અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ:28 બ્રિજ માટે રૂા.1300 કરોડનો ખર્ચ થશે; ફાઇનાન્સિયલ બીડ ઓપન, 8 પૈકી 4 કંપનીનાં ટેન્ડર માન્ય રખાયાં

Gujarat
  • કોરોનામાં પ્રોજેક્ટની કામગીરીની ગતિ ધીમી પડ્યા બાદ હવે ફાસ્ટ ટ્રેક પર લવાશે

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ માટે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. વાયડક્ટ એટલે કે ટ્રેક માટેના બે ટેન્ડર કરવામાં આવ્યાં છે. અમદાવાદથી મુંબઇ માટે નદી, હાઈવે સહિત અન્ય સ્થળ ઉપર સ્ટીલના બ્રિજ બનાવવા માટે ફાઇનાન્સિયલ બીડ ઓપન કરવામાં આવી હતી. સ્ટીલના 28 બ્રિજ બનાવવા રૂા. 1300 કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ સેવવામાં આવ્યો છે. સ્ટીલના બ્રિજ બનાવવાનું ટેન્ડર 8 કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 4 કંપનીનાં ટેન્ડર માન્ય રખાયાં હતાં.

ટેક્નિકલ પ્રોસેસમાં સમય ઓછો બગાડવા તકેદારી
બૂલેટ ટ્રેન માટે અત્યાર સુધી અમદાવાદથી છાણી અને મકરપુરાથી વાપી સુધીના ટ્રેકનાં ટેન્ડર એલોટ કરવામાં આવ્યાં છે. આ ટેન્ડરમાં સમગ્ર રૂટમાં આવતી નદી, હાઈવે અન્ય નાના-મોટા બ્રિજનો સમાવેશ કરાયો છે. કોરોના મહામારીને પગલે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ ધીમી ગતિથી ચાલી રહ્યો છે ત્યારે પ્રાથમિક તબક્કે અમદાવાદથી વાપી સુધીનો ટ્રેક તૈયાર કરવા માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઝડપી કામગીરી કરી ટેક્નિકલ પ્રોસેસનો સમય ઓછો બગડે તેની તકેદારી રખાઇ છે.

70 હજાર મેટ્રિક ટન સ્ટીલની જરૂર
સ્ટીલના 28 બ્રિજ બનાવવા 70 હજાર મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થશે, જે દેશની ઈકોનોમીને વેગ આપશે. અમદાવાદથી વાપી સુધીના ટ્રેક અને બ્રિજના કામ માટે મેનપાવર સહિત અન્ય કારીગરોની જરૂર પડશે, જે નોકરીઓ ઊભી કરશે.

વડોદરાના 5 બ્રિજ હોવાનો અંદાજ
બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં છાણીથી મકરપુરા સુધીના શહેરના 8 કિમી વિસ્તારનું ટેન્ડર કરવાનું બાકી છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલાં સૂત્રો મુજબ વડોદરામાંથી પસાર થતી વખતે અંદાજે 5 જેટલા સ્ટ્રક્ચર ઉપરથી ટ્રેક પસાર થશે, જેના માટે 5 બ્રિજ બનાવવા પડશે. જોકે વડોદરાના 8 કિમીનું ટેન્ડર થયા વગર બ્રિજ માટેનું ટેન્ડર થતાં ચર્ચા જાગી છે.

ટૂંક સમયમાં ટેન્ડર એલોટ થશે
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સ્ટીલના 28 બ્રિજ બનાવવા માટેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં અેલોટ કરવામાં આવશે તેમજ અગાઉ અપાયેલા ટેન્ડર માટેના પણ એમઓયુ થયા હોવાથી કોન્ટ્રાક્ટ મેળવનાર કંપની ઝડપથી પોતાની કામગીરી શરૂ કરશે. – સુષ્મા ગોર, પીઆરઓ, એનએચએસઆરસીએલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *