિર્ણય કર્યો હતો. આ દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો હુકમ આવતા તેના આધારે ફરી એકવાર પાલિકા દ્વારા મેપિંગ અને ગેરકાયદે બાંધકામનો સર્વે કરવા નિર્ણય લેવાયો છે અને પ્રથમ વખત પાવગઢથી ખંભાતના અખાત સુધીના પટ નો ડિજિટલ સર્વે કરવામાં આવશે.
પહેલાં શું આયોજન?
- વર્ષ 2008થી વિશ્વામિત્રી નદીને સાબરમતી રિવરફ્રન્ટની જેમ રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરાયું
- વિશ્વામિત્રી નદીના કિનારાના ભાગમાં માઈક્રો ટીપી સ્કીમ નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ મામલો ફાઈલ પર જ રહ્યો.
- 1200 કરોડના સૂચિત પ્રોજેકટમાં 700 થી 800 કરોડ રૂપિયા રીટેઇનિંગ વોલ અને અન્ય બાંધકામ પાછળ ખર્ચવાના હતા.
- વિશ્વામિત્રી નદીની ઊંડાઈ વધારવા માટે ખોદાણ પણ મોટાપાયે કરાર્યું હતું અને જેથી અગાઉ 16 ફૂટે પાણી ઘુસતા હતા તે હવે 25 ફૂટ બાદ આવે છે.
હવે શું આયોજન?
- વિશ્વામિત્રી પુનઃજીવીત કરવા માટે હવે આખું આયોજન બદલાયું છે અને ફરી એક વખત સર્વે કરવામાં આવશે કે જેનો રિપોર્ટ નવ મહિનામાં પાલિકાને મળશે.
- આ ટોપો ગ્રાફિક સર્વેમાં વિશ્વામિત્રી નદીનો4775 ચોરસ કિલોમીટર અને 2550 કિલોમીટર પુરગ્રસ્તવિસ્તારને આવરી લેશે કે જે નદી કાંઠા પરના દબાણો, અમુક સ્થળે નદીમાં બોટલનેક છે તે કઈ રીતે ખોલી શકાય, પર્યાવરણની જાળવણી અંગેના પાસા ચકાસવામાં આવશે.
- પહેલી વખત વિશ્વામિત્રી નદીના ઉદગમ સ્થાન એવા પાવાગઢથી લઈને તેના અંતિમ સફર સુધીના 178 કિલોમીટરના વિસ્તાર નો સેટેલાઈટ મેપ થી સર્વે કરાશે.
- પાલિકાએ વુડા-સિંચાઇ વિભાગ સાથે લઈ ખર્ચની વહેંચણી કરવી પડશે.