મુરાદનગરમાં ભ્રષ્ટાચારના દાનવોની સામે લાગે છે કે ભગવાન પણ લાચાર થઈ ગયા, ‘એક મોત એ ઘરમાં થયું, એક તેમાં, ત્યાં એ ઘરમાં પણ બે લોકો મર્યા છે, અમારી આ ગલીમાં જ આઠ લોકોનાં મોત થયા છે.’ મુરાદનગરની ડિફેન્સ કોલોનીમાં એક ઘરની બહાર બેઠેલી આ મહિલા આંગળીઓ પર ગણીને સ્મશાન સ્થળે થયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો વિશે જણાવી રહી છે.
ગાઝિયાબાદ તંત્રએ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકો માર્યા ગયાની વાતને સમર્થન આપ્યું છે. વીસથી વધુ લોકો ઘાયલ છે. આ ગલીમાં ઘરની બહાર લોકો ખામોશ બેઠા છે. કેટલાક ઘરોમાં લાશ રાખી છે, જ્યારે કેટલીક લાશોને ગાઝિયાબાદ-મેરઠ રોડ પર રાખીને ટ્રાફિક જામ કરાયો છે.

67 વર્ષના ઓમપ્રકાશની લાશ ઘરમાં એકલી રખાઈ છે. મહિલાઓ વિલાપ કરી કરીને મૌન થઈ ગઈ છે. બહાર બેઠેલા લોકો એમ કહીને દિલાસો આપી રહ્યા છે કે એ તો રિટાયર થઈ ગયા હતા, જવાબદારીઓ પૂરી થઈ ગઈ હતી પણ એમના પરિવારોનું શું કે જેઓ એકલા કમાનારા હતા? 11 વર્ષની અનુષ્કાએ દુર્ઘટનાના થોડા સમય પહેલા જ પોતાના પિતાને ફોન કરીને જલદી ઘરે આવવા માટે કહ્યું હતું. પરંતુ હવે તેમની લાશ ઘરમાં રાખી છે.
અનુષ્કાની આંખો તેની સામે સર્જાયેલી સ્થિતિને સમજી શકતી નથી. માતા અગાઉથી જ માનસિક રીતે નબળી છે જેની બીમારીના કારણે બે વર્ષ પહેલા મોટી બહેને આત્મહત્યા કરી લીધી હતી. હવે માસીએ હાથ ઝાલ્યો છે. અનુષ્કા જાણતી નથી કે આગળ જીવનમાં શું થશે. તેના પિતા સતીશકુમાર મહેસૂલ વિભાગમાં કાર્યરત હતા.
અહીંથી થોડું દૂર ઓમકારનું ઘર છે. 48 વર્ષના ઓમકાર શાક વેચતા હતા. તેમના નાના ભાઈ અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. શૈયા તૈયાર કરતા તે કહે છે, ‘મારા ભાઈના બે નાના બાળકો છે, તેમનું પેટ હવે કોણ ભરશે?’ ચાર બાળકોનાં પિતા નીરજનું ઘર પણ અહીં જ છે. તેમના મોત પછી હવે પરિવારજનો સવાલ કરે છે, ‘ઘર બનાવવા માટે લીધેલું કરજ કોણ ઉતારશે. બાળકોનું પેટ કોણ ભરશે. બે લાખનું વળતર શું આ પરિવાર માટે પૂરતું રહેશે?’

પત્રકાર મુકેશ સોની પોતાના ઘરની બહાર મૌન બેઠા છે. તેઓ પોતાના 22 વર્ષીય પુત્ર દિગ્વિજયની ચિતાને આગ લગાવીને આવ્યા છે. તેમને મળવા આવેલા કેટલાક પત્રકારો દિલાસો આપતા વ્યવસ્થામાં પ્રસરેલા ભ્રષ્ટાચારની વાત કરે છે. પુત્રનું નામ આવતા જ મુકેશ ધ્રુસકા ભરે છે. શબ્દ તેમના ગળામાં ફસાઈ જાય છે. તેમની લાચાર આંખો બોલે છે. જાણે કહી રહી છે, જે પત્રકાર જીવનભર ભ્રષ્ટાચાર પર લખતો રહ્યો, તેનો પોતાનો પુત્ર જ ભ્રષ્ટાચારનો ભોગ બની ગયો અને તેઓ કંઈ ન કરી શક્યા.
દિગ્વિજયના નાનીનું ઘર પાસે જ છે. તેને બાળપણથી નાનીએ જ ઉછેર્યો હતો. પોતાના ઘરના સૌથી મોટા સંતાનના મોતથી નાની બેહાલ છે. તેઓ વારંવાર રડતા રડતા કહે છે, ‘મને બે લાખ નથી જોઈતા, મારો દીકરો જોઈએ, મારી પાસેથી ત્રણ લાખ લઈ જાઓ, મારો દીકરો લાવી દો.’

એ સ્મશાન સ્થળ અહીંથી વધારે દૂર નથી જેની હાલમાં બનેલી ગેલેરી પ્રથમ વરસાદમાં જ તૂટી પડી. દુર્ઘટનાના સમાચાર જાણીને નાની હાંફળીફાંફળી ત્યાં પહોંચી હતી. ઘાયલો અને મૃતકોની ભીડમાં તેણે પોતાના દીકરાનો લોહીથી લથપથ ચહેરો ઓળખી લીધો હતો.
હવે અહીં લોહીથી લથપથ જૂતા-ચપ્પલ કોંક્રિટના ઢગલામાં પડ્યા છે. લોહીથી ખરડાયેલી અનેક ચીજો પડી છે. લેન્ટરમાં લાગેલા સળિયા તૂટીને વળી જઈને જાળ જેવા બની ગયા છે. કાટમાળ જૂઓ તો હાથમાં રેતી આવી જાય છે. સ્મશાનમાં ત્રણ ચિતાઓ સળગી રહી છે.
દયારામ, જેમની અંત્યેષ્ટિમાં આસપાસના લોકો અને સંબંધીઓ આવ્યા હતા, તેમની ઠંડી થઈ ચૂકેલી ચિતામાંથી ફૂલ વીણાય રહ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર પછી પંડિતે લોકોને બે મિનિટનું મૌન ધારણ કરવા કહ્યું હતું. હળવો વરસાદ પડી રહ્યો હતો. લોકો ગેલેરીની નીચે ઊભા હતા કે ત્યારે જ લેન્ટર તૂટી ગયું.
ગૌરવ નજીકમાં આગથી હાથ તાપતો હતો. મોટો અવાજ સાંભળીને એ સ્થળે પહોંચ્યો હતો. તે કહે છે, ‘લોકો ઘાયલોને કાઢવા લાગ્યા પણ કોઈ નીકળ્યું નહીં. પ્રથમ એક જ ક્રેન આવી હતી, બીજી ક્રેન બે કલાક પછી આવી હતી. અહીં એક યુવક પડ્યો હતો, તેનો શ્વાસ ચાલતો હતો, તેને કાઢવાની ખૂબ કોશિશ કરાઈ પણ તેને કાઢી ન શકાયો.’
શિવમ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તે કહે છે, ‘અહીં એક વૃદ્ધ પડેલા હતા, ત્યાં એક વૃદ્ધ મૃત પડ્યા હતા. બસ ત્રણ ચાર લોકો જીવતા હતા. બાકીનાએ ધીમે ધીમે દમ તોડી દીધો. જેના હાથમાં જે આવ્યું તેનાથી લેન્ટર તોડવાની કોશિશ કરી રહ્યું હતું.’
સાંજ સુધીમાં જ્યારે કાટમાળ સાફ થયો, ત્યારે અનેક ઘરોના ચિરાગ બુઝાઈ ગયા હતા. મૃત લોકોની હાલત એવી હતી કે જોનારાના હાંજા ગગડી જાય. દુર્ઘટના પછી એ સ્થળે પહોંચેલી એક મહિલા કહે છે, ‘કોઈના હાથ પગ નહોતા, કોઈનો ચહેરો અડધો હતો તો કોઈનું હૃદય બહાર નીકળી ગયું હતું. સળિયા લોકોની અંદર ઘૂસી ગયા હતા.’

સ્મશાનનું હાલમાં જ સૌંદર્યીકરણ થયું છે. જે ગેલેરી તૂટી પડી છે તેનું પંદર દિવસ પહેલા જ શટરિંગ ખુલ્યું હતું. હજુ અધિકૃત રીતે તેનું ઉદઘાટન પણ થયું નહોતું. સામે ભગવાન શિવની સફેદ રંગની વિશાળકાય મૂર્તિ છે જેમની આંખો સામે લોકોએ તડપી તડપીને શ્વાસ છોડ્યા. જાણે ભ્રષ્ટાચારના દાન સામે તેઓ પણ બેબસ થઈ ગયા છે.
મોક્ષના દ્વાર સ્મશાનમાં લોકો પોતાની લાલચ છોડીને દાખલ થાય છે પણ અહીં તો લાલચુ લોકોએ મોક્ષધામ જ ગળી લીધું. અહીં એક દિવાલ પર લખ્યું છે, ‘તમે ધર્મની દિવાલ તોડી પાડશો તો ભગવાન તમારા ઘરની દિવાલ તોડી પાડશે.’ પણ કદાચ આ ગેલેરી તોડી પાડનારાના ઘરોની દિવાલો નહીં તૂટે કેમકે તેણે પોતાના ઘરમાં પાકી સિમેન્ટ લગાવી હશે. અહીં દિવાલો પર ઠેર ઠેર લખ્યું છે – ‘સૌજન્યથી-શ્રી વિકાસ તેવટિયા-અધ્યક્ષ નગરપાલિકા પરિષદ મુરાદનગર’.