રેલવે ઇ-ટિકિટમાં ટેરર ફન્ડિંગ

રેલવે ઇ-ટિકિટમાં ટેરર ફન્ડિંગ, ઇ-ટિકિટિંગ રેકેટના તાર પાકિસ્તાન, દુબઈ અને બાંગ્લાદેશ સાથે જોડાયા

india
  • RPFએ 24 લોકોને ઝડપ્યા, માસ્ટરમાઈન્ડ દુબઈમાં બેઠો છે
  • આરોપી પાસે IRCTCનાં 536 ID, 3000 બેન્ક ખાતાં
  • રેકેટનો માસ્ટરમાઈન્ડ ઉત્તર પ્રદેશ બોમ્બ બ્લાસ્ટમાં પણ સામેલ
  • નકલી આધાર અને પાનકાર્ડ બનાવવામાં પણ એક્સપર્ટ છે

નવી દિલ્હી: રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા મંગળવારે એક એવા ઈ-ટિકિટિંગ કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો, જેના તાર પાકિસ્તાન, દુબઈ અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. આરપીએફના ડીજી અરુણ કુમારે કહ્યું કે, આ કૌભાંડમાં અમને ટેરર ફન્ડિંગ થતું હોવાની શંકા છે. આ રેકેટનો માસ્ટરમાઈન્ડ દુબઈમાં છે. આ કૌભાંડના મુખ્ય સભ્ય ગુલામ મુસ્તફા સહિત કુલ 24 લોકોની અમે ધરપકડ કરી છે. તેઓ ક્રિપ્ટો કરન્સી અને મની લોન્ડરિંગથી પૈસા વિદેશ મોકલતા હતા. આ રેકેટમાં 20 હજારથી વધુ એજન્ટો ધરાવતી 200થી 300 પેનલ સક્રિય છે. આ ઉપરાંત તેમાં બેંગલુરુની એક સોફ્ટવેર કંપની પણ ભાગીદાર છે અને હાઈટેક ટેકનિક જાણતો ગુરુજી કોડનેમ ધરાવતો એક શખસ પણ આ લોકોને સક્રિય મદદ કરતો હતો. આ કેસની તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.
રેકેટનો મુખ્ય સભ્ય ઓરિસ્સાના ભુવનેશ્વરથી ઝડપાયો
હાલના કેટલાંક વર્ષોમાં ટિકિટોના ગેરકાયદે વેપારમાં સૌથી મોટી કાર્યવાહી કરતા આરપીએફ દ્વારા ઓરિસ્સાના ભુવનેશ્વરથી ગુલામ મુસ્તફા નામના શખસની ધરપકડ કરાઈ છે. પોલીસને શંકા છે કે, આ શખસ ટેરર ફન્ડિંગમાં સામેલ છે. મુસ્તફાએ મદરેસામાં અભ્યાસ કરેલો છે, પરંતુ તે સોફ્ટવેર ડેવલપિંગ પણ જાણે છે. તે નકલી આધાર અને પાન કાર્ડ બનાવવામાં પણ નિષ્ણાત છે. તે બાંગ્લાદેશથી લોકોને ગેરકાયદે રીતે ભારત લાવીને અહીં વસાવવાનું કામ પણ કરતો હતો.
માસ્ટરમાઈન્ડ પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠનનો સભ્ય
આ રેકેટનો માસ્ટર માઈન્ડ સોફ્ટવેર ડેવલપર હામિદ અશરફ 2019માં ગોંડાની સ્કૂલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પણ સામેલ હતો. તે પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન તબ્લીગી જમાતનો સભ્ય છે. એજન્સીઓને શંકા છે કે, તે દુબઈમાં હોવાની પૂરેપૂરી શક્યતા છે. ગેરકાયદે વેપાર થકી તે દર મહિને રૂ. 10થી 15 કરોડની કમાણી કરે છે, જેથી તે ટેરર ફન્ડિંગમાં સામેલ હોઈ શકે છે.
એસબીઆઈની 2400 શાખામાં બેન્ક ખાતાં
ગુલામ મુસ્તફા પાસે IRCTCના 563 પર્સનલ આઈડી છે. આ ઉપરાંત તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 2,400 શહેરી અને ગ્રામીણ શાખાઓમાં 3 હજાર ખાતાં પણ ધરાવે છે.
આરોપીની NIA, ED, IB પણ પૂછપરછ કરી
આરપીએફના ડીજી અરુણ કુમારે કહ્યું કે, ઈ-ટિકિટિંગ કૌભાંડમાં ધરપકડ કરાયેલા ગુલામ મુસ્તફાની છેલ્લા 10 દિવસમાં NIA, ED, IB દ્વારા પણ પૂછપરછ થઈ ચૂકી છે. આ રેકેટ થકી તે ટેરર ફન્ડિંગ, મની લોન્ડરિંગના કરતો હોવાની એજન્સીઓને શંકા છે. આ ઉપરાંત તે અને તેના સાગરિતો ક્રિપ્ટો કરન્સીની મદદથી પણ પાકિસ્તાન અને દુબઈ જેવા દેશોમાં જંગી ભંડોળ મોકલતા હોવાની પણ અમને શંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *