- રાજ્યસભામાં નાગરિકતા બિલના વિરોધમાં આસામ, ત્રિપુરા સહિત પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધ પ્રદર્શન શરૂ
- વડાપ્રધાન મોદીએ કહ્યું- કોઈ આસામના લોકોના અધિકારો, ઓળખ અને સંસ્કૃતિને છીનવી નહીં શકે
ગુવાહાટીઃ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ગુરુવારે સતત ચોથા દિવસે પણ ઉગ્ર પ્રદર્શન ચાલી રહ્યું છે. સૌથી વધારે અસર આસામ અને ત્રિપુરાને થઈ છે. આસામમાં પરિસ્થિતિ એટલી હદે બેકાબૂ બની ગઈ હતી કે ત્યાંના 10 જિલ્લાઓમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. જો કે, રાજ્યની રાજધાની ગુવાહાટીમાં જ પ્રદર્શનકારીઓએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું હતું. અહીં આગચાંપી અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં 48 કલાક માટે ઈન્ટરનેટ સેવાને બંધ કરાઈ છે.
આસામ, મણિપુર, ત્રિપુરા ,મિઝોરમ, અરુણાચલ અને મેઘાલયમાં સોમવારથી પ્રદર્શન ચાલી રહ્યા છે. મંગળવારે નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન(નેસો)એ આ આંદોલનનું નેતૃત્વ પોતાના હાથમાં લીધું હતું. આંદોલનને 30 વિદ્યાર્થી સંગઠન અને ડાબેરીઓનું સમર્થન મળી રહ્યું છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું નોર્થ ઈસ્ટના લોકોને વિશ્વાસ અપાવવા માગું છું કે કોઈ પણ તમારા અધિકારો, ઓળખ અને સંસ્કૃતિને નહીં છીનવી શકે.
આંદોલનના કારણે મોટા કાર્યક્રમો પર પણ અસર
આસામમાં રણજી ટ્રોફીની મેચો પર ચોથા દિવસે પણ અસર વર્તાઈ છે. હવે આ મેચને ટાળી દેવાઈ છે. આ ઉપરાંત ઈન્ડિયન સુપર લીગ(ISL)નો મુકાબલો પણ ટળી ગયો હતો. ફેબ્રુઆરીમાં યોજાનારા ફિલ્મ ફેર અવોર્ડમાંથી પણ આસામના નિર્દેશકોએ પોતાની ફિલ્મોને પાછી ખેંચી લીધી છે. ટીવી, ફિલ્મ અને લોક કલાકારોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે. ગુવાહાટીમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેની દ્વિપક્ષીય મુલાકાતનો કાર્યક્રમનું આયોજન છે. રાજ્ય સરકાર આ કાર્યક્રમની સુરક્ષા અંગે ચિંતિત છે, કારણ કે ગુવાહાટીમાં મુલાકાત માટે બનાવાયેલા મંચને પ્રદર્શનકારીઓએ તોડી નાંખ્યું છે.
ગુવાહાટીમાં ISL હેઠળ નોર્થ ઈસ્ટ યૂનાઈટેડ એફસી અને ચેન્નાઈ એફસીનો મુકાબલો ઈન્દિરા ગાંધી એથલેટિક્સ સ્ટેડિયમમાં યોજાવાનો હતો, જેને ટાળી દેવાયો હતો. નોર્થ ઈસ્ટ એફસીના અધિકારીઓએ કહ્યું કે, અમે ગુવાહાટી હોટલમાંથી જ્યારે બહાર નીકળ્યા તો ત્યાંની પરિસ્થિતિ ઠીક નહોતી.
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યં- તમારા હક નહીં છીનવાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું આસામના મારા ભાઈઓ અને બહેનોને કહેવા માંગુ છું કે બિલ અંગે ચિંતા કરવા જેવું કંઈ નથી, તમારા હક છીનવાશે નહીં. ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ આજે સુપ્રીમ કોર્ટમાં નાગરકિતા સંશોધન 2017 વિરુદ્ધ અરજી કરશે. રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પાસ કરી દેવાયું હતું.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું તેમને કહેવા માંગીશ કે કોઈ તમારા અધિકારો, ઓળખ અને સંસ્કૃતિને નહીં છીનવી શકે. કેન્દ્ર સરકાર બંધારણની સુરક્ષા, ભાષા, સંસ્કૃતિ અને આસામની સંસ્કૃતિ અંગે પ્રતિબદ્ધ છે.
દિબ્રૂગઢ આવતી જતી તમામ ફ્લાઈટ્સ રદ
- ફુટબોલ સ્પોટર્સ ડેવલપમેન્ટ લિમીટેડના જણાવ્યા પ્રમાણે, નોર્થઈસ્ટ યૂનાઈટેડ એફસી અને ચેન્નઈયન વચ્ચે રમાનારી ઈન્ડિયન સુપર લીગ મેચ સ્થગિત
- આસામ અને ત્રિપુરામાં રણજી મેચ રદ
- પ્રભાવિત વિસ્તારોમાં 12 રેલવે સુરક્ષા વિશેષ બળને તહેનાત કરવામાં આવ્યું
- કામાખ્યા એક્સપ્રેસ, ગુવાહાટી એક્સપ્રેસ, નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસમાં હજારો યાત્રિઓ ફસાયા છે
- ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું-ગુવાહાટીથી આસામ તરફ જનારી તમામ ટ્રેન રદ
- કોલકાતા એરપોર્ટ અધિકારીઓએ કહ્યું કે, કોલકાતા (પશ્વિમ બંગાળ)થી દિબ્રૂગઢ(આસામ)માટેની તમામ ફ્લાઈટ્સ રદ
- ઈન્ડિગોએ દિબ્રૂગઢથી આવતી જતી તમામ ફ્લાઈટ્સને આજ માટે (12 ડિસેમ્બર)રદ કરી છે
બુધવારે શહેરમાં કર્ફ્યૂ લગાડવામાં આવ્યું હતું
વિરોધ પ્રદર્શનના કેન્દ્ર ગુવાહાટીમાં પ્રશાસને બુધવારે રાતે કર્ફ્યૂ લગાવી દીધો હતો. ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. આસામ રાઈફલ્સના જવાનોને બુધવારે ત્રિપુરામાં તહેનાત કરવામાં આવ્યા હતા. ઓલ આસામ સ્ટુડેન્ટ યૂનિયને ગુવાહાટીમાં સવારે 11 વાગ્યે પ્રદર્શન કરવાની હાકલ કરી હતી. નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધને 30 વિદ્યાર્થી અને વામ સંગઠન સમર્થન આપી રહ્યા છે. કૃષિક મુક્તિ સંગ્રામ સમિતિએ લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે રસ્તા પર આવવાની અપીલ કરી છે.
ફ્લાઈટ્સ રદ
કોલકાતા એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, કોલકાતા(પશ્વિમ બંગાળ)થી દિબ્રૂગઢ સેક્ટર (આસામ) માટેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવાઈ છે. દિબ્રૂગઢથી આવતી જતી તમામ ફ્લાઈટ્સને આજે (12 ડિસેમ્બર)રદ કરી દેવાઈ છે. મુસાફરો વૈકલ્પિક ફ્લાઈટ્સ પસંદ કરી શકે છે અથવા રિફંડ પણ લઈ શકે છે.
આસામના 10 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવાયો
આસામમાં બુધવારે હજારો વિદ્યાર્થીઓએ વિધાનસભા તરફ રેલી કાઢી હતી. દિબ્રૂગઢમાં વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ગુવાહાટીમાં પણ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. દિસપુરમાં પ્રદર્શન દરમિયાન બસમાં આગ ચાંપી કરાઈ છે. આસામના 10 જિલ્લામાં 24 કલાક સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ત્રિપુરામાં પણ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવાયો છે. નાકાબંધીના કારણે આસામના ઘણા શહેરોમાં વાહનો ફસાયા છે. 10થી વધારે વાહનો સળગાવાયા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભાજપ અને આસામ પરિષદ(AGP)નેતાઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો.
આસામ પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ મુકેશ અગ્રવાલે કહ્યું કે, કર્ફ્યૂ આગામી આદેશ સુધી યથવાત રાખવામાં આવશે. અમે દરેક પરિસ્થિતી પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.