- 9 મહિનામાં 14મો ઉત્સવ-પર્વ કે જેના માટે સરકારે નિયમો બનાવ્યા, નેતાઓ માટે એક પણ નહીં
- ઉત્તરાયણ અંગે રાજ્ય સરકાર એક-બે દિવસમાં SOP જાહેર કરી શકે છે
ઉત્તરાયણ આડે એકાદ સપ્તાહ બાકી છે ત્યારે રાજ્ય સરકારે ધાબા પર 50 વ્યક્તિથી વધુ લોકો ભેગા નહીં થવાની જાહેરાત કરી છે, પરંતુ નેતાઓ જ ભીડ ભેગી કરીને રાજકીય કાર્યક્રમો કરે તે બાબતે સરકાર ચૂપ છે. ઉત્તરાયણ અંગે બે દિવસમાં એસઓપી જાહેર કરવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમે રાજ્ય સરકારની કોર કમિટીમાં ઉત્તરાયણમાં શું છૂટછાટ આપવી તે અંગે નિર્ણય લઈશું.
એકસાથે 50 લોકોની મંજૂરી નહીં અપાય
અમદાવાદમાં રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા- સદવિચારમાં મોક્ષવાહિની રથનું લોકાર્પણ કરતા નીતિન પટેલે કહ્યું હતું કે, ઉત્તરાયણમાં એક અગાશી પર 50થી વધુ લોકો એકઠા થવાની મંજૂરી મળશે નહીં,આમ છતાં ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરાશે. પટેલે એવી હૈયાધારણ આપી હતી કે, રાજયના તમામ નાગરિકોના રસીકરણ માટે આરોગ્ય વિભાગ સજ્જ છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત અને ગુજરાતની ઓળખ ગણાતા પતંગોત્સવ કોરોનાને કારણે નહીં યોજવાનો સરકારે નિર્ણય લીધો છે. પણ, સરકાર દ્વારા પોતાના ધાબા પર, ટેરેસ પર, અગાશી પર કે પોળમાં છાપરા પર કઇ રીતે પતંગ ઉડાડવાની મંજૂરી આપવી તે બાબતે સરકારની કોર કમિટીમાં નિર્ણય લેવાશે. આ બાબતે હજુ સુધી સરકારે કોઇ વિચારણા કરી નથી કે નિર્ણય લીધો નથી. આમછતા દરેક વ્યકિત પોતાના જ ધાબા પર એટલે કે એક પરિવારના 5થી7 લોકો તેમની અગાશી પર પતંગ ઉડાવી શકે તે દિશામાં વિચારણા થઇ રહીં છે. એક જ સોસાયટીના 50 લોકો એક જ ધાબા પર એકઠા થાય તેવી મંજૂરી અપાશે નહીં.
કેવા પ્રકારની મંજૂરી મળી શકે
- એક પરિવારને તેમના જ પોતાના ધાબા પર 5થી7 વ્યકિત
- એક જ ધાબા પર 50 જેટલા લોકોને મંજૂરી નહીં
- એક જ રસોડે જમતા હોય તેવી વ્યકિત તેમના ધાબા પર પતંગ ચગાવી શકે
કોઇ નાગરિકને આડઅસર ન થાય તેવી રસી અપાશે- નીતિન પટેલ
કોરોના રસી આખા રાજયને આપવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે તેવી ખાતરી નાયબ મુખ્યમંત્રી,આરોગ્ય મંત્રી નીતિન પટેલે આપી હતી. તેમણે કહ્યું હતું કે, વેકસિનની કોઇ આડઅસર થાય નહીં, નાગરિકોને કોઇ નુકશાન થાય નહીં, ભારત સરકારની સંસ્થાઓની મંજૂરી અપાશે તેવી રસી જ આપવાની મંજૂરી અપાશે. તેમણે કહ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગને રસી બાબતે આર્થિક ભારણ પડે નહીં તેનું ધ્યાન સરકાર રાખશે. ત્રણ તબક્કામાં રસી અપાશે. अઆ માટે રાજ્યમાં બે દિવસ રિહર્સલ પણ હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે રવિવારે બે રસીને મંજૂરી આપતા આગામી સપ્તાહથી રાજ્યમાં રસીકરણ શરૂ થશે.

સરકાર, આ શપથ યાદ રાખે
હું ભય અથવા પક્ષપાત, અનુરાગ કે દ્વેષ વિના દરેક પ્રકારના વ્યક્તિ વિશે સંવિધાન અને વિધી અનુસાર કાર્ય કરીશ.
પ્રજાના તહેવાર ધોવાયા
માર્ચ પછી રામનવમી, રથયાત્રા, ઇદ, મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા, દીવાળી, બેસતુ વર્ષ, ક્રિસમસ, 31 ડિસેમ્બર, ન્યૂ યર અને હવે ઉત્તરાયણ.
…નેતાઓને ખૂલ્લી છૂટ આપી
કોરોના દરમિયાન રાજ્યસભા ચૂંટણી, પેટા ચૂંટણી, પાટીલની પ્રમુખ થયા પછીની રાજ્ય વ્યાપી યાત્રા, બધા નાના-મોટા નેતાની રેલીઓ, સંતાનોની સગાઈ કાર્યક્રમ અને હવે પાલિકા ચૂંટણીની તૈયારીઓ
કોરોના અટકાવવા માટે અમે (પ્રજા) દરેક કડકાઈ માટે તૈયાર છીએ પણ આમનું શું?
પ્રજા પૂછે છે માસ્ક વિના ફરતા લોકો પાસેથી તમે કરોડોનો દંડ વસૂલ્યો, પણ હાઈકોર્ટ અને દેશના વડાપ્રધાનના કહેવા છતાં એક પણ નેતા સામે પગલાં ભર્યા?