દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ નર્સ યુનિયનને કોરોના મહામારી દરમિયાન અનિશ્ચિત સમયની હડતાલની ઘોષણા પાછી ખેંચી લેવા અપીલ કરી છે, જ્યારે સંસ્થાએ તેમની માંગણીઓ ધ્યાનમાં લેવાની ખાતરી આપી છે.
દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ની નર્સ યુનિયને તેમની તમામ માંગણીઓ મુદ્દે અનિશ્ચિત કાળ સુધી હડતાલની જાહેરાત કરી છે. AIIMSમાં નર્સ યુનિયન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલની ઘોષણા કરવામાં આવી છે. આ હડતાલમાં તેમની માંગોમાં છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ સંબંધિત માંગનો પણ સમાવેશ થાય છે.
તે જ સમયે, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે નર્સ યુનિયન હવે હડતાલ પર ઉતરી ગયું છે. તે પણ જ્યારે રસી ફક્ત થોડા જ મહિનામાં આવે છે. હું તમામ નર્સો અને નર્સિંગ અધિકારીઓને અપીલ કરું છું કે હડતાલ પર ન જાઓ, કામ પર પાછા આવો અને મહામારીથી બચવામાં લોકોને મદદ કરો.
સમાચાર એજન્સી ANI અનુસાર, રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે નર્સ યુનિયન દ્વારા 23 માંગણીઓ કરવામાં આવી છે અને એઈમ્સે આ તમામ મુદ્દાઓને ઉકેલવાની ખાતરી આપી છે. આ મહામારીના સમયગાળા દરમિયાન નર્સો તેમની ફરજોમાંથી આવી રીતે ન જઈ શકે. અમે દરેકને તેમની યોજના પ્રમાણે આગળ વધવા અપીલ કરીએ છીએ.