- હજારો ખેડૂતો માર્ગો પર હાડ થીજવતી ઠંડીમાં રાત વીતાવવા મજબૂર, તેનાથી પણ વધુ લોકો મૃત્યુ પામી રહ્યાં છે
- કોઈનું બાળક બીમાર તો કોઈની પત્ની, ખેતરોમાં પાક બગડી રહ્યો છે, તેમ છતાં જિદ છે – હક તો લઈને જ જઇશું
- સંતના આપઘાતે બધાને હચમચાવ્યા, મંચથી લઈને મીટિંગ સ્થળ સુધી ખેડૂતો ગમગીન દેખાયા
- ન તો નહાવાની યોગ્ય વ્યવસ્થા, ન તો શૌચ જવાની, શૌચાલયોની બહાર સવારે લાંબી લાઈનો લાગે છે
- કોઈ ટ્રેક્ટરની સીટ પર તો કોઇ ટ્રૉલીઓ નીચે રાત વીતાવે છે, રૈન બસેરામાં સાંજથી લાઈનો લાગી જાય છે
ઠંડી ડરાવે છે. તેમ છતાં ખેડૂતો અડગ છે. તેમને ન તો સરકાર ડગમગાવી શકી રહી છે ન તો ઠંડી રાત્રિ. બુધવારે સાંજે સંત બાબા રામસિંહના આપઘાત બાદ ખેડૂતો હચમચી ગયા હતા. ખેડૂતોના પરિજનો પરેશાન છે, આ પ્રકારની ઘટના બનતા જ ફોન કરીને ખબર અંતર પૂછવા લાગી જાય છે.

બુધવારે આ રાત્રિ દરમિયાન જ અમે પણ ખેડૂતોના ખબરઅંતર પૂછવા માર્ગો પર હતા. 4 ડિગ્રી તાપમાન અને 12 કિ.મી પ્રતિકલાકની ઝડપે કાતિલ ઠંડા પવનો વચ્ચે રાત્રે 11 વાગ્યે બધાં કામ બંધ કરી ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા. ખાલસા એડના રેન બસેરામાં પહોંચ્યા તો લાંબી લાઇન લાગેલી હતી. આ બધા લોકો અહીં સૂવા માટે આવ્યા હતા. અહીં ઊભેલા ખેડૂત અનમોલ સિંહ સાથે વાત કરી તો જાણ થઈ કે તે એક કલાકથી લાઈનમાં ઊભો હતો કે જેથી કરીને સૂવા માટે ધાબળો મળી જાય.
જો આ પણ ભરાઈ જશે તો ક્યાંક કોઈ ટ્રોલી નીચે જ રાત્રિ પસાર કરવી પડશે. અંદર જઈને જોયું તો 200થી વધુ ખેડૂતો સૂઈ ગયા હતા. છતના નામે ઉપર એક ટેન્ટ હતો અને નીચે જમીન પર ચાદર પાથરેલી હતી. ઢાંકવા માટે ધાબળા મળ્યા હતા અને બધાએ પોતાનો સામાન પોલિથિનમાંથી કાઢી મૂકેલો હતો.
અહીં સૂતેલા ખેડૂત હરપ્રીત સિંહને પૂછ્યું કે આટલી ઠંડીમાં કઈ રીતે રોકાયા છો? તો તેમણે કહ્યું કે અમે તો આમ પણ સ્વર્ગમાં છીએ, બહાર રોડ પર જઈને જુઓ આ સરકારે અમારા ભાઈઓને કઈ રીતે રાત્રિ પસાર કરવા મજબૂર કરી રાખ્યા છે. અહીંથી નીકળ્યા તો જોયું કે સાઈડમાં અત્યારથી લોકો નહાઈ રહ્યા હતા, જેમણે જણાવ્યું કે રાત્રિથી નંબર લગાવવો પડે છે કેમ કે અહીં નંબર નહીં આવે તો બહાર રોડ પર આ ઠંડીમાં બરફ જેવા ઠંડા પાણીથી નહાવું પડે છે. અહીંથી અમે રોડ પર આગળની તરફ નીકળ્યા તો હેરાન થઈ ગયા.
વૃદ્ધો, મહિલાઓથી લઈને નાના બાળકો બધાં રોડ પર એક ધાબળાના સહારે સૂઇ રહ્યાં હતાં. કોઈ ટ્રેક્ટરની નાનકડી સીટ પર સૂતો હતો તો કોઈ ટ્રૉલી નીચે પથારી લગાવી સૂવા પ્રયાસ કરી રહ્યો હતો. અમુકે ટ્રૉલીઓમાં તારપોલીન પાથરી સૂવાની વ્યવસ્થા કરી હતી. એક ટ્રૉલી નીચે પંજાબથી આવેલા ખેડૂત હરપાલ સિંહ સૂવા પ્રયાસ કરી રહ્યા હતા. તેમની સાથે વાત કરી તો જણાવ્યું કે ઘણા સમયથી સૂવાનો પ્રયાસ કરું છું પણ ઊંઘ નથી આવતી.

અમે કહ્યું કે ઠંડીને લીધે ઊંઘ નથી આવી રહી કે શું? તો ખેડૂતે જવાબ આપ્યો કે જ્યારે સરકાર સામે બાથ ભીડી જ લીધી છે તો આ ઠંડી શું વસ્તુ છે? ઘરમાં પત્ની બીમાર છે અને કોઈ દવા લાવી આપનાર નથી. મેં ફોન પર કહ્યું હતું કે ઘરે આવી જઉં છું, તો તેણે જવાબ આપ્યો કે હું ભલે મરી જઉં પણ જીત્યા વિના પાછા ન આવતા.
અહીંથી થોડાક આગળ વધ્યા તો ખેડૂતો તાપણું કરી બેઠા હતા. તેમની સાથે વાત કરી તો જણાવ્યું કે ટ્રૉલીમાં પુરુષો વધુ છે એટલે અડધા અડધી રાત્રિ સુધી સૂવે છે અને તેના પછી બીજાનો નંબર આવે છે. એક ખેડૂત ફોન પર વાત કરી રહ્યો હતો. તે ભાવુક હતો. તેણે કહ્યું કે ઘરથી સાંજ પછી 10 ફોન આવી ચૂક્યા છે.
જ્યારે પણ અહીં કોઈ મરી જાય તો પરિજનો ચિંતામાં પડી જાય છે એટલે તેઓ ખબરઅંતર પૂછતા રહે છે. મને હાર્ટએટેક આવી ચૂક્યો છે, દવા ચાલુ છે, જે પતી ગઈ છે. અહીં 3 લોકો હાર્ટએટેકથી મરી ચૂક્યા છેે એટલા માટે ઘરે બધા ચિંતિત છે.
સંતના આપઘાત બાદ સતર્કતા વધારાઈ, લોકો દિવસભર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા
આટલી ઠંડી પડી રહી હોવા છતાં મુશ્કેલીઓમાં પણ અમુક લોકો માર્ગો પર સફાઈ કરી રહ્યા હતા, અમુક લોકો પહેરો ભરી રહ્યા હતા. સંતના આપઘાતની ઘટના બાદ તો સતર્કતા વધારી દેવાઈ છે. ગુરુવારે દિવસભર માહોલ ગમગીન રહ્યો. મંચથી સંત રામસિંહને દિવસભર શ્રદ્ધાંજલિ અપાતી રહી તો મીટિંગ સ્થળે પણ દિવસભર ખેડૂતો ગમગીન દેખાયા.