- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું- સત્તામાં રહેનાર પાર્ટીઓએ બહુસંખ્યકવાદથી બચવું જોઈએ
- એક સીટ પર 16-18 લાખ વોટર્સ, આ સંજોગોમાં સાંસદો મતદારો સાથે સતત સંપર્કમાં રહે તે અપેક્ષા રાખવી ખોટી
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મોદી સરકારને વિપક્ષ સહિત બધાને સાથે લઈને ચાલવાની સલાહ આપી છે. ઈન્ડિયા ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવેલા અટલ બિહારી વાજપેયી મેમોરિયલ લેકચરમાં ભાગ લેવા પહોંચેલા પ્રણવ મુખરજીએ કહ્યું, શક્ય છે કે લોકોએ કોઈ પાર્ટીને પ્રચંડ બહુમતી આપી હોય પરંતુ ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં એવું ક્યારેય નથી થયું કે જ્યારે મતદારોએ માત્ર એક જ પાર્ટીને સમર્થન આપ્યું હોય. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યારે સંસદમાં આપણી પાસે બહુમતી હોય છે ત્યારે આપણને એવું લાગે છે કે, આપણે બધુ કરી શકીએ છીએ. પરંતુ આપણે ખોટા હોઈએ છીએ. જનતા આ પહેલાં આવા નેતાઓને સજા આપી ચૂકી છે.
પ્રણવ મુખરજીએ આગળ કહ્યું છે કે, ચૂંટણીમાં જબરજસ્ત બહુમતી મળવાનો અર્થ થાય છે કે તમે સ્થિર સરકાર બનાવી શકો છો. જ્યારે લોકપ્રિય બહુમત ન મળતા તમે બહુસંખ્યકની સરકાર નથી બનાવી શકતા. આજ આપણા સંસદીય લોકતંત્રનો સંદેશ અને સુંદરતા છે.
લોકસભાની સીટોની સંખ્યા 1000 હોવી જોઈએ
પૂર્વ રાષ્ટ્રપતિએ તેમના ભાષણ દરમિયાન લોકસભા અને રાજ્યસભાની સીટો વધારવાની માંગણી પણ કરી છે. તેમણે કહ્યું છે કે, છેલ્લે લોકસભામાં વર્ષ 1977માં સીટો વધારવામાં આવી હતી. તે 1971ની વસતી ગણતરીના આધારે વધારવામાં આવી હતી. તે સમયે વસતી 55 કરોડ હતી. આજે જનસંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. તેથી લોકસભાની સીટો વધારીને 1000 કરી દેવાની જરૂર છે. આજે એક લોકસભા સીટ પર 16-18 લાખ લોકો છે. તેથી સાસંદો દરેક મતદારોના સંપર્કમાં રહી શકે તેવી અપેક્ષા ન રાખવી જોઈએ.
પ્રણવ મુખરજીએ કહ્યું કે, આપણે દરેક વાતે આધાર વગર બહાના બનાવવાની જગ્યાએ નવી પદ્ધતિથી વિચારવાની જરૂર છે. જો બ્રિટિશ સંસદમાં 650 સીટ હોઈ શકે, કેનેડાની સંસદમાં 443 સભ્ય હોઈ શકે, અમેરિકાની સંસદમાં 535 સભ્યો હોઈ શકે તો ભારતીય સંસદમાં સભ્યોની સંખ્યા કેમ વધારે ન હોઈ શકે.
નવા સંસદ ભવનની અત્યારે કોઈ જરૂર નથી
રાજકીય પક્ષોમાં ઉભી થયેલી નવી સંસદ બિલ્ડિંગની માંગણીને પ્રણવ મુખરજીએ બિનજરૂરી ગણાવી છે. તેમણે કહ્યું છે કે, મને નથી ખબર કે સંસદની નવી ઈમારત સંસદીય પ્રણાલીને સુધારવાનું કામ કરશે. તેમણે સલાહ આપી છે કે, જો લોકસભામાં 1000 સાંસદ થાય તો પણ સેન્ટ્રલ હોલનો લોકસભા માટે ઉપયોગ કરી શકાય છે. જ્યારે રાજ્યસભાને હાલની લોકસભાની જગ્યાએ ચલાવી શકાય છે.