સેલિબ્રેશનની મજા બગાડશે ઓમિક્રોન:કેન્દ્રએ ડરાવ્યા તો રાજ્યોએ લગાવ્યા પ્રતિબંધ; કેટલાંક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ, તો કેટલીક જગ્યાએ કડક પ્રતિબંધ

india

કેન્દ્ર સરકાર તરફથી ગુરૂવારે રાજ્યોને ફરી કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર આવી શકે છે તેવો ડર રજૂ કર્યો છે. જે બાદ સાંજ સુધીમાં અનેક રાજ્યોએ પોતાને ત્યાં કડક પ્રતિબંધ જાહેર કર્યા છે. ખાસ કરીને ક્રિસમસ અને ન્યૂયરના સેલિબ્રેશન પર રોક લગાવી દીધી છે. મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હવે નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયું છે, જ્યારે અનેક રાજ્યોએ પોતાને ત્યાં કડક પ્રતિબંધો મૂકી દીધા છે.

કેન્દ્રએ રાજ્યોના આપ્યાં આ 7 નિર્દેશ
1. સંક્રમિત લોકોની વધતી સંખ્યાને લઈને વધુ સતર્કતા રાખવામાં આવે.
2. સંક્રમણ દર બમણો ન થાય અને પોઝિટિવ કેસના નવા કલસ્ટર વધુ ન બને તેના પર વધુ ફોકસ કરે.
3. ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને સ્થાનિક લેવલે પ્રતિબંધ અને જરૂર પડે તો નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવે.
4. કોવિડ-19 કેસના નવા કલસ્ટર્સમાં કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન નોટિફાઈ કરીને પ્રતિબંધો લગાવવામાં આવે.
5. કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ 100% સુધી ઝડપથી પહોંચે તેવા પ્રયાસ વધારવામાં આવે.
6. જે રાજ્યોમાં કોરોના વેક્સિનેશનની દર નેશનલ એવરેજથી ઓછી છે, ત્યાં ડોર-ટૂ-ડોર કેમ્પેઈન ચલાવવામાં આવે.
7. જે રાજ્યોમાં ચૂંટણીઓ થવાની છે ત્યાં કોવિડ-19ની વેક્સિન મોટા પાયે કરાવવામાં આવે.

કોરોના સંક્રમણને લઈને કયા રાજ્યોએ શું પગલાં ભર્યા છે
MPમાં 37 દિવસ પછી નાઈટ કર્ફ્યૂઃ મધ્યપ્રદેશ સરકારે 37 દિવસ પછી ફરીવખત પોતાને ત્યાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનું નાઈટ કર્ફ્યૂ લગાવી દીધું છે. સાથે જ સરકારે કહ્યું કે જિમ, કોચિંગ, થિયેટર, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલમાં 18 વર્ષથી વધુની ઉંમરના હોય અને જેઓએ વેક્સિનના બંને લીધા હોય તેમને જ એન્ટ્રી મળશે.

દિલ્હીમાં ક્રિસમસ-ન્યૂયર સેલિબ્રેશન પર પ્રતિબંધઃ દિલ્હીમાં ક્રિસમસ અને ન્યૂયર પર થનારા પબ્લિક સેલિબ્રેશન પર રોક લગાવી દેવાઈ છે. DDMAના આદેશ મુજબ આગામી આદેશ ન આવે ત્યાં સુધી કોઈ પણ હોટલ, બાર કે રેસ્ટોરાંમાં 50% સિટિંગ કેપિસિટીને મંજૂરી હશે.

UPના નોયડા-લખનઉમાં કલમ 144 લાગુઃ ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે ઉત્તરપ્રદેશના નોયડા અને લખનઉમાં યોગી સરકારે 31 ડિસેમ્બર સુધી કલમ 144 લગાવી દીધી છે.

તેલંગાનાના ગામમાં 10 દિવસનું લોકડાઉનઃ તેલંગાનામાં નવા કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના 38 કેસ છે. આ વચ્ચે રાજ્યના ગડેમ નામના ગામમાં એક ઓમિક્રોન સંક્રમિત મળતા દરેકની સહમતી પછી 10 દિવસનું લોકડાઉન લગાવી દેવાયું છે.

કર્ણાટકમાં ન્યૂયર જશ્ન પર રોકઃ કર્ણાટકમાં 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી સતત બીજા વર્ષે નવા વર્ષની ઉજવણી પર રોક લગાવી દેવાઈ છે. ક્રિસમસના જશ્ન પર કોઈ જ પ્રતિબંધ નથી, પરંતુ ચર્ચમાં મોટા પાયે ભીડ ભેગી ન થાય તેવા આદેશ આપવામાં આવ્યા છે.

તમિલનાડુમાં વેક્સિન ફરજિયાતઃ તમિલનાડુ સરકારે ન્યૂયર અને ક્રિસમસ સેલિબ્રેશનને લઈને કોઈ પ્રતિબંધ નથી લગાવ્યા. પરંતુ હોટલ-ક્લબમાં માત્રા કોરોના વેક્સિનેટ હશે તેમને જ એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. ચેન્નાઈના દરિયાઈ બીચ પર પણ મર્યાદિત સંખ્યામાં લોકો ન્યૂયર સેલિબ્રેટ કરી શકશે.

મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ, પબ્લિક સેલિબ્રેશન પર નવી ગાઇડલાઈન્સઃ મહારાષ્ટ્ર સરકારે ફરી સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ નગર નિગમે ક્રિસમસ અને ન્યૂયરને લઈને પબ્લિક સેલિબ્રેશનની નવી ગાઇડલાઈન્સ જાહેર કરી છે. અહીં હવે આયોજન સ્થળના 50% ક્ષમતા સુધી જ લોકો એકઠાં થઈ શકશે. નાસિકમાં વેક્સિન નહીં લેનારને મોલ્સ અને સરકારી ઓફિસમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઓરિસ્સામાં પણ ન્યૂયર પાર્ટી પર પ્રતિબંધઃ ઓરિસ્સાએ પણ ન્યૂયરને લઈને થનારી પાર્ટીઓના આયોજન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યની હોટલ્સ, રેસ્ટોરાં અને પબ્લિક પ્લેસ પર આ પ્રતિબંધ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ લાગુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *