- છેલ્લા 23 દિવસમાં 517 પોલીસ કર્મચારીને ચેપ લાગ્યો છે, અત્યાર સુધી 1423 ઝપટમાં આવ્યા, 13નાં મૃત્યુ
માસ્ક વગર ફરતા રોજના 80 લોકોને પકડીને દંડ વસૂલવાનો દરેક પોલીસ સ્ટેશનને પોલીસ કમિશનરે આપેલો ટાર્ગેટ પૂરો કરવામાં છેલ્લા 24 કલાકમાં 46 પોલીસ કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો છે. છેલ્લા 23 જ દિવસમાં 517 પોલીસ કર્મચારી, અત્યારસુધીમાં કુલ 1423 પોલીસ અધિકારી-કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે તેમાંથી 13ના મૃત્યુ થયા છે.
માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો પાસેથી રૂ.1000 દંડ વસુલ કરવા માટે પોલીસ આખો દિવસ રોડ ઉપર તહેનાત રહે છે. તાજેતરમાં પોલીસ કમિશનરે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને માસ્ક વગર ફરતા રોજના 80 માણસોને પકડીને રૂ.80 હજારનો દંડ વસુલ કરવા કડક આદેશ કર્યો હતો.
પોલીસ કમિશનરનો આદેશ થતાની સાથે જ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ, તેમજ કર્મચારીઓ રોડ ઉપર નીકળી ગયા હતા અને માસ્ક વગર ફરતા લોકોને પકડીને દંડ વસુલ કરવાનું શરુ કર્યુ હતુ. જેના કારણે પોલીસ કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર ફરતા લોકોના સંપર્કમાં આવ્યા હતા. જેથી છેલ્લા 24 કલાકમાં એટલે કે 13 ડિસેમ્બરે એક જ દિવસમાં 46 પોલીસ અધિકારી – કર્મચારી કોરોનાગ્રસ્ત થયા હતા. જ્યારે ગત 21 નવેમ્બર 2020 સુધીમાં 906 પોલીસ અધિકારી – કર્મચારી કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યારબાદના 23 દિવસમાં જ આ આંક 1423 થયો છે.
ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ખાલી બેડ વધીને 60 ટકા થયા
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 237 કેસ નોંધાયા હતા. વધુ 7 દર્દીના મૃત્યુ થયા હતા. કેસની સંખ્યા ઘટતાં માત્ર એક વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યો છે. કુલ કેસની સંખ્યા 51 હજારને પાર થઈ ગઈ છે.
છેલ્લા ચાર દિવસથી શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં કોવિડની સારવાર આપતી શહેરની ખાનગી હોસ્પિટલોમાં છેલ્લાં ત્રણ દિવસમાં ખાલી બેડની સંખ્યા 53 ટકાથી વધીને 60 ટકાએ પહોંચી છે. ત્રણ દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશનથી લઇને વેન્ટિલેટર સાથેના આઇસીયુના 267 બેડ ખાલી છે. આહનાના આંકડાઓ મુજબ, આઇસોલેશનથી લઇને વેન્ટિલેટર સાથેના 3775 બેડમાંથી હાલ 2258 બેડ ખાલી છે.