સિવિલ 1200 બેડ હોસ્પિટલ બહાર મંગળવારે ફરી એકવાર કોરોનાના દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોનો ખડકલો થઈ ગયો હતો. ગણતરીની મિનિટોમાં અંદાજે 150 વાહનોનો લાઈનમાં આવી ગયા હતા. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવો હોય તો એક જ ગેટથી પ્રવેશ મળે છે. પરંતુ રોજ 100થી વધુ દર્દીના મૃત્યુ થતા હોવાથી મૃતદેહ લઈ જવા માટે ત્રણ દરવાજા રાખવા પડ્યા છે. દર્દીના મૃત્યુ પામ્યા પછી તેના સગાં હોબાળો કરતા હોવાથી વધારાના દરવાજા ખોલવાની ફરજ પડી છે.
સિવિલના તંત્રનો આરોપ છે કે, કોર્પોરેશનનું સેન્ટ્રલ કમાન્ડ 70 ટકા દર્દીને 1200 બેડ હોસ્પિટલમાં ધકેલતી હોવાથી હોસ્પિટલ બહાર રોજે રોજ એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળતી હોય છે. સિવિલમાં દર્દી આવે પછી તેના નામની નોંધણીથી લઈને વોર્ડમાં દાખલ કરવા કે અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં દોઢ કલાક જેટલો સમય નીકળી જાય છે.