નવસારી. પ્લાસ્ટિક નિયમોનું પાલન કરવાની જવાબદારી જેના શીરે છે તે નગરપાલિકા જ લોકોના ડસ્ટબિનમાં ફેંકેલા પ્લાસ્ટિક અને અન્ય પ્લાસ્ટિકનો કચરો ડમ્પિંગ સાઈટ પર ઠાલવી જાય છે. આ કચરાથી નજીકની ઝૂંપડપટ્ટીના રહિશોનું જીવન નર્કાગાર જેવું બની ગયું છે. કારણ કે, કચરાની દુર્ગંધ અને પવનથી ઉડીને કચરો લોકોના ઘરોમાં જઈ રહ્યો છે. તો પવનને કારણે કચરો ઉડીને આજુબાજુના વિસ્તારને પણ પ્લાસ્ટિકયુક્ત કરી રહ્યો છે. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને પણ આ ગંદકીનો ભોગ બનવું પડે છે. વિજલપોરમાં ગૌવંશને ખોરાક નહીં મળતા અહિયાં પ્લાસ્ટિક અને કચરો ખાવા મજબૂર બન્યું છે. ગૌવંશની દુર્દશાની આ તસવીર બદલવા મનોમંથન જરૂરી છે. ગૌવંશની દયનીય દશા અંગે પૃચ્છા કરતા વિજલપોર પાલિકાએ નવસારી નગરપાલિકાના માથે દોષનો ટોપલો ઢોળી દીધો હતો.
નવસારી નગરપાલિકાની મંજૂરીની વિજલપોરને વાટ
અમે જેમ બને તેમ કચરા માટેની જગ્યા ખાલી કરવા માંગીએ છીએ. નવસારી નગરપાલિકાએ કચરા નિકાલ માટે જે મશીન મૂક્યું છે તેની ક્ષમતા 200 ટન પ્રતિદિનની છે. અને વિજલપોરમાંથી રોજ 28થી 30 ટન કચરો એકત્ર થાય છે. જેના નિકાલ માટે અમે દરેક પ્રકારની પરવાનગી લીધી છે. નવસારી નગરપાલિકાની જ એકમાત્ર પરવાનગી બાકી છે, જે તેમણે છેલ્લા 6 માસથી આપી નથી. > મોહનભાઇ આહીર, સેનેટરી અધિકારી, વિજલપોર પાલિકા
જૂનો કચરો નિકાલ થાય પછી જ મંજૂરી આપી શકીશું
નવસારી નગરપાલિકા તેની આજુબાજુના વિસ્તારો જેવા કે વિજલપોર અને કબીલપોર પણ પોતાના કચરાનો નિકાલ કરવા નવસારી નગરપાલિકાની પરવાનગી માંગી રહી છે. પણ જ્યાં સુધી નવસારી નગરપાલિકાનો પાછલા વર્ષોનો કચરો સંપૂર્ણ રીતે નિકાલ ન થાય ત્યાં સુધી અમે તેમને પરવાનગી આપી શકીએ નહીં.> હિંમતભાઈ પટેલ, ચેરમેન, સેનેટરી વિભાગ, નવસારી પાલિકા
ડમ્પિંગ યાર્ડથી અમારા વિસ્તારમાં નર્કાગાર
ડમ્પિંગ યાર્ડના કારણે અમને ખૂબ જ દુર્ગંધ આવે છે. કચરો પણ પવનને કારણે ઉડીને અમારા ઘર પાસે આવી જાય છે અને આજુબાજુના રોડ તથા પ્લોટમાં ફેલાય છે. કેટલાક સમયે તો મૃત્યુ પામેલા પ્રાણીઓને પણ અહીંયા નાખવામાં આવે છે. જેના કારણે અમારા વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિથી રોગચાળો ફેલાલવવાનો પણ ભય રહે છે. > હંસાબેન હળપતિ, સ્થાનિક