- ન્યૂ સાઉથ વેલ્સમાં આગ અને ગરમીના કારણે દુષ્કાળ જેવી હાલત, 2200 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા
- ધુમાડાના કારણે બાળકોને સ્કૂલમાં માસ્ક લગાવીને આવવાનું સૂચન, લંચમાં ક્લાસમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ
કૈનબરા: ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીંસલેન્ડના જંગલોમાં લાગેલી આગ ઘાતક થઈ રહી છે. ફાયર ફાઈટરો મહિનાઓથી આ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે હજી સુધી તેમને એટલી સફળતા નથી મળી. આગના કારણે જંગલો બરબાદ થઈ રહ્યા છે અને ધુમાડો શહેર સુધી પહોંચી રહ્યો છે. સ્થિતિ એવી છે કે સિડની છેલ્લા કેટલાય સમયથી આગની લપેટમાં છે અને તેના કારણે અહીંનો એર ક્વોલિટી ઈન્ડેક્સ જોખમી નીશાન કરતા 11 ગણો વધારે ઉપર પહોંચી ગયો છે. શહેરમાં એટલો વધારે ધુમાડો વધી ગયો છે કે તેના કારણે ઘર અને ઓફિસોમાં લાગેલા ફાયર અલાર્મ એક્ટિવ થઈને વાગી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ આ તસવીર પોસ્ટ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ધુમાડાના કારણે ફાયર અલાર્મ વાગી રહ્યા છે. લોકોને પોતાનું ઘર છોડીને બહાર નીકળવુ પડે છે. તેમાં યુનિવર્સિટી ઓફ સિડની પણ સામેલ છે. સિડનીમાં વાતાવરણ વધારે ખરાબ થયું હોવાથી અને અલાર્મ વારંવાર વાગચા હોવાથી ફેરી સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પરિવહન વિભાગમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે કે, ધુમાડાના કારણે ટ્રેન સ્ટેશનનું ફાયર અલાર્મ એક્ટિવ થઈ શકે છે.
આ વિસ્તારો પણ ધુમાડાની લપેટમાં
સિડની સિવાય ઓપેરા હાઉસ, હાર્બર બ્રિજ અને બોન્ડી બીચ વિસ્તાર પણ ગાઢ ધુમાડો છવાયો છે. ગરમી અને ધુમાડાના કારણે સ્કુલોમાં બાળકોને લંચ દરમિયાન પણ કલાસમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત વાલીઓને બાળકોને માસ્ક પહેરાવીને જ મોકલવાનું કહેવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સના એમ્બ્યુલન્સ સુપ્રીટેન્ડેન્ટના જણાવ્યા પ્રમાણે, પૈરામેડિક્સ રોજ શ્વાસની તકલીફ સાથે જોડાયેલા 100થી વધારે કોલ્સ અટેન્ડ કરે છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં આગથી 2.8 લાખ હેક્ટરનો વિસ્તાર બરબાદ
ઓસ્ટ્રેલિયામાં અત્યારે કુલ 2,83,000 હેક્ટર જમીન આગની લપેટમાં છે. કુલ 2200 ફાયરફાઈટરો આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગથી 700 ઘર બરબાદ થઈ ગયા છે જ્યારે 6 લોકોના મોત થયા છે. ગરમીના કારણે ઘણાં વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે.